<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

શાપરમાં હોટેલમાં જમ્‍યા બાદ રસ્‍તો ઓળંગી રહેલા ત્રણ બહેનના એકના એક ભાઇનું ‘હિટ એન્‍ડ રન'માં મોત

શીતળા મંદિર પાસે રહેતાં ૪૦ વર્ષના કિરીટભાઇ મકવાણાએ રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં દમ તોડયોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૨: શાપર વેરાવળમાં હિટ એન્‍ડ રનનો બનાવ બન્‍યો છે. જેમાં હોટેલમાં જમ્‍યા બાદ રસ્‍તો ઓળંગી રહેલા શાપરના યુવાનને કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેનું મોત થયું છે. કરૂણતા એ છે કે આ યુવાન ત્રણ બહેનના એક જ ભાઇ અને પરિવારનો આધારસ્‍તંભ હતાં.

જાણવા મળ્‍યા મુજબ શાપરમાં શીતળા મંદિર નજીક રહેતાં કિરીટભાઇ અમરાભાઇ મકવાણા (ઉ.વ.૪૦) રાતે દસેક વાગ્‍યે શાપરમાં શિવ કાટા નજીક આવેલી મસ્‍ત નામની નોનવેજની હોટલે મિત્ર સાથે જમવા ગયા હતાં. રાતે ત્‍યાંથી જમીને ઘરે જવા માટે રસ્‍તો ઓળંગી રહ્યા હતાં તે વખતે અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. દરમિયાન કોઇ પરિચીત કિરીટભાઇને ઓળખી જતાં તેના સગાને જાણ કરી હતી. તેમને ગંભીર ઇજા સાથે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવની જાણ શાપર પોલીસને કરી હતી.

મૃત્‍યુ પામનાર કિરીટભાઇ મકવાણા કડીયા કામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.  તે ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે વૃધ્‍ધ માતા, પિતા સહિતના પરિવારજનો પણ આધારસ્‍તંભ હતાં. શાપર પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલકને શોધવા સીસીટીવી કેમેરા ચેક કરવા સહિતની તપાસ શરૂ કરી છે. 

(2:44 PM IST)