<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

VGRCમાં રજૂ થયેલા ‘સૌરાષ્‍ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્‍ટર પ્‍લાન'માં જાહેરાત

સૌરાષ્‍ટ્રને દેશના સૌથી મોટા મલ્‍ટી સેક્‍ટર મેન્‍ચુફેક્‍ચરિંગ અને એક્‍સપોર્ટ ઝોન તરીકે વિકસાવાશેઃ સૌરાષ્‍ટ્ર આર્થિક ક્ષેત્રના વિકાસ માટે નોન-મેટાલિક મિનરલ્‍સ (સિરામિક્‍સ), ફૂડ પ્રોસેસિંગ, એન્‍જિનિયરિંગ ગુડ્‍સ તથા પ્રવાસન પર ભાર : સૌરાષ્‍ટ્રના એમ.એસ.એમ.ઈ.એ પેઢીગત વ્‍યવસાયોમાંથી બહાર નીકળીને મોટા પાયે વિકસતા સાહસોમાં રૂપાંતરિત થવું જરૂરીઃ એસ.અપર્ણા,ગ્રીટના સી.ઈ.ઓ.

રાજકોટ,૧૫:  સૌરાષ્‍ટ્ર પ્રદેશને દેશના સૌથી મોટા મલ્‍ટી સેક્‍ટર મેન્‍ચુફેક્‍ચરિંગ અને એક્‍સપોર્ટ ઝોન તરીકે વિકસાવવાની જાહેરાત વાઇબ્રન્‍ટ ગુજરાત રિજનલ કોન્‍ફરન્‍સમાં રજૂ થયેલા ‘સૌરાષ્‍ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્‍ટર પ્‍લાન' (SaER)માં કરવામાં આવી હતી.

મારવાડી યુનિ. ખાતે સંપન્ન થયેલી વી.જી.આર.સી.માં SaER અંગેના મુખ્‍ય થીમેટિક સત્રમાં વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, ડેવલપર્સ, પોલિસી મેકર્સ તેમજ ઉત્‍પાદન અને નિકાસ ક્ષેત્ર સાથે જોડાયેલા ૮૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા. 

આ સેમિનારમાં મોટા પાયે મેન્‍યુફેક્‍ચરિંગ અને એક્‍સપોર્ટ ઝોન તૈયાર કરવાના ગુજરાત સરકારના વ્‍યુહાત્‍મક લક્ષ્ય પર ભાર મુકવામાં આવ્‍યો હતો. ભારતને વર્ષ ૨૦૪૭માં વિકસિત રાષ્‍ટ્ર બનાવવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે વર્ષ ૨૦૩૦ સુધીમાં બે ટ્રિલિયન યુ.એસ. ડોલરના નિકાસનો રાષ્‍ટ્રીય લક્ષ્યાંક રખાયો છે. જેને હાંસલ કરવા ઉદ્યોગોમાં સ્‍પર્ધાત્‍મકતા, નિકાસલક્ષી વિકાસ અને પ્રદેશોની આર્થિક કાયાપલટને મહત્‍વના ગણાવાયા છે.

પોર્ટ્‍સ અને ટ્રાન્‍સપોર્ટ વિભાગના સચિવ  રાજેન્‍દ્ર કુમારે પ્રેઝેન્‍ટેશનમાં જણાવ્‍યું હતું કે, તાજેતરમાં ગ્રીટ (GRIT) દ્વારા નોલેજ પાર્ટનર પ્રાઇઝવોટરહાઉસકૂપર પ્રા.લિ.ની સહાયથી આ પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે. સૌરાષ્‍ટ્રનો જીડીપી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૩.૮ લાખ કરોડ હતો અને વર્ષ ૨૦૪૬-૪૭ સુધીમાં તેમાં ૧૫ ગણો વધારો કરીને રૂ. ૫૭.૬ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. જેમાં મેન્‍યુફેક્‍ચરિંગ ક્ષેત્ર મુખ્‍ય રહેશે. SaERના વિકાસ માટે  મુખ્‍ય ચાર પ્રાથમિક ક્ષેત્રોને લક્ષ્યમાં રાખવામાં આવ્‍યા છે. જેમાં નોન-મેટાલિક મિનરલ્‍સ (સિરામિક્‍સ), ફૂડ પ્રોસેસિંગ, એન્‍જિનિયરિંગ ગુડ્‍સ તથા પર્યટનનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્‍ય ઈન્‍સ્‍ટિટયૂશન ફોર ટ્રાન્‍સફોર્મેશન (ગ્રીટ)ના સી.ઈ.ઓ. અને ચેરપર્સન  એસ. અપર્ણા, આઈ.એ.એસ. (નિવળત્ત)એ આ તકે જણાવ્‍યું હતું કે, સમગ્ર પ્રદેશના ઔદ્યોગિક વિકાસ માટે સૌરાષ્‍ટ્રના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોએ પેઢીગત વ્‍યવસાયોમાંથી બહાર નીકળીને મોટા પાયે વિકસતા સાહસોમાં રૂપાંતરિત થવું જરૂરી છે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપેલા ‘વૈશ્વિક સ્‍પર્ધાત્‍મકતા' અને ‘આત્‍મનિર્ભરતા' ના બે મંત્રો આ પ્રદેશની વિકાસ વ્‍યૂહરચના માટે માર્ગદર્શક બની રહેશે.

