<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

કોઠારીયા રોડ સ્‍થિત ફાયર બ્રિગેડવાળા હુડકો ચોકનું ‘જયંતભાઇ ઠાકર ચોક' તરીકે ગૌરવપૂર્ણ નામકરણ

નગરસેવક ન બની શકયા, પરંતુ ખરા અર્થમાં લોક સેવક બની રહ્યા જયંતભાઇ ઠાકર

રાજકોટ : શહેરના કોઠારીયા રોડ પર આવેલા ફાયર બ્રિગેડવાળા હુડકો ચોકનું ‘જયંતભાઇ ઠાકર ચોક' તરીકે નામકરણ કરવામાં આવતા સમગ્ર બ્રહ્મ સમાજ સહિત વિસ્‍તારના નાગરિકોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્‍યાપી છે. વર્ષો સુધી જાહેર જીવનમાં સક્રિય રહી, નિઃસ્‍વાર્થ સેવાના કાર્યો દ્વારા પોતાના અલગ ઓળખ બનાવનાર જયંતભાઇ ઠાકર ભલે નગરસેવક ન બની શકયા હોય, પરંતુ ખરા અર્થમાં તેઓ લોકસેવક તરીકે હંમેશા ઓળખાયા છે.

જયંતભાઇ ઠાકરે પીડીયું સિવિલ હોસ્‍પિટલ ખાતે રોગી કલ્‍યાણ સમિતિના સભ્‍ય તરીકે સક્રિય અને સેવાભાવી કામગીરી બજાવી હતી. ખાસ કરીને કોરોના મહામારીના કપરા સમયમાં પોતાની પરવા કર્યા વિના સતત ખડેપગે રહી દર્દીઓ અને તેમના સ્‍વજનોની સેવા કરી હતી. કોઠારીયા વિસ્‍તારના નાગરિક પ્રશ્નો માટે તેઓ હંમેશા અગ્રેસર રહ્યા અને હુડકો વિકાસ સમિતિની રચનામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

રાજકીય ક્ષેત્રે પણ જયંતભાઇ ઠાકરનો લાંબો અને સ્‍વચ્‍છ પ્રવાસ રહ્યો છે. રાજકોટના રાજા મનોહરસિંહ જાડેજાથી લઇ રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઇ રૂપાણી સાથે તેમણે નજીકથી કામ કર્યું હતું. સ્‍વચ્‍છ પ્રતિભા, નીડરતા, નિખાલસતા અને લાંબા સમયથી જાહેર જીવનમાં હોવા છતાં સંપૂર્ણ પ્રમાણિકતા - આ ગુણો તેમના વ્‍યક્‍તિત્‍વને વિશેષ બનાવે છે. તેઓ બુલંદ અવાજના માલિક તરીકે અન્‍યાય સામે હંમેશા સ્‍પષ્‍ટ અને દ્રઢ વાણીમાં વાત રજુ કરતા રહ્યા છે.

સંગઠનાત્‍મક જવાબદારીઓમાં પણ તેમણે મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. રાજકોટ શહેર ભાજપ મીડિયા વિભાગમાં સહ-મીડિયા ઇન્‍ચાર્જ તરીકે, રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપ કાર્યાલય મંત્રી તરીકે તેમજ પ્રદેશ ભાજપ મીડિયા કારોબારી સભ્‍ય તરીકે તેમણે જવાબદારીપૂર્વક કામગીરી સંભાળી હતી. ઉપરાંત પરશુરામ જન્‍મ જયંતી મહોત્‍સવના આયોજનમાં પણ તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે.

ફાયર બ્રિગેડવાળા હુડકો ચોકનું ‘જયંતભાઇ ઠાકર ચોક' તરીકે નામકરણ થવું એ માત્ર એક નામફલક નથી. પરંતુ લોકસેવા, પ્રમાણિકતા અને નિઃસ્‍વાર્થ કાર્યની જાહેર સ્‍વીકૃતિ છે. આ નામકરણ બદલ રાજકોટ મહાનગર પાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા તથા કોર્પોરેટર શ્રી સુરેશ વસૌયા પ્રત્‍યે જાહેર આભાર વ્‍યકત કરવામાં આવે છે. આ નામકરણથી આવનારી પેઢીને લોકસેવાના સાચા મૂલ્‍યોની પ્રેરણા મળશે અને ‘જયંતભાઇ ઠાકર ચોક' હંમેશા સેવા, સાહસ અને સચ્‍ચાઇનું પ્રતીક બની રહેશે. તેમ હરેશ જોષી મો. ૯૪ર૬૯પ૯પ૬પ એ જણાવ્‍યું છે.

(3:06 PM IST)