<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

સહકારનગરમાં સાવન ગોસ્‍વામીને પુર્વ પ્રેમીકા વર્ષાએ મિત્ર દર્શન સાથે મળી છરીના ૧૭ ઘા ઝીંકી પતાવી દીધો

લગ્ન વગર ૨૫ વર્ષનો સાવન ગોસ્‍વામી રાજકોટના ઘનશ્‍યામનગરમાં ૪૫ વર્ષની વર્ષા ગઢવી સાથે પતિની જેમ રહેતો હતોઃ માથકુટ થતાં ચારેક મહિનાથી બંને અલગ રહેતાં હોઇ વર્ષા હવે દર્શન ઉર્ફ ભુદેવ સાથે રહેવા માંડી હતીઃ દોઢેક મહિના પહેલા વર્ષાને સાવને છરી મારી દીધી હતીઃ વારંવાર સાવન હેરાન કરતો હોવાથી હત્‍યા કરી નાંખી : પોતાને સાવન સતત હેરાન કરતો હોવાની જાણ વર્ષાએ ફોન કરીને સાવનના નાનીવાવડી ગામે રહેતાં પિતા રમણીકપરીને કરી હતીઃ દર્શને પણ તેમને ફોન કરી ધમકી આપી હતી કે-તમારા દિકરાને સમજાવી લેજો નહિતર છરીના ઘોદા મારી દઇશઃ વર્ષાએ સાંજે સાવનને ફોન કરી સહકારનગર રોડ પર બોલાવ્‍યોઃ પછી પોતે અને દર્શન તૂટી પડયા : સંક્રાંતિની સાંજે કાલાવડના નાની વાવડીના યુવાનનું સરાજાહેર ખૂન ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, રાઇટર નિલેષભાઇ મકવાણાએ ગુનો દાખલ કરી બંને આરોપીને સકંજામાં લીધા : હત્‍યાનો ભોગ બનનાર સાવન બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતોઃ આઠેક દિવસ પહેલા પૈસા માટે પિતાને ફોન કર્યો હતોઃ પેટ, છાતી, પડખા, વાંસા, ખભા, બાવડા, માથા, કપાળે છરીના ઘા ઝીંકાયા

હત્‍યાનો ભોગ બનનાર સાવન રમણીકપરી ગોસ્‍વામીનો મૃતદેહ, ફાઇલ ફોટો અને ઘટના સ્‍થળે કાર્યવાહી કરી રહેલા પોલીસ અધિકારીઓ, ટીમ જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૫: શહેરમાં મકર સંક્રાંતિની સાંજે સહકાર રોડ પર સરાજાહેર ક્રુર હત્‍યાની ઘટના બની હતી. જેમાં મુળ કાલાવડના નાની વાવડીના અને દોઢેક વર્ષથી રાજકોટમાં ૪૫ વર્ષની મહિલા સાથે લગ્ન વગર પતિ-પત્‍નિની જેમ રહેતાં સાવન રમણીકગીરી ગોસ્‍વામી (ઉ.વ.૨૫) નામના બાવાજી યુવાનને હાલમાં ચારેક મહિનાથી વર્ષા સાથે મનમેળ ન હોઇ તેનાથી અલગ રહેતો હતો. આમ છતાં તે વર્ષાને સતત હેરાન કરતો હોઇ ખાર રાખી સંક્રાંતિની સાંજે વર્ષાએ ફોન કરી સાવનને સહકાર રોડ પર બોલાવી પોતાની સાથે હાલમાં રહેતાં દર્શન ઉર્ફ ભુદેવે મળી આડેધડ છરીના ૧૭ જેટલા ઘા મારી ક્રુરતાથી પતાવી દીધો હતો. સાવને દોઢ મહિના પહેલા પણ વર્ષા સાથે માથાકુટ કરી તેને છરી મારી દીધી હતી. આ કારણે માથાકુટ ચાલતી હોઇ હત્‍યા કરવામાં આવ્‍યાનું ખુલ્‍યું છે.

