તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
પતંગ ઉડાડી ધાબેથી ઉતરતી વખતે પડધરીના સાલપીપળીયામાં યુવાનનું મોતઃ રાજકોટમાં પતંગના દોરાને કારણે ૪૦ને ઇજા
સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ, મીની ઓપરેશન થીએટરમાં તબિબો, સર્જન, નર્સિંગ સ્ટાફ સતત સવારથી રાત સુધી ખડેપગે રહ્યા બે વર્ષના બાળકથી માંડીને સાંઇઠ વર્ષના વૃધ્ધ સુધીના લોકોને દોરાને કારણે ઇજાઓ થઇઃ કેટલાકે ઘરગથ્થું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી

રાજકોટ તા. ૧૪: રાજકોટમાં પતંગના પર્વ મકરસંક્રાંતિમાં પતંગના દોરાને કારણે ઇજાના અને પતંગ ઉડાડતી વખતે પડી જવાથી કે પતંગના દોરા રસ્તા પર વાહન લઇને નીકળતી વખતે ફસાઇ જવાથી ઇજાના ૪૦થી વધુ બનાવો બન્યા હતાં. આ તમામને સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ અને બાજુમાં જ ખાસ ઉભા કરાયેલા મીની ઓપરેશન થીએટરમાં અપાઇ હતી. વાહન અકસ્માતના અન્ય ૨૫ બનાવો પણ સવારથી સાંજ સુધી નોંધાયા હતાં. જેમાં ઘાયલોને સર્જનો, ઓર્થોપેડીક ડોક્ટર દ્વારા અને અમુકને નજીવી ઇજા હોઇ પ્રાથમિક સારવાર અપાઇ હતી. સિવિલ હોસિપટલમાં સવારથી રાત સુધી આ પ્રકારના દર્દીઓ સતત આવતાં રહ્યા હોઇ તબિબો, નર્સિંગ સ્ટાફ, પ્યુન સહિતનો કર્મચારીઓ સતત ખડેપગે રહ્યા હતાં. તો અમુકે ઘરગથ્થું કે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી. જ્યારે પડધરીના સાલપીપળીયામાં પતંગ ઉડાડીને અગાસીએથી નીચે ઉતરતી વખતે પડી જતાં યુવાનનું મોત થયું છે.
પતંગ ઉડાડતી વખતે પડી જવાથી ઇજાના બનાવમાં કૃણાલ કીશોરભાઇ (ઉ.વ.૨૦), દિનેશભાઇ વ્યાસ (ઉ.વ.૪૯), હર્ષ હેમતભાઇ (ઉ.વ.૨૦), નિલેષભાઇ સોલંકી (ઉ.વ.૩૦), નિર્જલાબેન (ઉ.વ.૨૪), યોગરાજ નિર્મલભાઇ (ઉ.વ.૨૨), વિજયભાઇ (ઉ.વ.૪૪), જયદીપ હિતેષભાઇ (ઉ.વ.૧૨), રહીશ શાદીકઅલી (ઉ.વ.૨), કમલેશભાઇ ઝાપડા (ઉ.વ.૨૬), યજ્ઞેશ રાજપરા (ઉ.વ.૨૫), આસીફભાઇ જાંબુડીયા (ઉ.વ.૫૦), નસીમબેન આસીમભાઇ જાંબુડીયા (ઉ.વ.૪૫), રીયાઝ મોહમદભાઇ (ઉ.વ.૧૪), રાહુલ અડવાણી (ઉ.વ.૨૮), અનીતાબેન લક્ષમણભાઇ (ઉ.વ.૪૦), મહેશભાઇ રાજાભાઇ ગાંગાણી (ઉ.વ.૩૦), વિજયભાઇ પરસાણા (ઉ.વ.૩૮), મીત વઢવાણીયા (ઉ.વ.૨), દક્ષીતા જેઠવા (ઉ.વ.૮), રણજીત જયંતિભાઇ (ઉ.વ.૭), લલીતભાઇ પરમાર (ઉ.વ.૫૫), અજયભાઇ ચાંદ્રા (ઉ.વ.૩૬), ધીરૂભાઇલાખાભાઇ (ઉ.વ.૭૦), સાહીલ અરવીંદભાઇ (ઉ.વ.૫), વૈભવ પારેખ (ઉ.વ.૩૨), સાગર ખીંટ (ઉ.વ.૨૪), જયેશ જગદીશભાઇ (ઉ.વ.૨૪), હીરલ જગદીશભાઇ (ઉ.વ.૨૪), પ્રકાશભાઇ ત્રીકમજી (ઉ.વ.૬૦), સુરેશભાઇ પારેખ (ઉ.વ.૬૧), અશોકભાઇ પારેખ (ઉ.વ.૬૫), અજય જેન્તીભાઇ (ઉ.વ.૧૪), બાબુસીંગ રાજપુત (ઉ.વ.૧૮)નો સમાવેશ થાય છે. પતંગના દોરા ફસાઇ જવાથી કે પતંગ ઉડાડતી વખતે પડી જવાથી ઇજાઓ થઇ હતી. જમોં અમુકને ગળા, ગાલ, હોઠ, કપાળે ઇજાઓ પહોંચી હતી. તો અમુક વાહન સાથે પડી જતાં ઓર્થોપેડીક વિભાગમાં પણ સારવાર લેવી પડી હતી.
