<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

બસ સ્‍ટેશન પાછળ નેપાળી યુવાનને રિક્ષાવાળાએ આંખમાં કંઇક છાંટી બેભાન જેવો કરી છરી ઝીંકી

ભાનમાં આવ્‍યો ત્‍યારે રોકડ પણ ગાયબ હોવાનો આક્ષેપ કરતાં તપાસ

રાજકોટ તા. ૧૫: ડો. યાજ્ઞિક રોડ પર ન્‍યુ જાગનાથ પ્‍લોટ-૨૦માં આવેલા આનંદ સ્‍નેક્‍સમાં પંજાબી ચાઇનીઝના કારીગર તરીકે કામ કરતાં અને ત્‍યાં જ રહેતાં પ્રકાશભાઇ કલબહાદુર નેપાળી (ઉ.વ.૪૦)ને સવારે એસટી બસ સ્‍ટેશન પાછળ હતો ત્‍યારે મારકુટ થતાં અને આંખમાં કંઇક છાટવામાં આવતાં બેભાન જેવો થઇ ગયો હતો. ભાનમાં આવ્‍યા બાદ સારવાર માટે દાખલ થયો હતો. તેણે બે રિક્ષાવાળાએ સાંઇઠેક હજારની રોકડ પણ પડાવી લીધાનો આક્ષેપ કરતાં તપાસ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ પ્રકાશભાઇને બપોરે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં બનાવની જાણ એ-ડિવીઝન પોલીસને કરવામાં આવી હતી. પ્રકાશભાઇ કોઇ કામ સબબ અમદાવાદ ગયા હતાં. ત્‍યાંથી સવારે ચારેક વાગ્‍યે રાજકોટ પહોંચ્‍યા અને બસ સ્‍ટેશન પાછળ હતાં ત્‍યારે રિક્ષાવાળાએ આંખમાં કંઇક છાંટી દેતાં બેભાન જેવો થઇ ગયો હતો. ભાનમાં આવ્‍યો ત્‍યારે માથામાં છરીના ઘા જેવી ઇજાઓ પણ હોઇ સારવાર માટે આવ્‍યો હતો. પોતાના ખિસ્‍સામાંથી ૬૦ હજાર પણ ગાયબ હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રકાશભાઇ ચાર ભાઇ અને ચાર બહેનમાં મોટો છે. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. ખરેખર શું ઘટના બની? તેની તપાસ એ-ડિવીઝન પોલીસે હાથ ધરી છે. 

(4:08 PM IST)