<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

શુક્રવારથી રાજકોટમાં રાજયકક્ષાની જુનિયર હોકી સ્‍પર્ધા

૧૨ જિલ્લાની ટીમો ભાગ લેશે : સ્‍પર્ધાના અંતે રાજયની હોકી ટીમની પસંદગી કરાશે : હોકી ગુજરાત, હોકી રાજકોટ, રાજકોટ મહાનગર પાલિકા, સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જયોતિ સીએનસી ઓટોમેશનના સંયુકત ઉપક્રમે આયોજન

રાજકોટ તા. ૧૯ : આગામી તા. ૨૩ થી ૨૬ દરમિયાન રાજકોટ ખાતે ગુજરાત રાજ્‍ય જુનિયર હોકી સ્‍પર્ધા-૨૦૨૬નું ભવ્‍ય આયોજન થવા જઈ રહ્યું છે.

હોકી પ્રત્‍યે યુવાનોમાં ઉત્‍સાહ વધારવા તથા પ્રતિભાશાળી ખેલાડીઓને રાજ્‍ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે આગળ લાવવાના હેતુથી યોજાયેલ આ સ્‍પર્ધામાં ગુજરાત રાજ્‍યના વિવિધ લગભગ ૧૨ જિલ્લાઓમાંથી જુનિયર હોકી ટીમો ભાગ લેશે.

ચાર દિવસ ચાલનારી આ સ્‍પર્ધામાં યુવાન ખેલાડીઓ પોતાની કુશળતા, રમતગમતની શિસ્‍ત અને ટીમ સ્‍પિરિટનું શ્રેષ્‍ઠ પ્રદર્શન કરશે.

સ્‍પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે રહેવાની વ્‍યવસ્‍થા સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી અને જમવાની સંપૂર્ણ વ્‍યવસ્‍થા હોકી ગુજરાત દ્વારા કરવામાં આવી છે. જયારે સ્‍પર્ધા માટેની અન્‍ય તમામ વ્‍યવસ્‍થા જયોતિ સીએનસી ઓટોમેશન લીમીટેડ તરફથી કરવામાં આવશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાનો વેન્‍યુ પાર્ટનર તરીકે સહયોગ પ્રાપ્‍ત થયો છે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા આ તમામ સંસ્‍થાઓનો મહત્‍વપૂર્ણ સહયોગ પ્રાપ્‍ત થયો છે. આ સ્‍પર્ધાનું એક વિશેષ મહત્‍વ એ છે કે, આમાંથી ગુજરાત રાજ્‍ય જુનિયર હોકી ટીમની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા ખેલાડીઓ આગામી સમયમાં રાજ્‍યનું પ્રતિનિધિત્‍વ કરશે.

આ સ્‍પર્ધાના સફળ આયોજન માટે હોકી ગુજરાતના વાઈસ પ્રેસિડેન્‍ટ મહેશ દિવેચાના માર્ગદર્શન હેઠળ હોકી ગુજરાતના પ્રમુખ  આર. વી. શેલાર, સેક્રેટરી વિજય કાર્પે, હોકી રાજકોટના વિક્રમસિંહ રાણા, વિનેશ પટેલ, યોગીન ચણીયારા, જયદેવસિંહ જાડેજા, મનીષ ત્રિવેદી, કૌશિક સોલંકી તેમજ સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ગુજરાતના કુ. રમાબેન મદ્રા, સ્‍પોર્ટસ ઓથોરિટી ગુજરાતના વીરેન્‍દ્રસિંહ જાડેજા, અહેસાસ ટ્રસ્‍ટના નિヘલ સંઘવી, કુ. કિન્નરી પટેલ, મહેન્‍દ્ર પંચાસરા,  મૌતિક ત્રિવેદી, હિમાંશુ શાપરિયા તેમજ રાજકોટ મહાનગર પાલિકાના રાજદિપસિંહ જાડેજા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(4:05 PM IST)