News of Monday, 19th January 2026
પરિણીતાને કરિયાવર માટે દુઃખ ત્રાસના કેસમાં પતિ સહિતના સાસરીયાનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટઃ ૧૯, રાજકોટના નાગેશ્વર જૈન મંદીર, જામનગર રોડ, રાજકોટ ખાતે રહેતા, લગ્ન બાદ પતિ સાસરીયાએ દહેજ મામલે દુઃખ ત્રાસ આપી ત્યાગ કરી દીધાની ફોજદારી ફરીયાદમાં અદાલતે આરોપી પતિ સહિતના સાસરીયાનો નિર્દોષ છુટકારો ફરમાવ્યો છે.
આ અંગેની હકીકત મુજબ, ફરીયાદ વખતે રાજકોટના રહીશ પરીણીતા મીતલબેનના લગ્ન રાજકોટના જ રાજરાજેશ્વરી સોસા. માં રહેતા મૌલીક ગીરીશભાઈ વ્યાસ સાથે સને ૨૦૧૩ ની સાલમાં થયેલા ત્યારબાદ પતિ પત્ની વચ્ચે તકરાર થતા પરિણીતાએ તેના પતિ તથા સાસરીયા ઓ વિરૂધ્ધ દહેજ કરીયાવર માટે ત્રાસ આપી તેનો ત્યાગ કરી દીધાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. તેમાં પોલીસે ઉપરોકત પતિ સહીત સાસરીયાના કુલ-૪ વ્યકિતઓ સામે દહેજ ઉત્પીડનને લગતી આઈ.પી.સી.ની ભારે કલમો ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૧૪ તથા દહેજ ધારાની કલમ ૩, ૭ મુજબ ગુનો નોંધી અને તપાસના અંતે પુરતા પુરાવા મળતા આરોપીઓ સામે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ હતું.
આ ફોજદારી કેસ ચાલવા ઉપર આવતા ઉપરોકત પતિ, સાસરીયા ના વતી વકીલ મનીષાબેન એમ. પોપટ અદાલતમાં હાજર થયેલ અને અદાલતમાં લાગતા વળગતા સાહેદોની જુબાની નોંધવામાં આવેલ, આ પછી આ કેસ દલીલ પર આવતાં આરોપીના વકીલે દલીલ કરેલ કે આ કામના આરોપીઓએ ફરીયાદીને શારીરીક, માનસીક ત્રાસ આપી, ગાળો આપી, મારકુટ કરી, એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય, તેવી હકીકત પુરવાર કરવામાં ફરીયાદ પક્ષ સદંતર નીષ્ફળ ગયેલ છે અને ફરીયાદી એ પોતાની ફરીયાદને સમર્થન આપતી જુબાની આપેલ નથી, જેથી આરોપીઓને દહેજ બાબતની આવા ગંભીર પ્રકારની ગુનામાં તકસીરવાર ઠેરવી શકાય નહી તેવી દલીલ ધ્યાને લઈ રાજકોટ ની ફોજદારી અદાલતે તમામ આરોપીઓ (૧) મૌલીક ગીરીશભાઈ વ્યાસ, (૨) ગીરીશભાઈ રાજારામભાઈ વ્યાસ, (૩) પ્રવીણાબેન ગીરીશભાઈ વ્યાસ, (૪) ભાવીની વિશાલભાઈ પંડયા ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં સાસરીયા વતી લગ્ન વિષયક કાયદાના એડવોકેટશ્રી મનીષાબેન એમ. પોપટ અને યોગેશ એન. જોષી (બોટાદ) રોકાયેલ હતા.
(4:52 PM IST)