આ પ્રસંગે સંબોધન કરતા કેન્‍દ્રીય વાણિજ્‍ય અને ઉદ્યોગ  મંત્રાલયના અધિક સચિવ શ્રી અજય ભાદુએ પ્રાદેશિક આર્થિક માસ્‍ટર પ્‍લાન એ એક ગેમ-ચેન્‍જર પહેલ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્‍લાન પ્રદેશની પરંપરાગત શક્‍તિઓનો ઉપયોગ કરવાની સાથે ઉચ્‍ચ મૂલ્‍ય ધરાવતા ક્ષેત્રોમાં વિવિધતા લાવશે, વૈશ્વિક રોકાણો આકર્ષશે અને લાંબા ગાળાની સ્‍પર્ધાત્‍મકતા માટે ટેકનોલોજી અને ટકાઉપણાને પ્રોત્‍સાહન આપશે. તેમણે રૂ. ૨૫,૦૬૦ કરોડના બજેટ સાથે શરૂ કરાયેલા નવા ‘એક્‍સપોર્ટ પ્રમોશન મિશનઙ્ખની માહિતી આપતા કહ્યું કે, છ વર્ષના આ પ્‍લાનનો ઉદ્દેશ્‍ય ખાસ કરીને એમ.એસ.એમ.ઈ. અને નવા નિકાસકારોની ક્ષમતા વધારવાનો છે. તેમણે જણાવ્‍યું,‘હવે સમય આવ્‍યો છે કે સૌરાષ્‍ટ્ર માત્ર સપ્‍લાયર તરીકે નહીં, પરંતુ સંપૂર્ણ સિસ્‍ટમ અને સોલ્‍યુશન પ્રોવાઇડર તરીકે પોતાનું સ્‍થાન મજબૂત કરે.

ઉદ્ધાટન સત્ર બાદ ‘‘મોટા પાયે મેન્‍યુફેક્‍ચરિંગ એક્‍સપોર્ટ ઝોન વિકસાવવા માટેના પડકારો અને સફળતાના પરિબળા'' પર એક મહત્‍વપૂર્ણ પેનલ ચર્ચા યોજાઈ હતી. આ પેનલમાં મહિન્‍દ્રા લાઈફસ્‍પેસના વિક્રમ ગોયલ અને ગ્રીટના જોઈન્‍ટ સી.ઈ.ઓ. સુશ્રી સ્‍તુતિ ચારણ જોડાયા હતા. જ્‍યારે પ્રાઇસવોટરહાઉસકુપર્સના મોહમ્‍મદ અથર દ્વારા આ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્‍યું હતું.

સુશ્રી સ્‍તુતિ ચારણે જણાવ્‍યું હતું કે, હર સૌરાષ્‍ટ્ર મજબૂત ઔદ્યોગિક પાયો ધરાવે છે. અહીં પ્રસ્‍તાવિત મલ્‍ટી સેક્‍ટર મેન્‍યુફેક્‍ચરિંગ અને એક્‍સપોર્ટ ઝોન ભારતનો સૌથી મોટો ઝોન હશે. જેમાં પ્‍લગ-એન્‍ડ-પ્‍લે સુવિધાઓ સાથેના ઔદ્યોગિક પાર્ક, વેરહાઉસ, ટેસ્‍ટિંગ સેન્‍ટર અને ગ્રીન એનર્જી ઝોન જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત, આધુનિક ઉત્‍પાદન ક્ષેત્રને ટેકો આપવા માટે સ્‍કિલ ડેવલપમેન્‍ટ હબ અને રિસર્ચ સેન્‍ટર પણ બનાવવામાં આવશે.

