<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

પડધરીના ન્‍યરાના આર્યને ઇન્‍સ્‍ટાગ્રામમાં યુવતિ સાથે વાત કરતાં ડખ્‍ખોઃ માધાપર ચોકડીએ બોલાવી માર મારી અપહરણ કરી મોબાઇ પડાવી ધમકીઃ ૧૦ શખ્‍સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો

૭મીએ બનેલી ઘટનામાં આર્યન સારવાર માટે દાખલ થયા બાદ તપાસને અંતે પોલીસની કાર્યવાહીઃ ૧૦ શખ્‍સોની શોધખોળ

 

રાજકોટઃ જામનગર રોડ પર આવેલા ન્‍યારા ગામના રહેવાસી સંજયભાઈ ખેતરીયાના પુત્ર આર્યનનું સોશિયલ મીડિયાના ડખ્‍ખામાં અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં બની હતી. આ બનાવમાં તપાસને અંતે ગાંધીગ્રામ પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. આર્યન ઇન્‍સ્‍ટાગ્રામ પર કોઈ અજાણી યુવતી સાથે વાતચીત કરતો હતો, જે બાબત આરોપી વિવેક અગ્રાવતને ગમી ન હતી. આ બાબતનો ખાર રાખી વિવેક અને તેના સાથીદારોએ આર્યનને ફસાવવાનું કાવતરૂં રચી તેને અંજામ આપ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગત ૭/૧/૨૬ના બપોરે અઢી વાગ્‍યાના અરસામાં આરોપીઓએ આર્યનને મોરબી બાયપાસ રોડ પર માધવ હોટલ પાસે બોલાવ્‍યો હતો. ત્‍યાં વિવેક અગ્રાવત, રોહિત, વરૂણ, હિતેશ, મનીષ, આયુષ, શુભમ સોલંકી અને અન્‍ય ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ ભેગા મળી આર્યનને ઘેરી લીધો હતો. આરોપીઓએ આર્યનનો સેમસંગ કંપનીનો મોબાઈલ ઝૂંટવી લઈ તેની ઇન્‍સ્‍ટાગ્રામ ચેટ બાબતે ગાળાગાળી કરી ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. ત્‍યારબાદ આરોપીઓએ આર્યનને બળજબરીપુર્વક મોટરસાયકલ પર બેસાડી તેનું અપહરણ કર્યું હતું. તેને એઈમ્‍સ હોસ્‍પિટલ તરફ જતાં રોડ અને કોસ્‍મિક સ્‍કૂલ પાસે લઈ જઈ ગોંધી રાખવામાં આવ્‍યો હતો.

ત્‍યાં આરોપીઓ પૈકીના એક શખ્‍સે છરી બતાવી પૈસાની માંગણી કરી હતી, પરંતુ આર્યન પાસે પૈસા ન હોવાથી વિવેક અગ્રાવતે તેનો કિંમતી મોબાઈલ ફોન બળજબરીથી પડાવી લીધો હતો અને તેમાંથી સીમકાર્ડ કાઢી આર્યનને ધમકાવ્‍યો હતો. બાદ આરોપીઓ આર્યનને બાઈક પર બેસાડી ન્‍યારા ગામમાં તેના ઘર પાસે લઈ ગયા હતા. ત્‍યાં પણ આરોપીઓએ તેને માર મારી જો કોઈને કહીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. આર્યન સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસને અંતે હવે  ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પીઆઇ એસ.આર. મેઘાણની રાહબરીમાં પીએસઆઇ એસ.બી. જાડેજાએ તપાસ શરૂ કરી છે.

(10:53 AM IST)