<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

આટકોટની ૭ વર્ષની માસુમ બાળા ઉપરના હેવાનિયતભર્યા કેસની ઘટનામાં ૧૧માં દિવસે ચાર્જશીટ : ૩૩ દિવસે કેસ પુરો : ૪૩માં દિવસે ફાંસીની સજા

રાજકોટ, તા.૧૭: જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્‍ટેશન હેઠળના કાનપર ગામની સીમમાં ખેતરમાં રમી રહેલી સગીરાને ઉપાડી જઈ બદકામના ઇરાદે બાજુના ખેતરમાં લઈ જઈ બદકામના ઇરાદે ગુપ્ત ભાગમાં સળીયો ભરાવીને ગંભીર ઇજા પહોંચાડવાના હેવાનિયત ભર્યા ગુનામાં સ્‍પેશિયલ કોર્ટે ફાસ્‍ટ ટ્રેક કેસ ચલાવી ચાર્જશીટના માત્ર ૩૩ દિવસમાં જ સુનાવણી પુરી કરી સ્‍પેશિયલ કોર્ટ જ્જ વી. એ. રાણાએ દોષિત ઠેરવેલા ગુનેગાર રામસીંગ તારસીંગ ડુડવા (ઉ.વ.૩૦)ને મળત્‍યુ દંડ એટલે કે ફાંસીની સજાનો હુકમ ફરમાવ્‍યો છે.

આ અતિ ચકચારી કેસની હકીકત મુજબ જસદણ તાલુકાના  કાનપર ગામે વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર ભાગીયે રાખી ખેત મજૂરી કરતો હોઇ, ગત તા.૦૪-૧૨- ૨૦૨૫ના રોજ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્‍યારે વાડીમાં જ રમી રહેલી પરિવારની છ વર્ષ આઠ માસની બાળકીનું  હવસખોર શખસે અપહરણ કરી જઇ  હેવાનિયતથી અમાનુષી અને ક્રૂરતાપૂર્વક દુષ્‍કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં હવસખોર  ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાવી દઇ બાળકી લોહીલુહાણ કરી નાસી ગયો હોવાનું જણાવ્‍યું હતું. પરિવારજનોની શોધખોળ દરમિયાન બાળકી નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવતા બાળકીને સારવાર અર્થે તાત્‍કાલિક રાજકોટની જનાના હોસ્‍પિટલ ખાતે ખસેડ્‍યા બાદ આટકોટ પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી પોક્‍સો અને દુષ્‍કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો હતો. જેની તપાસમાં બાળકીની માહિતીના આધારે અમાનુષી અત્‍યાચાર ગુજારનાર શખ્‍સ મૂળ મધ્‍યપ્રદેશના રામસિંગ તારસીંગ ડુડરની કાનપરની સીમમાંથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં નરાધમે કબૂલાત આપી હતી કે, પોતે પીડિત બાળકીનો પરિવાર જે વાડીમાં મજૂરી કરે છે તેની બાજુની વાડીમાં જ પોતે પણ મજૂરી કરે છે. અહીંથી નીકળતા માસુમ બાળકી ખેતરમાં જ રમી રહી હતી. જેથી નરાધમની દાનત બગડી હતી. બાળકીને ઉઠાવી નજીકમાં જ પાણીની ટાંકી પાસે લઇ ગયો હતો અને દુષ્‍કર્મ ગુજારવાની કોશિશ કરી હતી. તેમાં નિષ્‍ફળ જતાં ઉશ્‍કેરાયેલા શખ્‍સે બાજુમાં જ પડેલ લોખંડનો એક ફૂટનો સળીયો બાળકીના ગુપ્તાંગમાં ઘુસાવી લોહીલુહાણ કરી ત્‍યાં જ બાળકીને મૂકી નાસી ગયો હતો. બાદ તપાસનીશ આટકોટ પોલીસ અને એલસીબી દ્વારા ખૂબ ઝડપી પુરાવાઓ એકત્ર કરી ૧૧ દિવસના ટૂંકા સમયગાળામાં અદાલતમાં  ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા ધ્‍યાનમાં લઈને કોર્ટે  કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી ૬ દિવસમાં પુરાવો નોંધવાનુ કાર્ય પૂર્ણ કરી ૩૩ દિવસમાં જ સુનાવણી પુરી કર્યા પછી આરોપી સામેનો કેસ સાબિત માનીને તા. ૧૨મીએ નરાધમ રામસિંગ તારસિંગ ડુડવાને દોષિત જાહેર કરી સજા અંગે સુનાવણી તા. ૧૫ ડિસેમ્‍બરે રાખી હતી. જેમાં જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી.  પ્રશાંતભાઈ પટેલે આ કેસ રેરેસ્‍ટ ઓફ ધ રેર કેસ હોય ગુનેગારને ફાંસીની સજા ફટકારવા ઉચ્‍ચ અદાલતોના ચુકાદાઓ અને દાખલા સાથે ભારપૂર્વકની રજૂઆતો અને દલીલો કરી હતી, ત્‍યારબાદ આજે ઉઘડતી અદાલતે સ્‍પેશિયલ પોસ્‍કો કોર્ટ જ્જ વી. એ. રાણાએ નરાધમ રામસિંગ તારસિંગ ડુડવાને મળત્‍યુદંડ એટલે કે ફાંસીની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી.  પ્રશાંતભાઈ પટેલ રોકાયા હતા.

(3:23 PM IST)