<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

મુનીનુ મૌન અને રૂષિની વાણી સનાતન છેઃ પૂ. મોરારીબાપુ

નવી દિલ્‍હીમાં વિશ્વ શાંતિ કેન્‍દ્ર-અહિંસા વિશ્વ ભારતીના જૈનાચાર્ય પૂ. લોકેશમુનીના સંયોજનમાં આયોજીત ‘માનસ સનાતન ધર્મ' શ્રી રામકથાનો આજે પાંચમો દિવસ

રાજકોટ, તા. ર૧: વિશ્વ શાંતિ કેન્‍દ્ર-અહિંસા વિશ્વ ભારતીના જૈનાચાર્ય લોકેશમુનિના સંયોજન તળે પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ સનાતન ધર્મ' ગઇકાલે મંગળવાર ચોથા દિવસના પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું હતું કે - તલગાજરડીય દ્રષ્‍ટિએ સનાતન સપ્તક છે. આ સાત લક્ષણો એટલે કે મારી દ્રષ્‍ટિએ સ્‍વભાવ. આપણી પરંપરામાં પંચક, અષ્‍ટક, સપ્તકનો મહિમા છે. તો આ સનાતન સપ્તક છે. (૧) બ્રહ્મ (ર) પુરૂષ (૩) સ્‍વભાવ (૪) જીવ (પ) કુળ (૬) ધર્મ અને (૭) સત્‍ય. અગાઉ કહયું એ પ્રમાણે બ્રહ્મ સનાતન છે, આદી છે. પુરૂષ પણ સનાતન છે. પ્રભાવ ક્ષણભંગુર પણ સ્‍વભાવનું મહત્‍વ છે. સ્‍વભાવ અધ્‍યાત્‍મ છે અને અધ્‍યાત્‍મ સનાતન છે. ધીમે ધીમે દરેક વિષયોમાંથી વિશ્રામ થતો જાય છે. ભવનમાં બેસીને વિષયથી વૈરાગ્‍ય ન આવે, ભવનના ખુણામાં બેસીને ધીમે ધીમે વિષયોથી વૈરાગ્‍ય થવો જોઇએ. ઘરનો ખૂણો, હ્‍દયનો ખુણો અને આંખનો ખુણો સનાતન છે. મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન છે. મને પ્રદીપ પુછતો હતો કે બાપુ, મૌન સનાતન છે ? (પ્રદીપ મને ત્‍યારે જ પુછે જયારે મારે મૌન હોય!) યસ, મૌન સનાતન છે. શ્રી અરવિંદની ગાયત્રી સનાતન છે.

પૂ. મોરારીબાપુએ કહયુ કે, અખંડાનંદ સરસ્‍વતીજીનું વિધાન છેઃ અનન્‍ય એ છે જે ફલન્‍ય નથી ! એટલે કે જેને ફળની ઇચ્‍છા નથી. અનન્‍ય એ છે જે ફનન્‍ય નથી ! જે કોઇને હણે નહીં, કોઇની પણ કયારેય નિંદા ન કરે એ અનન્‍ય છે. ફલન્‍ય ફળની અપેક્ષાઓ છોડો, રસ પી લો, બાપ ! કોઇ સનાતન બુધ્‍ધ પુરૂષના મુખ્‍ય લક્ષણો-સ્‍વભાવ આ પ્રમાણે છે... જંગમ બુધ્‍ધ પુરૂષ સનાતનીય બુધ્‍ધ પુરૂષ હોય તે અસહાય ને સહાય કરે એ સનાતન છે. બીજું જેનો સંગ સારો લાગે એવા સાધુ મળી જાય... સાધુ એટલે જેનું જીવન સાવ સાદુ હોય, જેનુ જીવન સામુ હોય, જેનું જીવન સાબુ જેવું હોય, જેમ સાબુ કપડાનો મેલ ધોવે છે એમ સાધુ આપણા મનનો મેલ ધોવે છે, જે બુધ્‍ધ પુરૂષ હંમેશ સજજનતા સાથે મૈત્રી કરે તે સનાતન છે અને જે શ્રેષ્‍ઠ છે તેને આદર આપે તે સનાતન ધર્મ છે. ‘શ્રેષ્‍ઠીન' શબ્‍દમાં રેફ આવે છે એટલે ઉત્તમોતમ- શ્રેષ્‍ઠીન પછી એ શબ્‍દમાંથી રેફ ઉડી ગયો એટલે ‘શેઠ' શબ્‍દ થયો અને પછી ‘શેઠ' શબ્‍દમાં રહેલો કાનો (ટોપી) ઉડી ગયો એટલે.. તમે સમજી લેજો હું એ શબ્‍દ નથી બોલતો, મને એ શબ્‍દ બોલવો ગમતો નથી. કથા શ્રાવકો-સાધકો મનમાં સમજી ગયા કે એ શબ્‍દ એટલે ‘શઠ' !

