હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકારણના ‘દબંગ' નેતા અને લોક સંગીતના મર્મીઃ ‘બકાભાઈ' ઉર્ફે પ્રદીપ દવેની ચિરવિદાય
સુરેન્દ્રનગરથી ગુજરાત કોંગ્રેસ સુધી ગુંજતો અવાજ શાંતઃ સંગીત, સાહિત્ય અને સેવાનો ત્રિવેણી સંગમ એટલે પ્રદીપ દવે મૃત્યુને પણ ઉત્સવ માનતા

રાજકોટઃ ગુજરાતના રાજકારણમાં એક સમયે આગવી ઓળખ ધરાવતા અને લોક સંગીત તથા સાહિત્યના અનન્ય ઉપાસક એવા પ્રદીપભાઈ નૌતમલાલ દવે (લોકપ્રિય નામઃ બકાભાઈ) એ ગત તા. ૦૭/૦૧/૨૦૨૬, બુધવારના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી છે.
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના લીલાપુર ગામના વતની અને સ્વાતંત્ર્ય સેનાની પરિવારનું ફરજંદ એવા બકાભાઈનું નિધન માત્ર રાજકીય જગત માટે જ નહીં, પરંતુ કલા અને સાહિત્ય જગત માટે પણ એક મોટી ખોટ છે. કેન્સરની બીમારી સામે ઝઝૂમીને તેઓ પરમાત્માના ચરણોમાં લીન થયા છે.
રાજકીય સફરઃ વિદ્યાર્થી નેતાથી કોંગ્રેસના 'ચાણક્ય' સુધીઃ બકાભાઈનો જન્મ એક સમૃદ્ધ વારસાગત રાજકીય પરિવારમાં થયો હતો. તેમના પિતા સ્વ. નરોત્તમલાલ ચીમનલાલ શાષી આઝાદીની ચળવળના અગ્રણી અને જાણીતા એડવોકેટ હતા. પિતાના સંસ્કારો વારસામાં મેળવનાર પ્રદીપભાઈએ સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોલેજમાંથી બી.એસ.સી. કર્યું. ૧૯૭૪ના નવનિર્માણ આંદોલન અને કોલેજની ચૂંટણીઓથી તેમની રાજકીય કારકિર્દીનો સૂર્યોદય થયો હતો.
૮૦ અને ૯૦ના દાયકામાં યુવા નેતા તરીકે સ્વ. પૃથ્વીસિહ(બાવો), પ્રદીપ દવે(બકો) અને સી.આર.પટેલની ત્રિપુટી જાણીતી હતી. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સ્વ. અહેમદભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી સ્વ. અમરસિહ સોલંકી, પૂર્વ ગૃહ મંત્રી સ્વ. પ્રબોધભાઈ રાવળ, અને કોંગ્રેસના તે સમયના દિગ્ગજ નેતા ઝીણાભાઇ દરજીના અત્યંત નિકટના સાથીદાર રહ્યા હતા.
બકાભાઇ પદ કે હોદ્દાની લાલસા રાખ્યા વિના સતત બે દાયકા સુધી કોંગ્રેસના સંગઠનમાં એક પ્રભાવી અવાજ બની રહ્યા. તેમની તર્કબદ્ધ દલીલો અને સચોટ વિશ્લેષણના કારણે વિરોધી વિચારધારાના લોકો પણ તેમને માન આપતા.
કવિ અને તંત્રી શ્રી હરીન્દ્ર દવે પણ બકાભાઈના રાજકીય વિશ્લેષણના કાયલ હતા અને કહેતા કે, ‘‘બકાભાઈ જે બોલે તે રાજકીય સમીક્ષા લેખ તરીકે છપાય તેવી સચોટ ભાષા હોય છે.''
