<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

પોલીસ સામે લુખ્‍ખાગીરી!: ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર બુકાનીધારી ટોળકીએ સોડા-બોટલના ઘા કર્યા

ચાર બુકાનીધારી શખ્‍સો સીસીટીવી કેમેરામાં રૈયા ચોકડીથી આવ્‍યા અને ઇન્‍દીરા સર્કલ તરફ ભાગતા નજરે પડયાઃ જીમ પાર્લર ઉપર સોડા-બોટલના ઘા કરનાર ટોળકી કે અન્‍ય ટીખળખોર ટોળકીનું કૃત્‍ય? તે અંગે પોલીસ તપાસ શરૂ કરી

તસ્‍વીરમાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન, બાજુમાં ઘટનાસ્‍થળે પોલીસ કાફલો અને પરિસરમાં ઘા થયેલી સોડા-બોટલો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૭: શહેરમાં લુખ્‍ખાઓ આમ પ્રજાને તો રંજાડે છે પણ હવે લુખ્‍ખાઓએ હદવળોટી હોય તેમ ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર રાત્રીના  બાઇક પર આવેલા ચાર બુકાનીધારી શખસોએ સોડા- બોટલના ઘા કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો છે.  આ ગંભીર ઘટનાના પગલે ગાંધીગ્રામ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ એલીસીબી સહિતની ટીમો ગાંધીગ્રામ પોલીસ મથકે દોડી આવી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સ્‍ટેશન પર સોડા-બોટલના ઘા કરનાર આ ટોળકીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, હજુ સુધી પોલીસને આરોપીની ઓળખ મળી નથી.

મળતી વિગતો મુજબ ગઇકાલે રાત્રીના શહેરના દોઢસો ફૂટ રીંગરોડ પર મોદી સ્‍કુલ પાસે આવેલા ગાંધીગ્રામ પોલીસ મથક પર કેટલાક શખસોએ સોડા-બોટલાના ઘા કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હતો. સવારે જયારે આ ઘટના અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના ઇન્‍ચાર્જ પીઆઇ એચ.એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી.ડી.રાવલીયા તથા ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસ સ્‍ટેશન પર સોડા- બોટલના ઘા કરવાની ઘટનાની ગંભીરતાને ધ્‍યાને લઇ પોલીસ કમિશનરની સુચનાના પગલે ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.એલ.ડામોર, પીએસઆઇ એ.એન.પરમાર, ડીસીબી ઝોન-રની એલસીબીના પીએસઆઇ આર.એચ.ઝાલા સહિતનો સ્‍ટાફ ગાંધીગ્રામ પોલીસ મથકે દોડી જઇ તપાસનો ધમધામટ શરૂ કર્યો હતો.  પોલીસે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન અને બાજુમાં આવેલી મોદી સ્‍કૂલના સીસીટીવી ફૂટેજ જોતા રાત્રીના બાઇક પર ચાર બુકાનીધારી શખસો અહીં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન પાસેથી પસાર થતી વેળાએ સોડા- બોટલના ઘા કરતા નજરે પડયા હતાં.પોલીસે સઘન તપાસ કરતા બાઇક પર આવેલા શખસો રૈયાચોકડી તરફથી આવ્‍યા હોવાનું અને ઇન્‍દિરા સર્કલ તરફ જતા હોવાનું નજરે પડયું હતું. પોલીસે આ ફૂટેજના આધારે આ ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન પર બાઇક પર આવેલા બુકાનીધારી શખ્‍સોએ  આ રીતે પોલીસ સ્‍ટેશન પર સોડા-બોટલના ઘા કરતા તેઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કે? પછી ટીખળ માટે આ કળત્‍ય કર્યું તે અંગે પણ પોલીસે તપાસ હાથધરી છે.  દરમ્‍યાન નિર્મલા કોનવેન્‍ટ રોડ ઉપર ચારેક દીવસ પહેલાં આર.ફીટનેસ નામના જીમ પાસે ઘસી જઈ સોડા બોટલનાં છુટા ઘા કરી જીમનો કાચ તોડી નાખી સરાજાહેર આતંક મચાવવાનાં મામલે ફરિયાદ નોંધાવાતા ગાંધીગ્રામ પોલીસે એન.સી.કેસ દાખલ કર્યો હતો.જેમાં પોલીસે મયુરસિંહ મહેન્‍દ્રસિંહ સોઢા (ઉ.વ.૩૩, રહે. પ્ર.નગર પોલીસ લાઈન પાસે), અક્રમ રફીકભાઈ દાઉદાણી (રહે. નવી ઘાંચીવાડ), અમર ચંદુભાઈ થરેચા (ઉ.વ.૨૭, રહે. ગીરનારી શેરી,બેડીપરા) અને કાનજી લાભુભાઈ કુકાવા (ઉ.વ.૨૪, રહે. નીલકંઠ પાર્ક, પુષ્‍કરધામ મેઇન રોડ)ને ઝડપી લઇ ઘટનાસ્‍થળે લઇ જઈ ઘટનાનું રી-કન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું હતું. બાદમાં તેમનો છુટકારો થયો હતો. ત્‍યારે પોલીસ સ્‍ટેશન પર સોડા-બોટલના ઘા કરનાર આ ટોળકી છે કે કેમ? તે દિશામાં પણ પોલીસ તપાસ શરૂ કરી છે.  સોડા- બોટલના ઘા કર્યાની ઘટના સામે આવ્‍યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના અધારે તપાસ કરતા બાઇક પર આવેલા શખ્‍સો રૈયાચોકડી તરફથી આવ્‍યા હોવાનું અને ઇન્‍દિરા સર્કલ તરફ જતા હોવાનું નજરે પડયું હતું. પોલીસે આ ફૂટેજના આધારે આ ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જીમ પાર્લર ઉપર સોડા-બોટલના ઘા કરનાર ટોળકી છે કે કોઇ ટીખળખોર ટોળકીનું કૃત્‍ય છે? તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

 

(2:54 PM IST)