હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં પ્રીતિબેન પારેખ પોલિએટિવ કેન્સર કેર સેન્ટરની સ્થાપના કરાશે : ૧ ફેબ્રુઆરીએ સંતોના હસ્તે ભૂમિપૂજન

રાજકોટ, તા. રર : કેન્સરના દર્દીઓ માટે પ્રેમ અને કરૂણાભરી, ગૌરવપૂર્ણ અને માનવીય સંભાળ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજકોટ ખાતે ‘‘પ્રીતિબેન પ્રભુદાસભાઇ પારેખ (શિલ્પા જ્વેલર્સ) પેલિએટિવ કેન્સર કેર સેન્ટર''ની સ્થાપના થવા જઇ રહી છે.
આ અંગે યોજયેલ પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા જણાવયું હતું કે પેલિએટિવ કેર એ કેન્સર જેવી ગંભીર અને જીવનને મર્યાદિત કરતી બીમારીઓનો સામનો કરતા દર્દીઓ માટેની વિશિષ્ટ સંભાળ છે. જેનો હેતુ જીવનની લંબાઇ વધારવાનો નહીં, પરંતુ દર્દીના જીવનમાં આરામ, શાંતિ અને ગૌરવ ઉમેરવાનો છે.
એક અંદાજ મુજબ, રોગના કોઇપણ તબક્કે ૮૦% થી વધુ કેન્સરના દર્દીઓને પેલિએટિવ કેરની જરૂર પડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છે કે, સમગ્ર વિશ્વમાં લગભગ ૪ કરોડ લોકોને પેલિએટિવ કેરની જરૂર છે. પરંતુ આજે માત્ર ૧૪% દર્દીઓ જ આ સંભાળ મેળવી શકે છે. ભારતમાં દર વર્ષે આશરે ૧૦ લાખ લોકોને કેન્સર થાય છે. જેમાંથી મોટા ભાગના દર્દીઓનું નિદાન રોગના અદ્યતન તબક્કામાં થાય છે. દુઃખદ સત્ય એ છે કે તેમાંથી માત્ર ર% દર્દીઓને જ પેલિએટિવ કેર ઉપલબ્ધ થાય છે.
આજના સમયમાં ભારતમાં મોટા પ્રમાણમાં કેન્સરના દર્દીઓ પેલિએટિવ કેરની જરૂરીયાત ધરાવે છે ત્યારે, કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા આ પેલિએટિવ કેન્સર કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. જે સૌરાષ્ટ્રનું પ્રથમ તથા ગુજરાતનું સૌથી વિશાળ અને આધુનિક પેલિએટિવ કેન્સર કેર સેન્ટર બનશે.
આ મહત્વપૂર્ણ પ્રોજેકટના પ્રથમ પગલા તરીકે, ‘‘પ્રીતિબેન પ્રભુદાસભાઇ પારેખ પેલિએટિવ કેન્સર કેર સેન્ટર''નું ભૂમિ પૂજન સમારોહ તા. ૧ ફેબ્રુઆરી, સવારે ૮ થી બપોરના ૧ર વાગ્યા સુધી અમરેલી ગામ ખાતે યોજેલો છે. જે ઇશ્વરિયા ગામથી પ કિ.મી. ખીરસરા પેલેસથી પ કિ.મી. કાલાવાડ રોડ, રાજકોટ પર આવેલું છે.
આ ભૂમિ પૂજન વિધિ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ, પૂજય શ્રી ઇન્દ્રભારતી મહારાજ, પૂજય શ્રી જિજ્ઞેશદાદા, પૂજય શ્રી રમેશભાઇ ઓઝા તથા પૂજય શ્રી પરમાત્માનંદજી દ્વારા સંપન્ન થશે.
આ આયોજન કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જયારે ભૂમિના દાતા પ્રીતિબેન પ્રભુદાસભાઇ પારેખ છે.
આ પેલિએટિવ કેર સેન્ટર તમામ ધર્મો અને તમામ વર્ગના દર્દીઓ માટે ખુલ્લું રહેશે. અહીં દર્દીઓને માત્ર તબીબી સારવાર નહીં, પરંતુ માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક પણ આપવામાં આવશે. નેચરોપેથી, યોગ, ધ્યાન, પોષણયુક્ત ખોરાક, પ્રાર્થના હોલ, સર્વધર્મ મંદિર તેમજ અન્ય સહાયક સુવિધાઓ સાથે શરૂઆતમાં ૮પ બેડની વ્યવસ્થા કરવાની યોજના છે.
આ માહિતી પ્રમુખ અશ્વિનભાઇ સોલંકી તથા સેક્રેટરી શ્રીમતી રૂપલબેન કોટક દ્વારા જાહેર કરવામાં આવી છે. તેમણે તમામ શ્રદ્ધાળુઓ, સમાજના આગેવાનો અને જનતાને આ પવિત્ર ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે. કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા હાથ ધરાયેલો આ પ્રોજેકટ માત્ર એક હોસ્પિટલની સ્થાપના નહીં, પરંતુ પીડા વચ્ચે માનવતા, દયા અને ર્ગારવ જાળવવાનો એક સંકલ્પ છે.
તસ્વીરમાં પત્રકાર પરિષદ સંબોધતા અશ્વિનભાઇ સોલંકી (મો. ૯૮ર૪૮૧૦૦૩૬) અને શ્રીમતી રૂપલબેન કોટક અને સંસ્થાના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)