ગત સાંજે એક યુવાનને ગંભીર ઇજાઓ સાથે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જેને તબિબે મૃત જાહેર કર્યો હતો. તપાસ બાદ આ લાશ સાવન રમણીકપરી ગોસ્‍વામી (ઉ.વ.૨૫)નું હોવાનું અને તેની હત્‍યા તેની જ પુર્વ પ્રેમિકા સહિત બે જણાએ સહકાર રોડ પર કરી હોવાનું ખુલતાં ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે હત્‍યાનો ભોગ બનનાર સાવનના પિતા કાલાવડના નાની વાવડી ગામે જુની ખરાવાડમાં રહેતાં રમણીકપરી નારણપરી ગોસ્‍વામી (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી રાજકોટની વર્ષા ગોપાલભાઇ ગઢવી અને તેની સાથેના દર્શન ઉર્ફ ભુદેવ વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધી સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

રમણીકપરી ગોસ્‍વામી નાની વાવડીમાં  પરિવાર સાથે રહી ફરસાણાની લારી કાઢી ગુજરાન ચલાવે છે. તેમજ રાતે કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ગ્રામ રક્ષક દળ-જીઆરડી તરીકે ફરજ બજાવે છે. રમણીકપરીએ જણાવ્‍યું છે કે મારા પત્‍નિ સવિતાબેન ૨૦૧૦ ના વર્ષમાં અવસાન પામ્‍યા છે. મારે સંતાનમાં ત્રણ દિકરીઓ તથા બે દિકરા છે જેમાં સૌથી મોટી દિકરી અલ્‍પાબેન જે વડોદરા પાસે કરજણમાં સાસરે રહે ,ે તેનાથી નાની દિકરી નીલમબેન છે જે જામનગરના વંથલીમાં સાસરે છે.  તેનાથી નાની દિકરી રવિનાબેન છે જે મારી સાથે જ રહે છે.  તેનાથી નાનો દિકરો સાવન (ઉ.વ.૨૫) રાજકોટમાં રહી અને છુટક મજુરી કામ કરતો હતો.

મારા દિકરા સાવને દોઢ-બે વર્ષ પહેલા વર્ષા ગોપાલભાઇ ગઢવી નુ ઘર માંડયું હતું અને તે ઘનશ્‍યામનગરમાં  વર્ષા ગઢવી સાથે રહેતો હતો. સાવનથી નાનો દિકરો રોહીત (ઉ.વ.૨૩) પણ રાજકોટમાં રહી લાદી કામની મજુરી કરે છે.

મારા દિકરા સાવને રાજકોટમાં  વર્ષાનું ઘર માંડેલ હોઇ બંને લગ્ન વગર પતિ-પત્‍નિ તરીકે સાથે રહેતા હતાં. છેલ્લા ચારેક મહીનાથી મારા દિકરા સાવન તથા વર્ષા બેનને મનમેળ રહેતો ન હોઇ બંને અલગ-અલગ રહેવા માંડયા હતાં. દોઢેક મહીના પહેલા મને આ વર્ષા ગોપાલભાઇ ગઢવીએ ફોન કરીને કહ્યું હતું કે-તમારા દિકરા સાવનને તમે સમજાવો અહિ મારી સાથે સરખી રીતે રહેતો નથી અને મને છરી મારી દીધી હતી. તેમ કહી વર્ષા ફોનમાં સાવન વિરૂધ્‍ધ બેફામ બોલી હતી. આ વાત થયાના લગભગ આઠેક દિવસ બાદ એક અજાણ્‍યા નંબર ઉપરથી મને ફોન આવેલ અને ફોન કરનારે પોતે રાજકોટથી દર્શન ભુદેવ બોલે છે તેમ કહી ઓળખાણ આપેલ અને આ ભુદેવએ કોઇ મોટી ઉંમરના મહીલા સાથે વાત કરાવેલ ત્‍યારે આ મહીલાએ મારી સાથે વાત કરી મને કહેલ કે મારી દિકરી વર્ષાને તમારો દિકરો સાવન બહુ જ હેરાન કરે છે તેને સમજાવો.

આ રીતે ફોનમાં વાતચીત થયેલ હતી તેના થોડા દિવસ પછી ફરી પાછો આ દર્શન ઉર્ફે ભુદેવનો ફોન આવેલ અને ત્‍યારે દર્શન ઉર્ફે ભુદેવ જેમ ફાવે તેમ બોલી અને તમારા દિકરા સાવનને સમજાવો વર્ષાનો પીછો છોડી દયે, નહીતર છરીના ઘોદા મારી દેવા પડશે તેમ કહી ધમકી આપેલ હતી.

