હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પૂ.જલારામબાપાના ધર્મપત્ની પૂ.વીરબાઈમાંની શુક્રવારે જન્મજયંતિ
૨૨૦મી જન્મજયંતિ નિમિતે આટકોટ ખાતે આવેલા વીરબાઈમાંના પ્રાગટય સ્થળ પર રામધૂન અને મહાપ્રસાદનું વીરબાઈમાં ધામ દ્વારા આયોજનઃ પૂ.જલારામબાપાની સાધનામાં સૌથી વધુ ત્યાગ વીરબાઈ માતાનો જ હતો

પૂ.શ્રી વીરબાઇમાંના ૨૨૦માં પ્રાગટય દિન નિમિતે આટકોટ ખાતે યોજાનારા ધાર્મિક કાર્યક્રમનું ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપતા આટકોટ પૂ.વિરબાઇમાં મંદિરના ટ્રસ્ટી બીપીનભાઇ જસાણી, આટકોટ લોહાણા મહાજનના પ્રમુખ મનાભાઇ વસંત, મંદિરમાં સેવા આપતા રાજુભાઇ વસંત, વિજય વસાણી, મેહુલભાઇ ઇંગોરાળાવાળા તથા સોનલબેન વસાણી તસ્વીરમાં નજરે પડે છે
(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૧: પૂ.જલારામબાપાના ધર્મપત્ની પૂ.વીરબાઈ માતાની શુક્રવારે તા.૨૩ ના રોજ ૨૨૦ માં પ્રાગટય દિન નિમિત્તે જે જગ્યાએ પુ.વીરબાઈમાનુ પ્રાગટય (જન્મ) થયો છે તે જ સ્થાને આટકોટ ખાતે આવેલા જસદણના પુ.હરીરામબાપા દ્વારા નિર્મિત પુ.વીરબાઈ માતાના મંદિરે ભજન અને ભોજન સાથે ઉજવણી કરવામાં આવશે. જેનુ આમંત્રણ ‘‘અકિલા'' કાર્યાલયે ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને પાઠવવામાં આવ્યુ છે.
પૂ.જલારામબાપાની જીવન સાધનામાં જો સૌથી વધુ ત્યાગ કોઈનો હોય તો તે છે તેમના ધર્મપત્ની માતુશ્રી વીરબાઈમાંનો ભક્ત જલારામ બાપા એ રોપેલી ધર્મની ધજાની દાંડી જે સ્થિર ઉભી છે તેનાં પાયામાં માતા વીરૂમાંનો ત્યાગ રહેલો છે વીરબાઈમાંને પ્યારથી બધા વિરૂમાં કહીને બોલાવતાં.
આજથી ૨૨૦ પહેલા આટકોટ ધામમા ભકિત પરંપરાની પરમ વિભુતિનુ અવતરણ થયુ. જલાબાપાના સહ ધર્મ ચારીણી હોવાથી પરમાત્માની કસોટીએ કંચન પુરવાર થયા આવા વીરબાઈમાંના જીવન ઝરમર ઉપર નજર કરીયે તો આટકોટના ભાગ્યશાળી પિતા પ્રાગજીભાઈ સોમૈયાના ઘરે વિરૂમા જન્મ્યા હતા વિરૂમાં ને બે ભાઈ નથુભાઈ અને સુદરજીભાઈ હતા વીરબાઈમાં એકદમ તેજસ્વી અને સ્વરૂપવાન વ્યક્તિત્વ ધરાવતા હતા.
વીરબાઈમાં નાની ઉંમરે જલારામબાપાને પરણીને વીરપુર આવેલા સાસુ સસરાની ઉત્તમ સેવા કરતા જલારામબાપાના જાત મહેનતનો રોટલો ખાવો જેવા સૂત્રમાં સમાઈ જઈને સાથે વાડી ખેતરમાં મજૂરી કરવા જતાં.
પતિના પગલે ચાલનારા પતિવ્રતાસ્ત્રી હતા દિવસભર જે દાણા મળે એ જાતે માથે ઊંચકી ઘરે લાવતા અને આખા દિવસ કામ દરમિયાન વળી રામનુ નામ તો બસ હોઠ પર જ હોય આવા ધર્મનિષ્ઠ, કર્મનિષ્ઠ, રામનિષ્ઠ, પતિનિષ્ઠ હતા.
રોજ પાઈ પાઈ બચાવી એ તો એક સમયે અનેક રૂપિયા થાય એમ રોજની ધાણીફૂટ મજૂરીના અંતે ચાલીસ મણ દાણો વીરબાઈમાં અને બાપા પાસે ભેગો થયો.
