<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ઉલ્‍ટી-ઉબકાનું બહાનું કરી રીક્ષામાં બેઠેલા વૃધ્‍ધ કરશનભાઇના રૂા.૧૪ હજાર સેરવી લેવાયા

કાલાવાડ રોડ હાઉસીંગ સોસાયટીમાં રહેતા વૃધ્‍ધની ફરિયાદઃ યુનિવર્સિટી પોલીસે શકમંદોને પકડી પુછપરછ હાથ ધરી

રાજકોટ, તા. ર૧: યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી હોસ્‍પિટલ પાસે ઉલ્‍ટી ઉબકાનું બહાનું કરી રીક્ષામાં બેઠેલા ગઠીયાએ વૃધ્‍ધના ખીસ્‍સામાંથી રૂા. ૧૪ હજારની રોકડ સેરવી લેતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર ઇસ્‍કોન મંદિરની પાછળ હાઉસીંગ સોસાયટીમાં બી-૮૦ર માં રહેતા કરશનભાઇ આલાભાઇ વાઘેલા (ઉ.વ. ૬૦) એ યુનિવર્સિટી  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તે ગત તા. ૯ ના રોજ યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી કીડની હોસ્‍પિટલમાં પોતાની દવા લેવા માટે ગયા હતા. દવા લઇને તેઓ પરત સોરઠીયાવાડી પટેલનગરમાં પોતાના કારખાને જવા માટે બીટી સવાણી હોસ્‍પિટલની સામે બસ સ્‍ટોપ પાસે ઉભા હતા. ત્‍યારે એક કાળા કલરની રીક્ષાના ચાલકે તેની પાસે રીક્ષા ઉભી રાખી ચાલકે પુછયુ તમારે કયાં જવું છે. તો ફરિયાદી વૃધ્‍ધે કહયુ કે સોરઠીયાવાડી જવુ છે. તેમ કહેતા તેને રીક્ષામાં બેસાડી દીધા હતા. પાછળની સીટ પર અગાઉથી એક શખ્‍સ અને એક મહિલા બેઠા હતા. ચાલકે રીક્ષા થોડે દુર જવા દઇ એફ.એસ.એલ. કચેરી નજીક પહોંચતા બાજુમાં શખ્‍સે કહયુ કે મારે થુકવુ છે મને ઉલ્‍ટી થાય છે. તેમ કહી બે-ત્રણ વાર ધકકા મારી કરી હતી. બાદ મને કહયુ કે તમે રીક્ષામાંથી ઉતરી જાવ તેમ કહી ચાલકને રીક્ષા ઉભી રખાવી હતી. બાદ ફરિયાદીને  ઉતારીદીધા હતા. બાદ તે નિચે ઉતર્યાબાદ શંકા જતા તેણે પોતાના ખીસ્‍સામાં જોતા રૂા. ૧૪ હજાર રોકડા ગાયબ હતા. તેથી રીક્ષામાં બેઠેલા શખ્‍સે ધકકા-મુકકી કરી રોકડ રકમ ચોરી કર્યાની ખબર પડતા વૃધ્‍ધે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે શકમંદોને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી હતી.

(3:42 PM IST)