ત્‍યારબાદ આઠેક દિવસ પહેલા આ મારા દિકરા સાવનનો મને બીજા કોઇના નંબરમાંથી ફોન આવેલ અને મને કહેલ કે હુ કાલાવડ આવેલ છુ અને મારે થોડા રૂપીયાની જરૂરીયાત છે. ત્‍યારે મારી પાસે રૂપીયાની સગવડ ન હોઇ જેથી મે મારા દિકરા સાવનને મારી પાસે રૂપીયા નથી તેમ વાતચીત કરતા સાવન રૂબરૂ મળી શક્‍યો નહોતો. ત્‍યારબાદ ૧૪મીએ મકર સંક્રાંતિની સાંજના સાડા પાંચ-છએક વાગ્‍યાના અરસામાં મને રાજકોટથી પોલીસનો ફોન આવેલ અને મને જાણ કરેલ કે મારા દિકરા સાવનને રાજકોટમાં સહકાર રોડ ઉપર ગણેશ પાન કોલ્‍ડ્રીંકસની પાસે જય ભવાની સર્વિસ સ્‍ટેશન પાસે મેઘાણી નગરના ખુણા પાસે કોઇએ છરીઓના ઘા મારી દીધા છે અને તેને સારવાર માટે સીવીલ હોસ્‍પીટલે લઇ ગયેલ છે, તમે તાત્‍કાલીક આવી જાવ.

આથી  હું તથા મારા મીત્ર અને ભાગીદાર રાજેશભાઇ મગનભાઇ ઉનાગર બંને અમારા ગામથી અહીં રાજકોટ આવવા નીકળેલ અને આઠેક વાગ્‍યાના અરસામાં રાજકોટ આવેલ અને ત્‍યારબાદ સીવીલ હોસ્‍પીટલ ખાતે ગયો હતો. ત્‍યાંથી મારા દિકરા સાવનને પોસ્‍ટ મોર્ટમ રૂમ ઉપર લઇ ગયાનું જાણવા મળેલ. જેથી હુ ત્‍યા ગયો હતો. પોસ્‍ટ મોર્ટમ રૂમ ખાતે પોલીસે મને મારા દિકરા સાવનનો મૃતદેહ બતાવ્‍યોહ તો. તેના શરીરે પેટમાં, છાતીના ભાગે, પડખાના ભાગે, વાસાના ભાગે, ખંભાના ભાગે. હાથના બાવળાના ભાગે, માથામાં, કપાળે સહીતની જગ્‍યાએ કુલ ૧૬-૧૭ જેટલી ઇજાઓ હતી. છરી જેવા હથીયારથી ઘા મારેલ હોય તેવું જોવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ મેં ઘટના શું બની તેની જાણકારી મેળવતા ખબર પડી હતી કે દિકરા સાવનને સંક્રાંતિની સાંજે સાડા ચારેક વાગ્‍યાના અરસામાં સહકાર રોડ ઉપર તે જેની સાથે રહેતો હતો તે વર્ષાબેન ગોપાલભાઇ ગઢવી  તથા તેની સાથે રહેતો અને અગાઉ મને ફોનમાં મારા દિકરાને મારવાની ધમકી આપેલ તે દર્શન ઉર્ફે ભુદેવ બંનેએ મળી છરીના આડેઘડ ઘા મારી અને મારી નાખેલ છે.

મારો દિકરો સાવન ગૌસ્‍વામી (ઉ.વ.૨૫) સંક્રાંતિની સાંજે સાડા ચારેક વાગ્‍યાના સહકાર રોડ ઉપર હતો ત્‍યારે અગાઉ તેની સાથે રહેતી વર્ષા ગોપાલભાઇ ગઢવી તથા તેની સાથેના દર્શન ઉર્ફે ભુદેવ બંનેએ મળી મારા દિકરો સાવન વર્ષાને હેરાન કરતો હોઇ તેનો ખાર રાખી ે છરીના આડેધડ શરીરે પેટમાં, છાતીના ભાગે, પડખાના ભાગે, વાસાના ભાગે, ખંભાના ભાગે, હાથના બાવળાના ભાગે, માથામાં, કપાળે સહીતની જગ્‍યાએ કુલ ૧૬-૧૭ જેટલા આડેઘડ ઘા મારી હત્‍યા કરી હોવાનું જાણવા મળ્‍યું હતું. તેમ વધુમાં રમણીકપરીએ કહેતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, એએસઆઇ રાઇટર નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધ્‍યો હતો. આરોપીઓ વર્ષા અને દર્શન ઉર્ફે ભુદેવને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. ડીસીપીસુશ્રી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (૧૪.૧૩)

(2:40 PM IST)