News of Monday, 19th January 2026
પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલો ફેંકનારાઓની પોલીસે ‘ખો' ભુલાવીઃ પાંચમાંથી એક સામે ૧૭ ગુના : જુઓ વિડીયો
અગાઉ પોલીસે અલગ અલગ ગુનાઓમાં પકડી કાર્યવાહી કરી હોઇ ખાર રાખી બોટલો ફેંકી હતીઃ ગુનો આચર્યા બાદ દીવ ભાગી ગયા હતાં ત્યાંથી ઝડપી લેવાયા : અજય ઉર્ફ સદામ મહેતા ૧૭ ગુનામાં, હર્ષદ મહાજનનો પુત્ર જેનીશ ઉર્ફ મહાજન ૮ ગુનામાં સામેલઃ વિશાલ ત્રણ ગુનામાં, જય પાંચ અને કરણ એક ગુનામાં સામેલ : રોડ પર ‘કૂકડા‘ બનાવવામાં આવતાં પાંચેયએ ‘પોલીસ અમારા દાદા છે' એવું બોલી હાથ જોડી માફી માંગી : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા અને ટીમની કાર્યવાહી : પોલીસની અવાર-નવાર આકરી કાર્યવાહી છતાં ગુનેગારોને ખોફ નથી

રાજકોટ તા. ૧૯: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલોના ઘા કરી કાયદાની ઐસીતૈસી કરનારા પાંચ શખ્સોને દીવથી ઝડપી લેવાયા છે. આ પાંચેયમાં બે છાપેલા કાટેલા જેવા છે. જેમાં એક શખ્સ સામે ૧૭ ગુના, બીજા સામે ૮ ગુના નોંધાયેલા છે. અગાઉ પોલીસે અલગ અલગ ગુનામાં આકરી કાર્યવાહી કરી હોઇ ખાર રાખી નશો કર્યા બાદ સોડા બોટલો ફેંકી હોવાનું રટણ પાંચેયએ કર્યુ હતું. પોલીસે જાહેરમાં પાંચેયને ‘કૂકડા' બનાવતાં ‘પોલીસ અમારા દાદા છે, ભુલ થઇ ગઇ, હવે કોઇ દિવસ આવી ભુલ નહિ થાય' તેવું બોલી બે હાથ જોડી માફી માંગી હતી. પોલીસની આ કામગીરી જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.
પોલીસ સ્ટેશન પર બોટલો ફેંકીને ભાગેલા શખ્સો દીવમાં હોવાની માહિતી મળતાં ત્યાં જાણ કરવામાં આવતાં એસપી રામકૃષ્ણ શરણની રાહબરીમાં દીવની હોટેલ આલીયાનના પાર્કિંગમાંથી ચાર શખ્સોને દીવના હેડકોન્સ. જીતેન્દ્ર પંડયા, કેતન રાઠોડ સહિતે પકડી રાજકોટ પોલીસને જાણ કરી હતી. પોલીસે પાંચ આરોપીઓ અજય ઉર્ફ સદામ બીપીનભાઇ મહેતા (ઉ.વ.૨૬-રહે. બાપા સિતારામ ગોૈશાળા પાસે શીતલ પાર્ક નજીક, જેનીશ ઉર્ફ મહાજન હર્ષદભાઇ માંડલીયા (ઉ.વ.૨૦-રહે. સુંદરમ્ શિલ્પ એપાર્ટમેન્ટ બી-વીંગ ૩૦૨, સિનર્જી હોસ્પિટલ પાછળ), વિશાલ રાજુભાઇ ગોહેલ (ઉ.વ.૨૧, શીતલ પાર્ક પાસે યોગરાજનગર મનહરપુર-૨), જય પ્રભાતભાઇ ખાંભરા (ઉ.વ.૨૦-રહે. પંચશીલ સોસાયટી-૧૧, ધ્રાંગા સાહેબના મકાન પાસે દોશી હોસ્પિટલવાળી શેરી) તથા કરણ રાજુભાઇ પરમાર (ઉ.વ.૨૪-રહે. પરાશર પાર્ક-૨, જામનગર રોડ)ની ધરપકડ કરી પાંચેયને જાહેરમાં રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આ વખતે હાથ જોડી, કૂકડા બનીને પાંચેયએ માફી માગી હતી.
પોલીસના જણાવ્યા મુજબ અજય ઉર્ફ સદામ મહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂધ્ધ યુનિવર્સિટી, પ્ર.નગર, ગાંધીગ્રામ, શાપર વેરાવળ, કોટડા સાગાણી પોલીસમાં ૨૦૧૬થી લઇ અત્યાર સુધીમાં દારૂ, મારામારી, રાયોટીંગ, એટ્રોસીટી, ધમકી સહિત ૧૭ ગુના નોંધાઇ ચુક્યા છે.
જ્યારે જેનીશ ઉર્ફ મહાજન વિરૂધ્ધ મારામારી, ધમકી સહિત ૭ ગુના નોંધાયા છે અને પાસામાં પણ જઇ આવ્યો છે. તેમજ વિશાલ સામે ૩, જય સામે ૦૫ અને કરણ સામે એક ગુનો નોંધાઇ ચુક્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, હેડકોન્સ. રવીભાઇ ગઢવી, શબ્બીરખાન મલેક, ભવદીપસિંહ ગોહિલ, મુકેશભાઇ સબાડ, કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, એલસીબી ઝોન-૨ના એએસઆઇ જે. વી. ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:08 PM IST)