જ્યારે જુનાગઢ સુખનાથ ચોકમાં રહેતો ઉઝેર ફૈઝુલભાઇ બ્લોચ (ઉ.વ.૯) રાજકોટ દૂધ સાગર રોડ પર શેરી નં. ૩માં હતો ત્યારે સંક્રાંતની સવારે ધાબા પરથી પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આજીડેમ ચોકડી યુવરાજનગરમાં રહેતો ઋત્વીક મુન્નાભાઇ ચાવડા (ઉ.વ.૧૬) પતંગ ઉડાડતી વખતે છત પરથી પડી જતાં ઇજા થઇ હતી. તેમજ કોઠારીયા સોલવન્ટ શુભમ્ પાર્ક-૨માં રહેતો તન્વીર પ્રકાશભાઇ ગોહેલ (ઉ.વ.૮) ધાબા પરથી પડી જતાં ઇજા પહોંચતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉપરાંત ભગવતપીરા મોડર્ન સ્કૂલ પાછળ હસન મુર્તુઝાભાઇ ભારમલ (ઉ.વ.૩) સીડી પરથી પટકાતાં અને ન્યારી ડેમ પાસે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો પ્રિન્સ હાર્દિકભાઇ વાસ્કલા (ઉ.વ.૯) પતંગ ઉડાડતી વખતે સીડી પરથી પડી જતાં ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો હતો. આ બનાવોમાં પોલીસ કેસ જાહેર કરાયા હતાં.
જ્યારે પતંગના પર્વ દરમિયાન વાહન હંકારતી વખતે પડી જવાથી ઇજા થવાના બનાવોમાં ઇમર્જન્સી વોર્ડમાં સવારથી સાંજ સુધી દર્દીઓની આવક ચાલુ રહી હતી. આવા ૨૪ દર્દીઓની સારવાર ઇમર્જન્સી વિભાગના સ્ટાફે અને બાજુમાં જ શરૂ કરાયેલા મીની ઓપરેશન થીએટરમાં કરવામાં આવી હતી. વાહન અકસ્માત તથા પડી જતાં ઇજાઓ થઇ તેમાં મોટા ભાગનાને પ્રાથમિક સારવાર અપાઇ હતી અને જરૂર હોય તેને મીની ઓપરેશન થીએટરમાં સર્જન દ્વારા સારવાર આપી સર્જરી કરાઇ હતી. અમુકને દાખલ કરવામાં આવ્યા હતાં.
જ્યારે પડધરીના સાલપીપળીયા ગામે પતંગ ઉડાડી લીધા બાદ અગાસી પરથી નીચે ઉતરતી વખતે સાંજે છએક વાગ્યે વિનોદ લીંબાભાઇ વાછકીયા (ઉ.વ.૨૬) પડી જતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર વિનોદ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના મોતથી એક દિકરી અને બે દિકરા મળી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. વિનોદ છુટક મજુરી કરતો હતો. સીડીએથી ઉતરતી વખતે પગથીયું ભુલાઇ જતાં આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
(2:32 PM IST)










