<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

મિલપરાની એચ.આર. કિંગ હોટેલના સોશિયલ મિડીયા પર છપાયેલા સમાચાર મામલે મૂન હોટેલના કર્મચારી વિજય સહિતની સામે વળતી ફરિયાદ

હિરેન રૂડકીયા, તેના ભાઇ મયુર અને વિશાલ નેપાળીએ હુમલો કર્યાની ફરિયાદ ગઇકાલે દાખલ થઇ હતી

 

રાજકોટઃ શહેરના મિલપરા વિસ્‍તારમાં આવેલી હોટલોમાં ચાલતા વિવાદે હિંસક સ્‍વરૂપ ધારણ કર્યું છે. એચ.આર. કિંગ હોટલના સંચાલક હીરેનભાઈ કિશોરભાઈ રૂડકીયા, તેના ભાઇ સહિતે મૂન હોટેલના કર્મચારી વિજય ઉપર હુમલો કર્યાની ફરિયાદ દાખલ થયા બાદ હવે હિેરનભાઇએ વિજય ઉર્ફે વિરાજ ભાણા અને તેની સાથેના અન્‍ય ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, ગત તા. ૧૨/૦૧/૨૦૨૬ના રોજ સોશિયલ મિડીયા નયુઝ  પેજ પર એચ.આર. કિંગ હોટલ અંગે વાંધાજનક સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ બાબતે હીરેનભાઈએ ન્‍યૂઝ પેજના માલિક વિશુભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શકયો ન હતો. આ દરમિયાન મિડિએટર તરીકે આવેલા ચિરાગભાઈ અને મુન હોટલના ભાવેશભાઈ સાથે ફોન પર બોલાચાલી થઈ હતી.

વિવાદ વધતા, વિજય ઉર્ફે વિરાજ અને ચિરાગભાઈ હીરેનભાઈની હોટલ પર પહોંચ્‍યા હતા. તે સમયે હીરેનભાઈ હાજર ન હોવાથી વિજયે તેમના ભાઈ મયુર સાથે ઝઘડો કર્યો હતો અને ગાળાગાળી કરી હતી. ત્‍યારબાદ રાત્રિના સમયે વિજયે ફરી આવી મયુરભાઈ અને વિશાલ નેપાળી સાથે ઝપાઝપી કરી મયુરને ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ ઘટનાથી રોષે ભરાયેલા હીરેનભાઈ, મયુર અને વિશાલ પાઈપ તથા લાકડીઓ લઈ મૂન હોટલ પાસે પહોંચ્‍યા હતા. ત્‍યાં વિજય અને તેના સાથીદારો સાથે સામસામે અથડામણ થઈ હતી. હીરેનભાઈએ સ્‍વબચાવમાં વિજયને પાઈપ મારતા તેને માથામાં ઈજા થઈ હતી. સામા પક્ષે વિજય અને તેના ત્રણ સાથીદારોએ હોકી તથા લાકડીઓ વડે હીરેનભાઈના ભાઈ મયુર અને વિશાલ નેપાળીને બેરહેમ માર માર્યો હતો. ઝઘડા બાદ હીરેનભાઈએ પોતે ૧૧૨ અને ૧૦૮ ને ફોન કરી જાણ કરી હતી. ઈજાગ્રસ્‍ત મયુરભાઈ અને વિશાલને સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર અપાયા બાદ રજા આપવામાં આવી હતી. હાલ એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. ડી. વાય. મહંતે હીરેનભાઈની ફરિયાદના આધારે પણ વિજય ઉર્ફે વિરાજ અને અન્‍ય ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે વળતો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:52 AM IST)