<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલ પાસે સ્‍કૂલ વેનમાં કાચ કાળા કપડાથી ઢાંકી રમેશનો છાત્રા પર બળાત્‍કારઃ પોલીસે ખોખરો કર્યો : જૂઓ વિડીયો

ધોરણ-૯ની ૧૪ વર્ષની છાત્રાને વારંવાર ચોકલેટ ખવડાવી ભોળવી, પહેલીવાર નજીકની શેરીમાં લઇ જઇ અડપલા કર્યા અને ધમકી દીધીઃ બીજીવાર આચરી બળજબરી : પાળ ગામના સ્‍કૂલ વેનના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી સકંજામાં લેવાયોઃ હવસખોર પોતે પણ એક દિકરીનો બાપઃ લોકોએ ફીટકાર વરસાવ્‍યોઃ ખળમળાટ મચાવતી ઘટનામાં ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોધરીની રાહબરીમાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ અને ટીમની કડક કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: શહેરના એક પરિવારની ધોરણ-૯માં અભ્‍યાસ કરતી ૧૪ વર્ષની બાળાને સ્‍કૂલ વેનના ચાલક એક દિકરીના પિતા એવા ૩૫ વર્ષના ઢગાએ અવાર-નવાર ચોકલેટ ખવડાવી, વાતચીત કરી બાદમાં પરિક્ષા ચાલુ હોઇ પેપર વહેલુ પુરૂ થતાં આ બાળાને વેનમાં બેસાડી નજીકની શેરીમાં લઇ જઇ બિભત્‍સ અડપલા કરી લઇ ઘરે કોઇને વાત ન કરતી તેમ કહી ધમકી આપતાં અને ફરી વખત આવી જ રીતે પેપર વહેલુ પુરુ થતાં બહાર નીકળેલી આ બાળાને વેનમાં બેસાડી સોૈરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલ પાસેના રોડ સાઇડમાં વેન ઉભી રાખી કાચ પર કાળા કપડાની આડશ કરી અડપલા કરી વેનમાં જ બળાત્‍કાર ગુજારી લેતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આ શખ્‍સને ઝડપી લઇ હવસખોરી ઉતારી નાંખી છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે ભોગ બનનાર ધોરણ-૯માં અભ્‍યાસ કરતી ૧૪ વર્ષની વિદ્યાર્થીનીના માતાની ફરિયાદ પરથી પાળ ગામે રહેતાં સ્‍કૂલ વેનના ચાલક રમેશ કાનાભાઇ ખરા (ઉ.વ.૩૫) નામના શખ્‍સ સામે દૂષ્‍કર્મ, પોક્‍સો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ભોગ બનનાર બાળા ઘરમાં બે ત્રણ દિવસથી ગૂમસુમ રહેતી હોઇ જેથી  માતાએ તેણીને ફોસલાવીને કારણ પુછતાં તેણીએ કહ્યું હતું કે-સ્‍કૂલ વેનવાળા રમેશભાઇ તેણીને અવાર-નવાર ચોકલેટ આપતાં હતાં અને ફોનમાં વ્‍હોટ્‍સએપથી વાત કરતાં હતાં. તાજેતરમાં તેણીને  પરિક્ષા હતી જેથી બપોરે એક વાગ્‍યે તે રમેશભાઇની સ્‍કૂલ વેનમાં ગઇ ત્‍યારે પરિક્ષા પુરી થયા બાદ તે તેણીને સ્‍કૂલ વેનમાં બેસાડી નજીકની એક ગલી કે જ્‍યાં લોકોની અવર-જવર બહુ નહોતી ત્‍યાં લઇ ગયો હતો.

આ જગ્‍યાએ વેન ઉભી રાખી હતી અને શરીરે અડપલા કરવા માંડયો હતો. આથી બાળા ડઘાઇ ગઇ હતી અને આવુ કરવાની ના પાડી હતી છતાં તેણે અડપલા ચાલુ રાખ્‍યા હતાં. તેમજ ધમકી આપી હતી કે જો આની વાત તું ઘરે કોઇને કરીશ તો તને હેરાન કરી મુકીશ. આ પછી સાંજના પાંચ વાગી જતાં   શાળા છુટવાનો સમય થઇ ગયો હોઇ તે આ છાત્રાને ઘરે મુકી ગયો હતો. તેણે ધમકી આપી હોઇ જેથી બાળાએ પોતાની સાથે રમેશે જે હરકતો કરી તેની કોઇને જાણ કરી નહોતી.

ત્‍યારબાદ ફરીથી એક દિવસ બાદ બોપરે રમેશ તેણીને સ્‍કુલે લઇ ગયો હતો. પેપર પુરુ થયા બાદ તે ફરીથી વેનમાં બેસાડી સોૈરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલ તરફના રોડ પર લઇ ગયો હતો. જ્‍યાં સ્‍કૂલ વેન ઉભી રાખી કાચ ઉપર કાળા રંગની જાળી રાખી દીધી હતી. બાદમાં તેણે ફરીથી આ છાત્રાની સાથે બિભત્‍સ અડપલા કર્યા હતાં. તેણીએ ઇન્‍કાર કરવા છતાં પરાણે વેનમાં જ તેની સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો! ફરીથી તે સ્‍કૂલ પાસે લઇ ગયો હતો. સ્‍કૂલ સાંજે છુટતાં વેનમાં બેસાડી ઘરે મુકી ગયો હતો અને ફરીથી ધમકી આપી હતી કે કોઇને વાત કરીશ તો જાનથી મારી નાંખીશ. દિકરીની આ વાત સાંભળી ઘરના લોકો ચોંકી ગયા હતાં અને શાળાના પ્રિન્‍સીપાલ સાથે ઘટનાની વાતચીત કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ અને ટીમે ગુનો દાખલ કરી આરોપી રમેશને સકંજામાં લીધો છે. તે પોતે ચોદ વર્ષની એક દિકરીનો બાપ છે. ઝડપાઇ ગયા પછી આ હવસખોરે ભૂલ થઇ ગયાનું રટણ કર્યુ હતું. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોધરીની રાહબરીમાં આરોપીની વધુ પુછપરછ કરવામાં આવી હતી. આ બનાવથી વાલીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જેના પર વાલીઓ ભરોસો મુકી પોતાના સંતાોનને શાળાએ લઇ જવા-મુકવા માટે સોંપી દેતા હોય છે તે સ્‍કૂલ વેનના ચાલકે હવસખોરી આચરતાં તેના પર સોૈ ફીટકાર વરસાવી રહ્યા છે.

(8:15 PM IST)