<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં રૂા.૩૦.૫૫ કરોડના વિકાસ કામો મંજુર

પી. જી. કયાડા અસ્‍વસ્‍થઃ વિરલ પનારા કાર્યકારી અધ્‍યક્ષઃ રાજુ ડાંગર ઉપસ્‍થિત

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની આજની બેઠકમાં કાર્યકારી અધ્‍યક્ષ વિરલ પનારા, પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર, ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદ, ડે.ડી.ડી.ઓ ઇલાબેન ગોહિલ, પ્રિયંક ગલચર, જય ગોસ્‍વામી વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯:  રાજકોટ જિલ્લા પૈચાયતની કારોબારી સમિતિની બેઠક તા.૧૯/૦૧/૨૦૨૬ને સોમવારના રોજ મળેલ. કારોબારી ચેરમેન શ્રી પી.જી.કયાડા માંદગી સબબ ગેરહાજર રહેતા, કાર્યકારી અધ્‍યક્ષશ્રી વિરલભાઈ પી. પનારાના અધ્‍યક્ષ સ્‍થાને કારોબારી  સમિતિ મળતા તેમાં નીચે મુજબના કામોને મંજૂરી મળેલ હતી . જેમાં પંચાયતના ઉપાધ્‍યક્ષ રાજુ ડાંગર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

બાંધકામ શાખા

બાંધકામના કુલ ૩૨ કામોના ટેન્‍ડર કુલ રૂ.૨૩,૧૦,૯૮,૯૩૪/- (ત્રેવિસ કરોડ દસ લાખ અઠ્ઠાણુ હજાર નવસો ચોત્રિસ રૂપિયા પૂરા) મંજૂર કરવામાં આવ્‍યા. જેમાં રાજકોટ જિલ્લાની જુદા જુદા ગામની કુલ ૧૨ આંગણવાડી બિલ્‍ડીંગ, ૩૨ નવી ગ્રામ પંચાયત બિલ્‍ડીંગ, ૧ પશુદવાખાનાનું બિલ્‍ડીંગ તેમજ ૧૯ રસ્‍તાઓના કામોની મંજુરી આપવામાં આવી.

સિંચાઇ શાખા

સિંચાઇના કુલ ૧૨ કામોના ટેન્‍ડર કુલ રૂ.૬,૪૮,૩૨,૭૪૩/- (છ કરોડ અડતાલીસ લાખ બત્રીસ હજાર સાતસો તેતાલીસ રૂપિયા પૂરા) તથા કુલ ૩ કામોની વહીવટી મંજૂરી કુલ રૂ.૯૨,૯૬,૦૦૦/- (બાણુ લાખ છન્નુ હજાર રૂપિયા પૂરા) આમ, સિંચાઇના કુલ ૧૫ કામો કુલ ૭,૪૧,૨૮,૭૪૩/- (સાત કરોડ એકતાલીસ લાખ અયાવીસ હજાર સાતસો તેતાલીસ રૂપિયા પૂરા) મંજૂર કરવામાં આવ્‍યા.

પશુપાલન શાખા

પશુપાલન શાખા તેમજ તાબાના દવાખાના માટે કોમ્‍પ્‍યુટર અને પ્રિન્‍ટર મેળવવા માટે રૂ.૩,૧૦,૦૦૦/-(ત્રણ લાખ દસ હજાર રૂપિયા પૂરા)ની ખર્ચ મંજૂરી તથા રાજકોટ જિલ્લામાં બિન આદિવાસી વિસ્‍તારમાં ૭ (સાત) નવા પશુ દવાખાના સ્‍થાપવા બાબત તેમજ એક પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્રના સ્‍થળાંતર માટે મંજૂરી આપવામાં આવી.

આરોગ્‍ય શાખા

આરોગ્‍ય શાખા, જિલ્લા પંચાયત કચેરી રાજકોટની હસ્‍તક આવેલ સ્‍ટાફ ક્‍વાર્ટરના મકાન, પેટા આરોગ્‍ય કેન્‍દ્રના મકાન, જર્જરિત હાલતમાં હોય તેમને કંડમ/ડિસ્‍મેન્‍ટલ કરવા મંજૂરી આપવામાં આવી ઉપરાંત નવા મંજૂર થયેલ PHC અને UPHC માટે બાયોમેડિકલ વેસ્‍ટના નિકાલ માટે મંજૂરી આપવામાં આવી.

આમ, કુલ ૫૧ કામો રૂ.૩૦,૫૫, ૩૭,૬૭૭/- (ત્રીસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર છસો સિત્તોતેર રૂપિયા પૂરા)ના સિંચાઈ, બાંધકામ, પશુપાલન અને આરોગ્‍ય શાખાના કામોના ટેન્‍ડર, વહીવટી તેમજ ખર્ચની મંજૂરી આપવામાં આવેલ છે.

 બેઠકમાં કાર્યકારી અધ્‍યક્ષશ્રી વિરલભાઈ પી. પનારા, સચિવઅને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સભ્‍યશ્રીઓ. જિલ્લા પંચાયત રાજકોટના શાખાધિકારી ઓ હાજર રહેલ હતા.

(4:07 PM IST)