News of Saturday, 17th January 2026
ઉલ્ટી- ઉબકાના બહાને ગઠીયાઓએ રીક્ષામાં બેઠેલા છાત્રના રૂા.૩૪ હજાર સેરવી લીધા
આજીડેમ ચોકડી પાસે બનાવઃ યુવાનની આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૧૭: આજીડેમ ચોકડી પાસે રિક્ષામાં બેઠેલી મહિલા સહિત ૪ શખ્સોએ ઉલ્ટી- ઉબકાનુ બહાનુ કરી રિક્ષામાં બેઠેલા છાત્રના ખીસ્સામાંથી રૂા.૩૪ હજારની રોકડ સેરવી લેતા છાત્રાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચોટીલાના આંકડીયા ગામનો વતની અને હાલ માંડાડુંગર પાસે માધવ વાટીકા શેરી નં.૩માં રહેતો પ્રભાત વનરાજભાઇ જંજવાડીયા (ઉ.વ.૨૦)એ આજીડેમ પોલીસમથકમાં રિક્ષાચાલક તેમજ એક મહિલા સહિત ૪ શખ્સો સામે ફરિયાદ નોધાવી છે. યુવાને ફરિયાદમાં જણાવ્યુ છે કે, તે જસાણી કોલેજ રાજકોટ ખાતે સેમેસ્ટર-૧ માં અભ્યાસ કરે છે. તા-૧૬ ના સવારે અગીયારેક વાગ્યાના અરસામાં ભાબરાથી રાજકોટ આવવા નીકળ્યો હતો અને તેણે બાબરા ખાતે ઉત્તરાયણના તહેવાર ઉપર પતંગ-દોરાનો સ્ટોલ કર્યો હતો જેના વકરાના રોકડા રૂ. ૩૪૮૦૦/- પેન્ટના ડાબી બાજુના આગળના ખીસ્સામા પ્લાસ્ટીકના ઝબલામાં રાખ્યા હતા અને ફરિયાદી બપોરે આજીડેમ ચોકડી ખાતે ઉતર્યો હતો અને ત્યાંથીતે એક સી.એન.જી.રીક્ષામાં બેસી અને વેલનાથપરામાં ખોખડદડ નદીના કાંઠે રહેતા મોટાબાપુના દિકરા ધર્મેશભાઈ મનસુખભાઇને ત્યા જવા માટે નીકળ્યો હતો. આ રીક્ષામાં પાછળની સીટમાં એક બહેન તથા એક ભાઈ બેઠા હતા તે બન્ને પાછળ બેઠા હતા. ત્યારે આજીડેમ ચોકડીથી હુંડકો ચોકડી તરફ સર્વિસ રોડ ઉપર પહોચતા રીક્ષામા વચ્ચે બેઠેલી મહિલાએ ‘‘ઉલ્ટી-ઉબકા થાય છે'' તેમ કહી ફરિયાદીને વચ્ચે બેસવાનુ કહેતા યુવાન ચાલુ રીક્ષામાં વચ્ચે બેસી ગયો અને તે વખતે આ રિક્ષા ચાલકે તેની રીક્ષા ઉભી રાખી અને મને કહયુ કે ભાઈ તમે નીચે ઉતરી જાવ મારે બીજી જગ્યાએ ઈમરજન્સી જવાનું છે અને હું એ બાજુ નથી જતો તેમ કહેતા ફરિયાદીને રિક્ષામાંથી ઉતારી મુકયો હતો.
બાદ યુવાને પેન્ટના ડાબી બાજુના આગળના ખીસ્સામાં જોતા પ્લાસ્ટીકના ઝબલામાં રાખેલા રોકડા રૂ.૩૪,૮૦૦/- જોવામાં ન આવતા રિક્ષા ચાલક તથા તેની સાથેના અજાણ્યા બહેન તથા અજાણ્યા ભાઈએ સાથે મળીને રોકડા રૂ.૩૪,૮૦૦/- ચોરી લીધા હોવાની ખબર પડતા તેણે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્સ. કુલદિપસિંહ જાડેજાએ તપાસ હાથધરી છે
(3:13 PM IST)