મનુ સ્‍મૃતિનો એક ઉતમ શ્‍લોક છે જે હું રોજ લાવું છું પણ કથામને કયાં કયાં લઇ જાય છે! પણ મનુ શતરૂપા આપણા દાદા-પરદાદા જે કહો તે એ શ્‍લોક તમે પણ બોલો... આ શ્‍લોકમાં સનાતનની લક્ષણો, સનાતન ધર્મના દસ લક્ષણો દર્શાવ્‍યાં છે.

મનુસ્‍મૃતિના શ્‍લોકમાં રહેલી સનાતન ધર્મ અંગેની વ્‍યાખ્‍યા-સમજણ બાપુએ સરળ-સહજ ભાષામાં સૌ સાધકોને વિસ્‍તારથી સમજાવી હતી. (મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ)

કાગબાપુને યાદ કર્યા

રાજકોટ, તા. ર૧ : પૂ. મોરારીબાપુએ કહ્યું કે વિષય સાથે વિકાર અને સંસ્‍કાર જોડાયેલા છે.

કોઇપણ જ્ઞાન-વિજ્ઞાન સંસ્‍કાર છે. માનસમાં કહેવાયું કે પરનિંદા, પરદ્રોહ પરધન છોડો... પવિત્રતા આપણી પાસે આવવા આતુર છે, આપણી શરીરરૂપી બોટલ વિકાસોથી ભરેલી છે. જેમ કોઇ બોટલ કોઇ દ્રાવણ-રસાયણથી ભરેલી હોય તો એમાં બીજું કશું ન સમાય ! તેમ આપણી વિકારોથી ભરેલી બોટલ ખાલી થાય તો પવિત્રતા-પ્રકૃતિ આપણને ભરી દેવા માટે તત્‍પર છે. અમારા કાગબાપુએ વર્ષો પહેલા લખ્‍યું છે કે...

અમે નિસરણી બનીને ઉભા

(પણ) ચઢનારા કોઇ ના મળ્‍યા રે.

અમે દાદર બનીને ખીલા ખૂબ ખાધા

કોઇને નિસરણી ઉપર ચડવું નથી, પડવું છે અને બીજાને પાડવા છે ! પણ કાગબાપુને કહું કે કથા થકી ચઢનારા તમે સૌ મળ્‍યા છો.

શ્રી રામકથામાં રશિયાના રાજદૂતે હિન્‍દીમાં પ્રવચન કર્યુ

રાજકોટ, તા. ર૧ : કથાના સમાપન સમયે પંજાબના રાજયપાલશ્રી ગુલાબચંદ કટારીયા, પંજા કેસરી, અખબારના સુત્રધાર સુશ્રી કિરણ ચોપડા ઉપરાંત પનામા દેશના રાજદૂતા તથા રૂસ (રશિયા) ના રાજદૂત પણ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. અને સંક્ષિપ્તમાં સૌ એ પોતાની પ્રસન્નતા પ્રગટ કરી હતી. ખાસ કરીને રૂસ-રશિયાના રાજદૂતે પોતાનું વકતવ્‍ય હિન્‍દી ભાષામાં બોલ્‍યા ત્‍યારે સૌ ભાવિકોએ તાલીઓના ગડગડાટથી એમને વધાવ્‍યા હતા

(3:10 PM IST)