<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

પુસ્‍તક શિક્ષક છે, ગ્રંથએ ગુરૂ છે પરંતુ રામચરિત માનસ એ સદગુરૂ છેઃ પૂ. મોરારીબાપુ

 

રાજકોટઃ જૈન આચાર્ય લોકેશમુનિજીના નેતૃત્‍વમાં અહિંસા વિશ્વશાંતિ કેન્‍દ્ર-દિલ્‍હી દ્વારા ‘ભારત મંડપમ' ના સંવાદગૃહમાં પ્રવાહિત થઇ રહેલી ‘માનસ સનાતન ધર્મ' રામકથાના ત્રીજા દિવસે ગઇકાલે પ્રિય બાપુએ પ્રેમ સંવાદને આગળ ધપાવતા કહયું હતું કે ‘સનાતન' શબ્‍દનો અર્થ ‘ભગવદ ગો મંડળ' (ગુજરાતીમાં છે) માં મળે છે, ભિન્ન-ભિન્ન સરળ અર્થો એમાં મળે છે. સનાતન એટલે દિવ્‍યપુરૂષ દેવપુરૂષ નહીં, દેવ તો સ્‍વાર્થી હોય છે અને દેવના પુણ્‍ય પુરા થાય ત્‍યારે એને મૃત્‍યુલોકમાં આવવું પડે છે એટલે સનાતનનો અર્થ દિવ્‍યપુરૂષ, પિતૃઓ અતિથી રૂપમાં આવે તે સનાતન, કોઇ બ્રહમચારી-ક્રિયારહિતમુનિ એ સનાતન છે, બ્રહમા, વિષ્‍ણુ, મહાદેવ સનાતન છે. પરાપુર્વથી જે અચલ-સ્‍થિર છે તે સનાતન છે. સનતકુમારો પૈકી એક સનતકુમારનું નામ સનાતન છે. સનાતન એટલે સૂર્યનું એક નામ, સૂર્યના જે એકસો આઠ નામ છે એમાં એક નામ સનાતન છે, સનાતન એટલે અનાદિ, મુળ, અસલ, પ્રાચીન, જુનું, અવિનાશી વગેરે છે. પૂ. મોરારીબાપુએ કહયુ કે, પુસ્‍તક એ શિક્ષક છે, ગ્રંથ એ ગરૂ છે પરંતુ શ્રી રામચરિત માનસએ સદગુરૂ છે.  પૂ. મોરારીબાપુએ કહયુ કે આપણું નભમંડળ શાશ્વત દિવ્‍ય ચેતનાઓથી સભર છે એ દિવ્‍યચેતનાઓ આપણને પ્રભાવિત નહીં પણ પ્રકાશિત કરે છે. ઘણાય લોકો ભવ્‍ય હોય છે પણ દિવ્‍ય નથી હોતા ! ભવ્‍ય પછીથી ભંગાર થઇ જાય છે ! દિવ્‍ય એટલે જે રોજ નૂતન હોય, નિર્મલ હોય, સુંદર હોય એ દિવ્‍ય છે. રજોગુણી ભકત, તમોગુણી ભકત અને સત્‍વગુણી ભકત હોય છે એના કાર્યો પ્રભુ કરે છે પણ જે ભકત ગુણાતીત હોય રજોગુણ, તમોગુણ અને સત્‍યગુણથી જે પર છે તે ગુણાતીત ભકત ને ભગવાન અતિ પ્રેમ કરે છે. જેમ ગાય વાછરડાને ચાહે છે એમ ગુણાતીત ભકતને ભગવાન વ્‍હાલ કરે છે.  સાધુની વ્‍યાખ્‍યા કરવી હોય તો મને ગંગાસતી યાદ આવે... ‘શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ...'ઓશો કહેતા કે-માણસ ધાર્મિક હોવો જોઇએ પણ તલગાજરડી દ્રષ્‍ટિએ માણસ ધાર્મિક નહી પણ ધર્મશીલ હોવો જોઇએ. તોસાધુ શીલવંત હોવોજોઇએ અને ગંગાસતી કહે છે ‘વારે વારે નમીએ' એટલે સોમવાર,મંગળવારે, બુધવારે, ગુરૂવારે, શુક્રવારે, શનીવારે અને રવિવારે.. એમ વારે વારે નમવાની વાત છે. એવો અર્થ પણ મને દેખાય છે. તેમ પૂ. મોરારીબાપુએ કહ્યું હતું.  કથા વિરામ સમયે અયોધ્‍યા રામમંદિર તથા કૃષ્‍ણ જન્‍મભૂમિના સુત્રધાર ગોવિંદગીરી મહારાજ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા અને પોતાની પ્રાસંગિક પ્રસન્નતા પ્રગટ કરી હતી. અને વ્‍યાસપીઠની વંદના કરી હતી. જૈનાચાર્યશ્રી લોકેશમુનિજીએ સ્‍મૃતિચિન્‍હ અર્પણ કરી તેમનું સ્‍વાગત કર્યુ હતું બાપુએ પણ શાલ અર્પણ કરી મહારાજની ભાવવંદના કરી હતી. -મનોજ જોષી ‘‘મજો'' રાજકોટ

(3:21 PM IST)