News of Monday, 19th January 2026
મ્યુ. કોર્પોરેશનના સેનેટરી ઇન્સપેક્ટર જીતેન્દ્ર ગડીયલની ૧૦૦૦ની લાંચના છટકામાં ધરપકડ
રજા સરભર કરવાના બદલામાં ૨ હજાર માંગી ૧ હજાર લઇ લીધા હતાં: બાકીની રકમ આજે સ્વીકારતાં જ કાર્યવાહી : અટીકા ફાટક પાસે આવેલી વોર્ડ નં. ૧૭ (બ)ની ઓફિસે એસીબી પીઆઇ આર. આર. સોલંકી અને ટીમનું છટકુ : વોર્ડ નં. ૧૭ના એસ.આઈ. જીતેન્દ્ર ગડીયલે રજિસ્ટર નિભાવવા માટે માંગી હતી લાંચ : એસપી બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં મદદનીશ નિયામક જે ડી. મેવાડના સુપરવિઝન હેઠળ સફળતા

રાજકોટ તા. ૧૯: શહેરમાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા એસીબીની ટીમે વધુ એક સફળ ટ્રેપ પાર પાડી છે. મ્યુ. કોર્પોરેશનના વોર્ડ નં. ૧૭ (બ)ની ઓફિસમાં ફરજ બજાવતા સેનેટરી સબ ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર રમેશભાઈ ગડીયલ (વર્ગ-૩)ને રૂા. ૧,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવતાં ચકચાર જાગી છે. કર્મચારીની રજા સરભર કરવાના બદલામાં લાંચ મંગાઇ હતી. આ સમગ્ર કામગીરી એસીબી રાજકોટ શહેર એકમ દ્વારા કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ આ કેસના ફરિયાદી કર્મચારીની ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫ની રજાઓ સરભર કરવાના બદલામાં આરોપી જીતેન્દ્ર ગડીયલે રૂા. ૨,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. આરોપીએ એવી ધમકી આપી હતી કે જો લાંચની રકમ આપવામાં નહીં આવે તો તે ફરિયાદીને નોકરીમાં હેરાન પરેશાન કરશે અને બાકી રહેતી રજાઓમાં પણ કપાત કરશે. આ અન્વયે ગત તા. ૧૭/૧ના રોજ ફરિયાદીએ આરોપીને મળી પ્રથમ હપ્તા પેટે રૂા. ૧,૦૦૦ આપ્યા હતા અને બાકીના રૂા. ૧,૦૦૦ બે-ત્રણ દિવસમાં આપવાનું નક્કી થયું હતું, જેની હેતુલક્ષી વાતચીતનું રેર્કોડિંગ પણ કરવામાં આવ્યું હતું.
દરમિયાન ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે આજે ૧૯મીએ અટીકા ફાટક પાસે આવેલી વોર્ડ નં. ૧૭ (બ) ની ઓફિસ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીએ પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના બાકીના રૂા. ૧,૦૦૦ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને સ્થળ પર જ પકડી લઇ કાર્યવહી કરી હતી. એસીબીએ લાંચની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનના ટ્રેપિંગ અધિકારી પીઆઇ આર.આર. સોલંકી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન નિયામકશ્રી પિયુષ પટેલ, મદદનીશ નિયામક જે.ડી. મેવાડા (એસીબી રાજકોટ એકમ) અને ઇન્ચાર્જ અધિકારી તથા નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા (એસીબી રાજકોટ)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. એસીબીની આ કાર્યવાહીથી મનપાના વર્તુળોમાં ચકચાર જાગી છે.
(3:15 PM IST)