મહિન્‍દ્રા લાઈફસ્‍પેસના ચીફ બિઝનેસ ઓફિસર (ઇન્‍ડસ્‍ટ્રીઝ) વિક્રમ ગોયલે ઉમેર્યું હતું કે, પ્રમોટા ઔદ્યોગિક ઝોનની સફળતા માટે ઉદ્યોગોના વિકાસની સાથે શહેરી સુવિધાઓનું વ્‍યવસ્‍થિત સંચાલન કરવું ખૂબ જરૂરી છે. આ ચર્ચામાં મલ્‍ટી સેક્‍ટર એક્‍સપોર્ટ ઝોનની લાંબા ગાળાની સફળતા માટે પર્યાવરણને અનુકૂળ શહેરી અને ઔદ્યોગિક વિકાસ, મજબૂત સરકારી ટેકો અને સારી કનેક્‍ટિવિટીના મહત્‍વ પર ભાર મૂકવામાં આવ્‍યો હતો.

આ તકે  સૌરાષ્‍ટ્રમાં મલ્‍ટી-સેક્‍ટર મેન્‍યુફેક્‍ચરિંગ અને એક્‍સપોર્ટ ઝોનની સંભાવનાઓ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં ‘‘સૌરાષ્‍ટ્રમાં મલ્‍ટી-સેક્‍ટર મેન્‍યુફેક્‍ચરિંગ અને એક્‍સપોર્ટ ઝોનની સંભાવનાઆ'' વિષય પર એક નોલેજ સેશન યોજાયું હતું. જેમાં સૌરાષ્‍ટ્રનો મજબૂત મેન્‍યુફેક્‍ચરિંગ પાયો, બંદરોની નિકટતા, સ્‍થાપિત ઔદ્યોગિક ક્‍લસ્‍ટરો અને નિકાસ-લક્ષી MSME ઇકોસિસ્‍ટમ જેવા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ સેશનમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓએ સૌરાષ્‍ટ્રની નિકાસ ક્ષમતા વધારવા માટે જરૂરી સૂચનો આપ્‍યા હતા.

 અંકુર શાહ (MD, ક્રિષ્‍ના ડિફેન્‍સ એન્‍ડ એલાઈડ ઇન્‍ડસ્‍ટ્રીઝ)એ સંરક્ષણ (ડિફેન્‍સ) અને એરોસ્‍પેસ નિકાસની તકો વિશે માહિતી આપી. પી.જી. જાડેજા (CMD, જ્‍યોતિ CNC ઓટોમેશન લિમિટેડ)એ એન્‍જિનિયરિંગ નિકાસના સ્‍કેલને વધારવા અંગે વાત કરી.  સુમિત ચક્રવર્તી (AVP, અદાણી લોજિસ્‍ટિક્‍સ)એ સંકલિત નિકાસ વ્‍યવસ્‍થા માટે લોજિસ્‍ટિક્‍સના મહત્‍વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા.

સેમિનારના અંતે, મજબૂત આંતરમાળખાકીય આયોજન અને ઉદ્યોગો સાથેના સતત સંપર્ક દ્વારા મોટા પાયે મેન્‍યુફેક્‍ચરિંગ અને એક્‍સપોર્ટ ઝોનના આયોજન અને અમલીકરણને વેગ આપવા પર સર્વસંમતિ સધાઈ હતી.

ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગના સચિવ (પ્‍લાનિંગ) આર્દ્રા અગ્રવાલે સ્‍વાગત પ્રવચન કર્યું. જેમાં તેમણે ટકાઉ ઔદ્યોગિક વિકાસ, રોકાણો આકર્ષવા અને ગુજરાતની નિકાસ ક્ષમતાને મજબૂત કરવા માટે મોટા પાયાના સંકલિત મેન્‍યુફેક્‍ચરિંગ અને એક્‍સપોર્ટ ઝોનના મહત્‍વ પર ભાર મૂકયો હતો. (સોનલ જોષીપુરા- માહિતી ખાતુ- રાજકોટ)

 

(4:11 PM IST)