સંગીત અને સાહિત્યના 'જીવ': બકાભાઈ માત્ર રાજકારણી નહોતા, તેઓ ભીતરથી એક કલાપ્રેમી જીવ હતા. એ.આર. રહેમાનથી લઈને ઓસમાણ મીર સુધીના સંગીતને તેઓ દિલથી માણતા. ભજન અને લોકસાહિત્યમાં તેમની ઊંડી રુચિ હતી. તેમના અમદાવાદ નિવાસસ્થાને પ્રફુલ દવેથી લઈને ઓસમાણ મીર સુધીના કલાકારોની બેઠકો જામતી. ઉલ્લેખનીય છે કે, ઓસમાણ મીરને ગુજરાત અને દેશભરમાં પ્રસિદ્ધિ અપાવવામાં બકાભાઈનો સિહફાળો રહ્યો છે.
તેઓ પૂજ્ય મોરારીબાપુ અને પૂજ્ય નારાયણ સ્વામીના અત્યંત પ્રિતીપાત્ર હતા. કવિ દુલા ભાયા કાગ અને લોકસાહિત્યની વાતો તેઓ કલાકો સુધી કરી શકતા. મોરારીબાપુના સદ્દભાવના પર્વમાં સાહિત્યકાર રઘુવીર ચૌધરી પણ બકાભાઈની ૧૦ મિનિટની વાત સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમની વાણીમાં તળપદી કાઠિયાવાડી લહેકો અને પુરાણોનું જ્ઞાન શ્રોતાઓને જકડી રાખતું.
કોમી એકતાના પ્રહરીઃ બકાભાઈ સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક હતા. કચ્છના છેવાડે આવેલા હિન્દુ-મુસ્લિમ આસ્થાના પ્રતીક સમાન હાજીપીર ખાતે મોરારીબાપુની રામકથાનું આયોજન કરાવવામાં તેઓ નિમિત્ત બન્યા હતા. તેમણે ઓસમાણ મીર અને મોરારીબાપુનો સંગમ કરાવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મદદ કરી ભૂલી જવીઃ 'ગુપ્ત મદદ'નો સ્વભાવઃ બકાભાઈનો સ્વભાવ ‘‘નેકી કર ઔર દરિયા મેં ડાલ'' જેવો હતો. તેમના જીવનમાં અનેક એવા પ્રસંગો છે જ્યાં તેમણે જરૂરિયાતમંદોને મદદ કરી હોય અને કોઈને જાણ પણ થવા ન દીધી હોય. એક કિસ્સો યાદ કરતા જાણવા મળે છે કે, એક ગરીબ તેજસ્વી બ્ગ્ઘ્ વિદ્યાર્થીને સેન્ટ્રલ સ્કૂલમાં એડમિશન નહોતું મળતું ત્યારે બકાભાઈએ વકીલ રોકીને લડત આપી અને તેને ન્યાય અપાવ્યો હતો. આ તેમની માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે.
અંતિમ ઈચ્છાઃ ‘‘સિહની જેમ જીવ્યો છું...'' જીવનભર ખુમારીથી જીવનારા પ્રદીપભાઈએ પોતાના પરિવાર અને પત્ની કિનીબેન દવેને અંતિમ સમયમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ‘‘હું જીવનભર સિહની જેમ જીવ્યો છું, મારી પાછળ શોકસભા કે બેસણું ન રાખતા, માત્ર પ્રાર્થનાસભા રાખજો.'' મૃત્યુને પણ ઉત્સવ માનનારા અને મોક્ષની સ્થિતિમાં જીવન જીવનારા આ વિરલ વ્યક્તિત્વની ખોટ તેમના ભાઈ પંકજભાઈ દવે અને સમગ્ર પરિવાર સાથે મિત્રવર્તુળને હંમેશા સાલશે.
‘‘ઉડ્યા ફરર રે, કાનુડો શું જાણે મારી પ્રીત...'' જેવી પંક્તિઓને આત્મસાત કરનાર બકાભાઈ આજે ભૌતિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના કાર્યો, તેમની ખુમારી અને કલાપ્રેમ થકી તેઓ સદાય સ્મૃતિમાં જીવંત રહેશે. પરમાત્મા તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.










