News of Saturday, 17th January 2026
મનપાના ૭ પ્લોટની હરરાજી એકાએક રદ્દ : કાનૂની ગૂંચવણ
લ્યો બોલો... તંત્ર જાહેર સુખાકારીના પ્લોટ વેંચવા નિકળેલ નવી તારીખ ર૧-રર જાહેર : સાંસદના પુત્ર સહિતના ૩ લોકોએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા : દોડધામ

રાજકોટ, તા. ૧૭: આર્થિક ભીંસ વધતા મનપા દ્વારા આવક ઉભી કરવા લગડી જેવા પ્લોટની હરરાજી કરવાનો તખ્તો ગોઠવ્યો છે. ત્યારે જ મોટી કાયદાકીય ગુંચવણ ઉભી થતા હરરાજી મોકૂફ રાખવામાં આવી છે.
આ ૭ પ્લોટ પૈકી ખેડૂત ખાતેદારોની જમીનમાંથી ટી.પી.ના નામે મફતમાં લીધેલ ૪૦ ટકા જમીન લોકોની એટલે કે જાહેર સુખાકારી માટે બાગ-બગીચા, શાળા, આરોગ્ય ભવન અને આવાસ યોજના જેવા હેતુઓ માટે ઉપયોગમાં લેવાની હોય છે. તેના બદલે મહાનગરપાલિકા દ્વારા આ જમીનોનું કોમર્શિયલ ધોરણે વેચાણ કરી મોટી રકમ ભેગી કરવાનો મુદ્દો હવે કાનૂની ગુચવણ બની ચુકયો છે.
આજે અને સોમવારે લગડી જેવા ૭ પ્લોટની હરરાજી થવાની હતી જેમાં હવે કાનૂની ગુંચ ઉભી થતાં ત્રણ પ્લોટ માટે ખેડૂત અરજદારોએ કોર્ટના દ્વાર ખખડાવતાં હરરાજી સ્થગિત કરવામાં આવી છે.
કોર્પોરેશને શહેરના અલગ અલગ પ્રાઈમ વિસ્તારમાં આવેલા લગડી જેવા પ્લોટની હરરાજી કરવા માટે જાહેરાત કરી હતી. તેના માટે ટેન્ડર પ્રક્રિયા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજે અને સોમવારે તબક્કાવાર પ્લોટની જાહેર હરરાજીનું આયોજન કરવામાં આવેલ. જે આજે એકાએક સ્થગિત કરી દેવાતા ભારે ચર્ચા જાગી છે.
આ મુદ્દે ટી.પી.વિભાગમાંથી જાણવા મળેલ કે ટેન્ડર દરમિયાન ત્રણ પાર્ટી આવતાં હરરાજીની તારીખ લંબાવવામાં આવી છે. પરંતુ સુત્રો મુજબ, ૩૬૦ કરોડની જમીન વેચાણની પ્રક્રિયામાં કાનૂની વિવાદ ઉભો થયો છે. જેમાં એક અરજદાર દ્વારા ટી.પી.સ્કીમ નં.૯માં આવેલ ૩૭૧૩ ચો.મી.જમીન કોમર્શિયલ કરી હરરાજીમાં મુકવામાં આવી છે. જેનો વાંધો ઉઠાવી કોર્પોરેશનને નોટિસ પાઠવી છે. તેમજ જાહેર નોટિસ પણ આપી છે.
તેવી જ રીતે અન્ય બે સોનાની લગડી જેવા પ્લોટના કોમર્શિયલ વેચાણ સામે ખેડૂત ખાતેદારોએ વાંધો ઉઠાવી હાઈકોર્ટમાં રીટ કરતાં ૭ પ્લોટ પૈકી ત્રણ પ્લોટમાં કાનૂની વિવાદ ઉભો થતાં હાલ પુરતી હરરાજી સ્થગિત કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા આજરોજ અલગ અલગ વિસ્તારનાં ત્રણ પ્લોટની જાહેર હરરાજી કરવા માટેની તૈયારીઓ આરંભી હતી પરંતુ અચાનક આ પ્રક્રિયા રોકી દેવામાં આવી છે. તેવી જ રીતે સોમવારના રોજ ૪ પ્લોટની હરરાજી કરવાની હતી તે પણ હાલ સ્થગિત કરાઈ હોવાનું જાણવા મળેલ છે.
મનપાની આર્થિક હાલત નાજૂક હોવાથી ૩૬૦ કરોડના ૭ પ્લોટનું વેચાણ કરી આવક ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવેલ પરંતુ ટી.પી.કપાતમાં લીધેલી ૪૦ ટકા જમીન લોક ઉપયોગ માટે લેવાના બદલે મહાનગરપાલિકા કોમર્શિયલ ધોરણે વેચાણ કરવા લાગતાં હવે તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને અનેક ખેડૂત ખાતેદારો તંત્રને આ કામગીરીને વિરોધ કરી કોર્ટના દ્વાર ખખડાવવા લાગતાં આગામી દિવસોમાં મહાનગરપાલિકાને પ્લોટના વેચાણ થકી ઉભી થતી આવક ગુમાવવાનો વારો આવી શકે છે.
તેવી જ રીતે કાનૂની પ્રક્રિયા પણ લાંબા સમય સુધી ચાલે અને વધુ ખેડૂત ખાતેદારો આ મુદ્દે વાંધા ઉઠાવે તેવી સંભાવના હાલ જોવાઈ રહી છે.
(2:55 PM IST)