વીરૂમાની જલારામબાપા સાથેની મહેનત રંગ લાવી ખાનારા બે અને આટલો બધો દાણો શુ ખપ નો? એવો વિચાર પૂજ્ય બાપાને આવ્યો એક દિવસ બાપાએ વીરબાઈમાંને પ્રશ્ન પૂછયો શુ કરશું આટલા બધા દાણા નુ? અને....ચતુર નારીને ઈશારો કાફી હોય વીરબાઈમાં સમજી ગયા જલારામબાપાને કહે મારા તરફથી સહેજ શંકા જેવું રાખશો નહીં રામનુ નામ લઈ ભૂખ્યાને ટુકડો આપવાનુ શરૂ કરો તમોને ખબર છે ‘‘ટુકડો ત્યાં હરી ઢુકડો'' આમ ટુકડો ત્યાં હરિ ઢુકડોનુ સૂત્ર માતુશ્રી વીરબાઈમાંએ પ્રથમ આપ્યું.
કોઈ કહે કે ન કહે પણ આ સૂત્ર આ શબ્દો આ વાકયએ જલારામ બાપા પર એટલી અસર કરી કે એમણે સદાવ્રત સ્થાપવાનુ નક્કી કર્યું અને સવંત ૧૮૭૬ ના મહા સુદ બીજના દિવસે સદાવ્રતની શરૂઆત કરી જે આજે ૨૦૦ વર્ષ ઉપરથી અવિરત ચાલુ છે અને છેલ્લા ૨૫ વર્ષથી મંદિરમાં કોઈનુ દાન કે કાચુ સિધ્ધુ પણ સ્વીકારવામાં આવતુ નથી !
પુ.જલાબાપા અને પુ.વિરૂમાં કોઈને ભોજન લેવડાવ્યા વિના જમે નહી અતિથી ન હોય તો ભૂખ્યા સૂઈ જાય એમાં એક વખત સદાવ્રતની સ્થિતિ ડામાડોળ થઈ કે ન પૂછો વાત જે મોદી (વેપારી) બાપાને કરિયાણું ઉધાર આપતા એમની ઉધારી વધી ગઈ,રોકડા પૈસા બાપા પાસે ન હતા મોદીએ ઉધારીની ના પાડી.
રસોડામા,ભંડારમાં અને બજારમાં ઉધારીમાં શું સ્થિતિ છે એનાથી વીરબાઈમાં અજાણ ન હતા એમને બાપાના મુખ પરની ઉદાસી બાદ બાપાને પૂછયું હું તમારી ખરી ને? બાપા કહે હા દેવી એમાં પૂછવા નુ શુ હોય? વીરબાઈમાં કહે તો મારી દરેક વસ્તુ તમારી જ છે તો શુ કામ અકળાવ છો,મુંજાવ છો મારા દાગીના પણ તમારા જ કહેવાય તો જટ જાવ અને દાગીના વેચી મોદીની ઉધારી ભરી કરિયાણું લઈ આવો, બાપા કહે એમ મારાથી તમારા પિયરના દાગીના ન વેચાય વીરૂમા કહે જેમ તમને દાગીના કે પૈસાનો મોહ નથી એમ મને પણ નથી માટે તુરંત જ વેંચી આવો કેટલી ઉમદા ભાવના વીરબાઈમાંના આવા ઊંચ ગુણો હતા તેના કેટલા ગુણો લખવા ? તેઓ સતી સાધ્વી સ્ત્રી હતા પતિના સેવા યજ્ઞમા ખંભે ખંભો મિલાવીને કામ કરવામા કયારેય પીછે હઠ નથી કરી.
એકવખત તો હદ થઈ ગઈ કસોટીના ભાગ રૂપે એક સાધુનુ વીરપુર બાપાને ત્યાં આગમન થયું જમવા સમયે એ સાધુ પધાર્યા બાપાએ જમવાનો આગ્રહ કર્યો તો એમને જમવાનો સ્વીકાર ન કરતા સેવા માટે જલારામબાપા પાસે એમના ધર્મ પત્ની વીરબાઈમાંની માગણી કરી કહ્યું મારી ઉંમર ખુબ વધી ગયેલ છે શરીર જર્જરિત થઈ ગયેલ છે તો તમારી પત્નીને મારી સેવા માટે આપો !
જલારામબાપા સીધા રસોડામાં ગયા આંગણે આવેલ સાધુ એ જે માંગણી કરી હતી એની અસર બાપાના મોં પર હતી એ વીરબાઈમાં પામી ગયા સવાલ જવાબના અંતે વીરબાઈમાં જાણી ગયા કે સાધુ એમની સેવા માટે મારી માગણી કરી છે.
જલારામબાપાએ વીરબાઈમાને કહ્યું ભંડારી હવે શું કરું? (બાપા વીરબાઈમાંને ભંડારી કહીને બોલાવતાં હતા) જલારામબાપાના સવાલનો જવાબ વીરબાઈમાંએ તરત જ આપી દિધો આપણે તો સાધુ સંતોની સેવા કરવી છે બિચારા એમની કાયા હાલતી ચાલતી ન હોય તો આપણે શું ખપ ના? પણ જો તમારી રજા, મંજૂરી હોય તો હુ જરૂરથી સાધુ સાથે સેવા માટે જઈશ બસ તમે રાજી થઈને હા પાડી દો.
