News of Friday, 16th January 2026
કાલથી પ્લોટ હરરાજીની મોસમઃ પ૦૦ કરોડ આવકની આશા
મહેસુલી આવક વધારવા અને તિજોરીને ઓકિસજન આપવા ૩ વર્ષ બાદ મનપા દ્વારા કાર્યવાહી : રૈયા રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ, મોરબી રોડ, રેલનગર સહિત ૭ પ્લોટનું ૧૭ અને ૧૯ ના ઇ-ઓકશનઃ ટેન્ડર પ્રક્રિયામાં લોકોનો ઓછો રસઃ અપસેટ પ્રાઇઝ વધુ હોવાનો રોષઃ સૌથી વધુ અમીન માર્ગ કોર્નર પર ભાવ પ્રતિ ચો.મી.આ. ર લાખઃ પાંચ કોમર્શિયલ અને બે રહેણાંક પ્લોટ

રાજકોટ, તા.૧૬: મહેસુલી આવકની કટોકટીનો દર વર્ષે સામનો કરતી મહાપાલિકાએ ત્રણ વર્ષ બાદ અંતે સરકારની મંજૂરી મળતા કોમર્શિયલ હેતુના ૭ પ્લોટ હરાજીથી વેંચવા નિર્ણય કર્યો છે. આવતી કાલ તા. ૧૭ જાન્યુઆરીના રોજ અમીન માર્ગ કોર્નર સહિતના ચાર પ્લોટ અને તા.૧૯ જાન્યુઆરીના રોજ મોરબી રોડ અને રેલનગરના ૩ પ્લોટ ઇ-ઓકશનથી વેંચવાનો પ્રારંભ થશે. જમીનનો પ્રતિ ચો.મી. ભાવ અમીન માર્ગ કોર્નર, ૧૫૦ ફુટ રોડના પ્લોટમાં રૂા. બે લાખ અપસેટ છે. તો સૌથી ઓછો ભાવ રેલનગરના સાધુ વાસવાણી કુંજ રોડના પ્લોટનો રૂા. ૪૫ હજાર નકકી કરાયો છે.
મનપાની અપસેટ કિંમત મુજબ ૩૩૮ કરોડની જમીન થાય છે. જેનો વધુ સારો ભાવ આવે એટલે ૫૦૦ કરોડ નજીક આવક થવાની તંત્રને આશા છે. આ હરાજી સફળ થાય તો પણ બજેટમાં પ્લોટ વેંચાણથી થનારી આવકનો લક્ષ્યાંક ૭૪૦ કરોડ રાખવામાં આવ્યો હતો જે પરિપૂર્ણ થાય તેમ નથી.
૨૦૨૨માં નાના મવા ચોકના પ્લોટની સૌથી મોટી હરાજી કરવામાં આવી હતી. જે આજ સુધી કાનુની ગુંચમાં અટવાયેલી છે. હવે આ પ્લોટ છોડીને ૧૫૦ ફુટ રોડના અમીન માર્ગ કોર્નર સહિતના ૭ પ્લોટનું લીસ્ટ બનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ બાદ જમીન વેચાણ માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. પગાર સહિતના મહેસુલી ખર્ચ માટે હવે દર વર્ષે નાણાકીય વર્ષના અંતિમ ત્રણ મહિનામાં ખેંચાખેંચી કરવી પડે છે. પરંતુ હવે જો હરાજી સફળ થાય તો તિજોરીને મોટુ ઓકસીજન મળી જશે. અંદાજીત સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચીને ઉભી કરવાનો નિર્ધાર છે.
મહાનગરપાલિકાની આવકની સામે જાવકમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ખર્ચ વધતા તેજીરી કાયમી તળીયાઝાટક રહેતી હોય નિયમ મુજબ તંત્ર દ્વારા વેચાણના હેતુ માટે મુકવામાં આવેલા ટી.પી.ના પ્લોટનુ વેચાણ કરી આવક ઉભી કરે છે. અગાઉ જાહેરાત થયા બાદ હવે મનપાએ પ્રાઇમ લોકેશન ઉપર આવેલા સાત પ્લોટ વેચવા માટેની તૈયારીઓ આરંભી છે. અંદાજે ૪૦,૦૦૦ ચો.મી.નુ વેચાણ કરી રૂા.૩૬૦ કરોડની આવક ઉભી કરવામાં આવશે તેમ ટાઉનપ્લાનિંગ વિભાગમાંથી જાણવા મળેલ છે અને હરાજી આવતીકાલે અને સોમવારના રોજ સ્થળ ઉપર યોજવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ બાદ જમીન વેચાણ માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. રાજકોટ મહાપાલિકાની આર્થિક હાલત અગાઉ જેવી સક્ષમ રહી નથી. કરોડો રૂૂપિયાની ફિકસ ડિપોઝીટો હતી તે તોડી તોડીને વાપર્યા બાદ હવે જમીનોના પ્લોટ વેચવા પડે તેવી સ્થિતિ ઉભી થતા મનપા દ્વારા ટી.પી.ના સાત પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે અને તેની મંજૂરી મળતા હરાજી માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચીને ઉભી કરવાનો નિર્ધાર છે. અગાઉ સરકારે કડક વલણ રાખતા ગત ત્રણ વર્ષ સુધી જમીનના પ્લોટ વેચી શકાયા ન હતા અને હવે સરકારે મંજૂરી આપતા મનપાએ લગડી જેવા ૭ પ્લોટની હરરાજી આવતીકાલે કરે રૂપિયા ૩૬૦ કરોડથી વધુની આવક ઉભી કરશે.
મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે બજેટમાં સુચવામાં આવેલ વેરા વધારાની દરખાસ્ત શાસક પક્ષ દ્વારા માન્ય રાખવામાં આવી ન હતી અને તેના કારણે મનપાની મહેસુલી આવક ખર્ચ કરતા ૪૦ ટકા આસપાસ ઓછી થવાની ધારણા છે અને તેની સામે નવી ભરતીઓને કારણે મહેકમ ખર્ચ વધવાનો છે. સફાઈ કામદારોની ભરતી માટેની તૈયારીઓ થઈ ચુકી છે અને ત્યારબાદ પગારબિલ ૨૦ ટકા વધી જાય તેવી સંભાવના છે ત્યારે મહેસુલી ખર્ચ માટે રકમ વધે તેવી સ્થિતિ નથી. મોટા પ્રોજેકટ માટે કેપીટલ સરકાર જોઈએ તેટલી આપી દે છે પણ મહેસુલી ખર્ચ માટે મનપાએ પોતાની આવક ઉપર જ આધાર રાખવાનો રહે છે. જેના લીધે પ્લોટનુ વેચાણ કરવુ ફરજિયાત બન્યુ છે. આ વખતે પણ આવી સ્થિતિ જણાતા માર્ચ એન્ડ પહેલા સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચાણથી કરવા માટે કાર્યવાહી શરૂૂ થઈ છે. રીંગરોડ, રૈયા રોડ, મોરબી રોડ ઉપરના કિંમતી ટી.પી. પ્લોટના વેચાણ માટે પસંદ કરાયા છે. ૪૦ હજાર ચો.મી. જમીન વેચાણ માટે પસંદ કરવામા આવી છે.(૬.૧પ)

(3:08 PM IST)










