News of Monday, 19th January 2026
અંત્યોદય રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના જથ્થામાં ભારોભાર અન્યાયઃ જોગવાઇનો ભંગ
રાજયના મુખ્યમંત્રીને દરમિયાનગીરી કરવા ફેર પ્રાઇઝ શોપ એસો.નો પત્ર

રાજકોટ તા. ૧૯: ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસો.ના આગેવાનોએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી અંત્યોદય (NFSA) રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-ર૦૧૩ મુજબ મળવાપાત્ર અનાજના જથ્થામાં થતા અન્યાય અને કાયદાકીય જોગવાઇના ભંગ અંગે રજૂઆતો કરી છે.
પત્રમાં ઉમેર્યું હતું કે, ભારત સરકારના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-ર૦૧૩ (NFSA) હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને પૂરતું અનાજ મળી રહે તેવી જોગવાઇ છે. ગુજરાતમાં હાલ NFSA હેઠળ એ.પી.એલ-૧, બી.પી.એલ. અને અંત્યોદય (AAY) એમ ત્રણ કેટેરી કાર્યરત છે. આ પૈકી રાજયના અત્યંત ગરીબ લાભાર્થીઓની ઓળખ કરીને એમને અંત્યોદય કેટેગરીના કાર્ડ આપવામાં આવ્યા છે. અન્ન સુરક્ષા કાયદાનાં અમલ પહેલા ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ આ કેટેગરીમાં આવતા કાર્ડ ધારકોને મિનિમમ કુટુંબ દીઠ ૩પ કિલો અનાજની જોગવાઇ અમલમાં મુકવામાં આવેલ. ત્યારબાદ અન્ન સુરક્ષા કાયદા-ર૦૧૩ મુજબ વ્યકિતદિઠ પાંચ કિલો અનાજની જોગવાઇ કરવામાં આવેલ છે, ત્યારે હાલ અંત્યોદય કુટુંબોને મિનિમમ ૩પ કિલોની મર્યાદાને મહતમમાં પણ લાગુ કરવામાં આવી છે. એટલે કે અંત્યોદય કુટુંબના દસ સભ્યો હોય તો એમને અન્ન સુરક્ષા કાયદાની જોગવાઇ હેઠળ પ૦ કિલો અનાજ મળવાપાત્ર થાય પરંતુ મહત્તમ ૩પ કિલોની જોગવાઇનો અહીં ધરાર અમલ કરવામાં આવતો હોવાથી અત્યંત ગરીબ પરિવારને પ૦નાં બદલે ૩પ કિલો અનાજ મળે છે જે આ કાયદાનો ખુલ્લે આમ ભંગ છે. છેલ્લા ૧૦ વર્ષથી આ બાબતે નિયામક કચેરીમાં અનેક મૌખિક, લેખીત રજૂઆતો કરવા છતાં કોઇ સકારાત્મક ઉકેલ આવ્યો નથી.
જે અંત્યોદય રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની જનસંખ્યા સાત સભ્યોથી વધારે હોય તેઓને મળવાપાત્ર અનાજ કરતા ઓછું અનાજ મળે છે, જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-ર૦૧૩ વિરુદ્ધનું હોય રાજયના પુરવઠા વિભાગ દ્વારા આ અંગે સત્વરે નિર્ણય લઇ અને ગરીબોને મળવાપાત્ર હકક મળે એવી કાર્યવાહી કરવી જોઇએ. આવા અંત્યોદય લાભાર્થીઓને સરકારની આ બેધારી નીતિનો ખ્યાલ ના હોય તેઓ વ્યકિતદીઠ મળવાપાત્ર અનાજની માંગણી કરે છે. જેને લઇને દુકાનદાર સાથે સીધું ઘર્ષણ થાય છે. આમ મિનિમમ મર્યાદા યોગ્ય છે પરંતુ કાયદાકીય જોગવાઇ હેઠળ મહત્તમ મર્યાદા બાંધવી એ સીધો કાયદાકીય જોગવાઇનો ભંગ છે. આમ મિનિમમ મર્યાદા યોગ્ય નિયામક, દુકાનદારો અને ગ્રાહકને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણના બદલે એસોસીએશનથી અંતર જાળવી રહ્યા છે. જેના પરિણામે દુકાનદાર, ગ્રાહક પરેશાન થઇ રહ્યા છે તો આ બાબતે આપ યોગ્ય આદેશ આપો એવી વિનંતી છે.
(4:20 PM IST)










