તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th January 2026
ગાડીમાં જીપીએસ નાખીશ નહીં અને વધુ રૂપિયા નહીં આપ તો જાનથી મારી નાખીશઃ આસીફભાઇને ધમકી
યાજ્ઞીક રોડ પર બનાવઃ યુવાનની પ્ર.નગર પોલીસમાં ભાવીન પટેલ વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૧૬: સદર બજાર ખાટકીવાડમાં રહેતા યુવાનને ફોન કરી એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ સદર બજાર ખાટકીવાડમાં રહેતા આસીફભાઇ અબ્બાસભાઇ બેલીમ (ઉ.વ.૪૧) એ પ્ર.નગર પોલીસ મથકમાં ભાવીન પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આસીફભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે ખાટકીવાડમાં માસ વેંચવાનો ધંધો કરે છે. ગત તા. ૧૦ના રોજ તે પોતાના ઘરે હતા ત્યારે ભાવીન પટેલ જે ગૌરક્ષક છે તેણે ફોન કરી ફરિયાદીને યાજ્ઞીક રોડ પર બાપા સીતારામના ઓટા પાસે બોલાવતા તે ત્યાં ગયા ત્યારે આરોપી ભાવીને મને વાત કરી કે ‘તારી ગાડીમાં જીપીએસ નખાવી દેજે તો મેં કહ્યું કે ‘કેમ જીપીએસ નાખવાનું કહો છો તો ભાવીને કહ્યું કે તું ગાડીમાં ઢોર ભરીને કેટલા ફેરા મારશ તેની મને ખબર પડે છે અને તે પ્રમાણે તારી પાસેથી રૂપિયા લેવાના થાય તેથી ફરિયાદી આસીફભાઇએ કહ્યું કે ‘હું અને બીજા વેપારીઓ તમને રેગ્યુલર હપ્તા આપીએ છીએ તેમ છતાં પણ તમે હેરાન કરો છો તેમ કહેતા આરોપી ભાવીને કહ્યું તમે વધારે ફેરા મારો છો અને રૂપિયા ઓછા આપો છો એટલે તને જીપીએસ નાખવાનું કહું છું. અને જો ગાડીમાં જીપીએસ નાખીશ નહીં કે વધુ રૂપિયા આપી નહીં તો તને મારી નાખીશ તેમ કહેતા ફરીયાદી ડરી જતા તેને કોઇ જવાબ આપ્યો નહીં અને ઘરે ચાલ્યા ગયા. બાદ તા. ૧૪ના રોજ તે ઘરે હતા ત્યારે તેના મોબાઇલમાં ભાવીન પટેલનો ફોન આવતા તેણે કહ્યું કે તારી ગાડીમાં જીપીએસ લગાડી દેજે નહીં તો ગાડી નહીં ચાલવા દઉં અને ધંધો નહીં કરવા દઉં' તેમ કહેતા ફરિયાદીએ જીપીએસ લગાડવાની ના પાડતા આરોપીએ ગાળો આપી હતી. આ અંગે આસીફભાઇએ પ્ર.નગર પોલીસમાં ભાવીન પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. કે. કે. ચાવડાએ તપાસ હાથ ધરી હતી.
(4:15 PM IST)










