<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

​રાજકોટમાં 'ઓડિયા ગેંગ'નો આતંક ખતમ: ૧૦ શખ્સો ગુજસીટોકના ગાળીયામાં: ૮ની ધરપકડ

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો જણાવી: અવેશ ઓડિયા અને તેના સાગરીતો પર કાયદાનો ગાળિયો: જુદા જુદા ૩૪ ગુનાઓમાં સામેલ એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા અને ટીમની કાર્યવાહી: મિલકતો ટાંચમાં લેવાશે: એસીપી બી.વી. જાદવને સોંપાઈ તપાસ

​રાજકોટ: શહેરને ગુનામુક્ત બનાવવાના અભિયાન હેઠળ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચનાથી ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. થોરાળા વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી અને સંગઠિત ગુનાખોરી આચરતી 'ઓડિયા ગેંગ' વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ગેંગની હવા કાઢી નાંખી છે. આ ગેંગે 2016 થી 2025 સુધીમાં ખૂન, લૂંટ અને અપહરણ જેવા પાંદર મળી કુલ ૩૪ જેટલા  ગુનાઓ આચરી જનતામાં ભય ફેલાવ્યો હતો.

​આ ગેંગનો મુખ્ય સૂત્રધાર અવેશ અયુબભાઇ ઓડિયા હાલ પાસા હેઠળ ભાવનગર જેલમાં છે, જેનો ટૂંક સમયમાં ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાશે. જ્યારે અન્ય આરોપીઓમાં અરબાઝ રફીકભાઈ રાઉમા, સબ્બીર ઉર્ફે બોદુ સતારભાઇ ઓડિયા, ઇમ્તીયાજ આબીદભાઇ ઓડિયા, નયન જયોતીષભાઇ દાફડા, આબીદ ગનીભાઇ ઓડિયા, અનીશ આબીદભાઇ ઓડિયા, અબ્દુલ અનવરભાઇ દલ, શાહિદ અશરફભાઇ ઓડિયા અને મીત કિશોરભાઇ પરમારનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

​માત્ર ધરપકડ જ નહીં, પરંતુ ગેંગની આર્થિક કમર તોડવા માટે પણ પોલીસે આયોજન કર્યું છે. આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વસાવેલી તમામ સ્થાવર અને જંગમ મિલકતો શોધી કાઢી તેને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ એસીપી (પૂર્વ) બી.વી. જાદવ ચલાવી રહ્યા છે.

​આ સફળ કામગીરી ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ભરત બી. બસીયા, પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તથા પીએસઆઈ સી.બી. જાડેજા, વી.ડી. ડોડીયા, એ.એન. પરમાર, આર.કે.ગોહિલ, ડી.પી.ઝાલા, એસ.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ જનકભાઇ ફુગસીયા પોલીસ હેડ કોન્સ પ્રતીકસિંહ રાઠોડ, તથા ટીમના માણસો વિગેરે દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં મહત્વની કામગીરી કરેલ છે. પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

(8:05 PM IST)