વીરબાઈમાંએ ભારતીય નારીનુ મસ્તક જાણે વિશ્વના તખ્તા ઉપર ઉન્નત કર્યું એમના ત્યાગ અને પતિ ભક્તિને સો સો સલામ.
બાપા અને માતુશ્રીના વિચારોમા એકય જોવા મળે છે ઇતિહાસ સાક્ષી છે એ પછી વીરબાઈમાં એ નાહી ધોઈ કોરા વસ્ત્રો ધારણ કરી કપાળમા ચાંદલો કરી ઓસરીમા આવી જલારામબાપાને પગે લાગી વીરબાઈમાં કહે ભગત બોલ્યું ચાલ્યું માફ કરજો તમારી સેવામા ઉણપ રહી ગયેલ હોય તો મન ન લાવસો ને માફ કરશો એમ કહી સાધુ મહાત્મા સાથે રોંઢા ટાણે હાલી નીકળ્યા અને પછી તો કહેવાય છે ‘‘ભગવાન કસોટી કરવા આવ્યા ભગતની અને ભગવાનને પણ ભાગવું ભારે પડયું''. !
વીરપુરના સીમાડે ભગવાન વીરબાઈમાંને ઝોળી ધોકો સોંપી ચાલ્યા ગયા બાદમા આકાશ વાણી થઈ કે તમે ઘરે જઈ ઝોળી ધોકાની સેવા કરજો કયારેય અન્નક્ષેત્રમાં અન્ન નહિ ખૂટે ત્યાર થી આજ સુધી અવિરત અન્નક્ષેત્ર વીરપુરમા ચાલે છે કદી અન્ન ખૂટેલ નથી અને છેલ્લા ઘણા વર્ષોથી ભેટ દાનના પૈસા પણ વીરપુર મંદિર સ્વીકારતું નથી.
વીરબાઈમાંને સંતાનમા માત્ર એક પુત્રી હતા એમના જેવાજ સ્વરૂપવાન,ગુણવાન,ધર્મ પરાયણ દીકરી જમનાબેન એમના લગ્ન કોટડાપીઠા પૂજ્ય જસુમાંના દીકરા ભક્તિરામ ભગત વસાણી સાથે થયા હતા વીરબાઈમાના આવા ઉમદા, નેક, વફાદાર, સત્યપ્રિય, કર્મનિષ્ઠ, રામનિષ્ઠ,પતિ પરાયણ, સાદા, સરળ, નિર્મળ મનવાળા સન્નારી એવા વીરબાઈમાં જલારામબાપાને જિંદગી ભર સાથ આપતા આપતા પોતાનો ધર્મ અને કર્મ અદા કરતા કરતા સવંત ૧૯૩૫ કારતક વદ નોમના દિવસે વૈકુંઠવાસી થયા.બાપાએ જગ્યામા સાત દિવસ સુધી અખંડ રામધૂન જગાવી એમના આત્માને પરમ શાંતિ બક્ષી.
જે મકાનમા આટકોટ વીરબાઈમાંનો જન્મ થયેલ એ જગ્યાએ હાલમા પુ.શ્રી હરીરામબાપા દ્વારા વીરબાઈનું મંદિર બનાવેલ છે અને મંદિરની બરાબર સામે પુ.જલારામબાપા અને પુ.શ્રી વીરબાઈમાં ચોરીના ચાર ફેરા ફર્યા ત્યાં સદાવ્રત અને રામ-નામનો પ્રસાદ પીરસાય છે ભદ્રાવતી નદી કિનારે આવેલ આટકોટ ખાતે વીરબાઈમાંનુ અવતરણ (જન્મ) થયો છે ત્યા વીરબાઈમાંના મંદિરે આગામી તા.૨૩/૦૧/ ને શુક્રવારે ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવાશે જેમાં સવારે મંગળા આરતી બાદ ૮ કલાકે અખંડ રામધૂનનો પ્રારંભ થશે તેમજ સુંદરકાંડના પાઠ,૧૧.૩૦ કલાકે મહા આરતી બાદ મહાપ્રસાદનુ મંદિર અને ગ્રામજનો દ્વારા આયોજન રાખેલ હોય મહાપ્રસાદ લેવા અને ધૂનનો લાભ લેવા મંદિરના ટ્રસ્ટીઓ,સંચાલકો અને સમસ્ત ગ્રામજનો દ્વારા યાદીમાં જણાવ્યુ છે. આજે અને કાલે વીરબાઈમાંનુ નામ સદાકાળ અમર રહેશે. (પુરક માહિતી ડો.યોગેશ વસાણી, અમરનગર)(










