<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

સિવિલ હોસ્‍પિટલને ‘બગીચો' સમજી કામ વગર પડયા રહેતાં શખ્‍સોને શોધી પોલીસે બહાર કાઢયા

નશાખોરો, વાહનચોરો, મોબાઇલ ચોરો, શકમંદોને શોધવા કોમ્‍બીંગ કરાયું : પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ રાણીંગા અને ડી. સ્‍ટાફની ટીમની કાર્યવાહીઃ ૧૫ જણાને બહાર કઢાયાઃ અમુક કારણવગર ટુવ્‍હીલર લઇ આંટાફેરા કરતાં મળ્‍યાઃ સિક્‍યુરીટીની ટીમો અવાર-નવાર શકમંદો-નશાખોરોને શોધીને પોલીસને સોંપે છે

સિવિલ હોસ્‍પિટલમાં પોલીસે અચાનક ચેકીંગ કરી પડયા પાથર્યા રહેતાં તત્‍વો અંગે તપાસ કરી હતી (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા.૧૯: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલના કમ્‍પાઉન્‍ડમાં  જાણે  બગીચો હોય એ રીતે અમુક શખ્‍સો પડયા પાથર્યા રહે છે. મફતમાં જમવાનું અને ગમે ત્‍યાં સુઇ રહેવાનું મળી રહેતું હોઇ અનેક એવા તત્‍વો હોય છે જે અહિ ખાઇ-પી પડયા રહે છે અને તક મળે ત્‍યારે ખિસ્‍સા કાપવા, મોબાઇલ ફોન ચોરવા કે પછી બીજી ગુનાહીત પ્રવૃતિનો પ્રયાસ કરી લેતાં હોય છે. આવા તત્‍વોને શોધીને હાંકી કાઢવાની કાર્યવાહી પ્ર.નગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. કમ્‍પાઉન્‍ડમાં ઠેકઠેકાણે પોલીસે કોમ્‍બીંગ કર્યુ હતું અને વોર્ડ આસપાસ પણ તપાસ કરી હતી. જેમાં  પંદરેક શખ્‍સો એવા મળી આવ્‍યા હતાં જે ન તો પોતે દર્દી હતાં કે ન તો તેના કોઇ સગા અહિ દાખલ થયા હતાં. આ શખ્‍સોની પોલીસે પૃછા કરતાં મોટા ભાગનાએ અમે તો અમસ્‍તા અહિ બેઠા છીએ, અમે તો એમ જ સુતા છીએ એવા જવાબો દીધા હતાં. આવા શખ્‍સોની પોલીસે જીણવટભરી પુછતાછ કરી હતી અને  હોસ્‍પિટલના દરવાજાની બહાર નીકળી જવા અને બીજીવાર કારણવગર અહિ પગ નહિ મુકવા કડક શબ્‍દોમાં ચેતવણી આપી હતી.

હોસ્‍પિટલ કેમ્‍પસમાં, હોસ્‍પિટલ અંદર અવાર-નવાર મોબાઇલ ફોનની ચોરી થવી, નશાખોરોના આટાફેરા, વાહનચોરી થવી જેવી ફરિયાદો ઉઠતી રહે છે. કલેક્‍ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પણ સુરક્ષાને લઇને સવાલો થયા હોઇ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ જે. બી. રાણીંગા, એમ. જે. વરૂ, એએસઆઇ પ્રવિણભાઇ, કોન્‍સ. રીયાઝભાઇ, વિશ્વજીતસિંહ, ચાંપરાજભાઇ, તોૈફિકભાઇ મંધરા, તોૈફિકભાઇ જુણાચ, પ્રતાપભાઇ, વનરાજભાઇ, જયપાલભાઇ સહિતની ટીમે કોમ્‍બીંગ કર્યુ હતું. પંદરેક શખ્‍સો એવા મળ્‍યા હતાં જે કોઇપણ કારણ વગર હોસ્‍પિટલ કેમ્‍પસમાં જાણે બગીચો હોય તેમ ધામા નાંખીને પડયા હતાં. આ તમામને બહાર કઢાયા હતાં. અમુક વાહનચાલકો પણ મળ્‍યા હતાં, જે અમસ્‍તા જ અહિ લટાર મારવા આવ્‍યા હતાં!

ઉલ્લેખનીય છે કે અવાર-નવાર સિક્‍યુરીટીની ટીમો દ્વારા નશાખોરો, શકમંદો, પાકીટમારો, મોબાઇલ ઉઠાંતરી કરતાં તત્‍વોને શોધી કાઢવામાં આવતાં હોય છે અને પોલીસને સોંપવામાં આવતાં હોય છે. પોલીસ જે તે વખતે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ આજે પોલીસે જ કોમ્‍બીંગ કરીને આવા તત્‍વોને શોધી કાઢયા હતાં અને પુછપરછ કરી હતી. પોલીસની આ કાર્યવાહી વખતે રોગી કલ્‍યાણ સમીતીના રાજાભાઇ ચાવડા સહિતના પણ જોડાયા હતાં.

(4:15 PM IST)