News of Thursday, 22nd January 2026
અમીન માર્ગનો પ્લોટ વેંચાયો ૧૦૬ કરોડમાં
પ્રતિ ચો. મી. રૂા. ર લાખ અપસેટ પ્રાઇઝ સામે રૂા. ર,ર૭,પ૦૦ ની ઉંચી બોલી પ્રાઇડ કન્સ્ટ્રકશન દ્વારા લગાવાયેલઃ અન્ય ૬ જમીનમાં કોઇએ રસ દાખવ્યો નહિ

રાજકોટ, તા.,૨૨ : મહાનગર પાલિકાની તીજોરી તળીયા જાટક થઇ જતા હવે ૩૬૦ કરોડના સાત પ્લોટ વેંચવા માટે કાઢયા છે. તેમા પણ કાનુની વિવાદ ઉભો થતા બધા પ્લોટ વેંચી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ગઇકાલે પ્રથમ પ્લોટનું ઓનલાઇન હરાજીથી વેચાણ કરવામાં આવેલ રીંગરોડ ઉપર જેડબ્લુની સામે અમીન માર્ગના કોર્નર ઉપર આવેલ ૪૬૬૯ ચો.મીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટની અપસેટ પ્રાઇઝ પ્રતિ ચો.મી. રૂા.૨ લાખ રાખવામાં આવેલ જેમાં ચાર ખરીદદારોએ ભાગ લીધેલ અને ભારે રસાકસીના અંતે પ્રાઈડ ક્ન્સ્ટ્રક્શન કંપનીએ રૂા.૨,૨૭,૫૦૦નો ઉંચી બોલી લગાવી પ્લોટ ખરીદી લેતા મનપાને રૂા.૧૦૬ કરોડની આવક થઇ છે.
મહાપાલિકા દ્વારા થોડા સમય પહેલાં અમીન માર્ગ કોર્નર સહિત ચાર પ્લોટની ઓનલાઈન હરાજી કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે પ્રમાણે બુધવારે એકમાત્ર અમિન માર્ગ પરના પ્લોટની હરાજી બપોરે એક વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. આ પ્લોટ ખરીદવા માટે ચાર લોકોએ રસ દાખવી હરાજીમાં ભાગ લીધો હતો. સાંજે ૭.૩૦ વાગ્યા આસપાસ હરાજી પૂર્ણ થતાં પ્લોટની અપસેટ પ્રાઈસ ૯૩ કરોડ સામે ૧૦૬ કરોડરૂપિયા ઉપજ્યા હતા. આ પ્લોટને પ્રાઈડ ક્ન્સ્ટ્રક્શન દ્વારા ખરીદવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ અંગે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (સેન્ટ્રલ ઝોન) એસ.ડી.ગોહેલે જણાવ્યું કે અમીન માર્ગ-૧૫૦ ફૂટ રિંગરોડ કોર્નર પરના આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૪૬૬૯ ચોરસમીટર છે. આ પૈકી પ્રતિ ચો.મી. ૨ લાખ રૂપિયા અપસેટ પ્રાઈસ રાખવામાં આવી હતી. પ્લોટ ખરીદવા માટે ચાર લોકોએ ભાગ લીધો હતો. રસ દાખવનાર દરેક વ્યક્તિને પાંચ મિનિટમાં બીડ કરવાનો સમય આપવામાં આવ્યો હતો.
આ હરાજી સંપૂર્ણપણે ઓનલાઈન હોય પાંચ મિનિટની અંદર બીડ થાય એટલે હરાજી આગળ વધતી હતી. આ પ્રમાણે એક વાગ્યાથી શરૂ થયેલી હરાજી મોડી સાંજે ૭.૩૦ વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હતી અને પ્લોટની ૧૦૬ કરોડ રૂપિયામાં ખરીદી પ્રાઈડ ક્ન્સ્ટ ્રક્શન દ્વારા કરવામાં આવી હતી. આ પ્લોટની પ્રતિ ચોરસમીટર અપસેટ પ્રાઈસ ર લાખ રૂપિયા નક્કી કરાઈ હતી જેની સામે પ્રાઈડ ક્ન્સ્ટ્રક્શન દ્વારા ૨,૨૭,૫૦૦ રૂપિયાનો ભાવ આપવામાં આવતા તે ભાવ સૌથી વધુ હોય તેને પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય પ્લોટ જેમાં રૈયા રોડ પરના ફિલ્ડ માર્શલ રોડ અને એચસીજી હોસ્પિટલ રોડના પ્લોટ અંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્લોટ ખરીદવા માટે કોઈ વ્યક્તિ ન આવતા હવે થોડા સમય બાદ ફરી હરાજી અંગેની તારીખ જાહેર કરવામાં આવશે.
(3:08 PM IST)










