News of Friday, 23rd January 2026
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મારબલના થપ્પા નીચે દબાઇ જતાં મજૂરનું મોત
મુળ યુપીનો ૨૧ વર્ષનો સત્યેન્દ્ર પરાપીપળીયામાં રહી ઇટાલીયન મારબલનું કામ કરતો હતોઃ અન્ય આકાશ નામના મજૂરનો ઇજા સાથે બચાવ

રાજકોટ તા. ૨૩: સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક મારબલનું કામ કરતી વખતે મારબલના થપ્પા વચ્ચે દબાઇ જતાં મજુર યુવાનનું મોત થયું છે. અન્ય એક મજુરનો ઇજા સાથે બચાવ થયો હતો. આ બંને ઇટાલીયન મારબલનું કામ કરતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર પરાપીપળીયામાં ૨૫ વારીયામાં રહેતો સત્યેન્દ્ર રામપ્રકાશ યાદવ (ઉ.વ.૨૧) સાંજે છએક વાગ્યે સ્પીડવેલ પાર્ટી પ્લોટથી પરસાણા ચોક વચ્ચે આવેલા ઓરબીટ કોમ્પલેક્ષમાં ઇટાલીયન મારબલનું કામ કરતો હતો ત્યારે મારબલના થપ્પા વચ્ચેથી પથ્થર કાઢવા જતાં મારબલનો થપ્પો માથે પડતાં દબાઇ ગયો હતો. તેની સાથે રહેલા આકાશ સર્વકુમાર યાદવ (ઉ.વ.૨૦)ને પણ ઇજા પહોંચી હતી.
ગંભીર ઇજાગ્રસ્ત સત્યેન્દ્રને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માથામાં ઇજા પહોંચી હોઇ સારવાર ચાલુ કરાઇ હતી. પરંતુ ટુંકી સારવારમાં દમ તોડી દેતાં મજૂરોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. કીશનભાઇ અજાગીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સત્યેન્દ્ર એક બહેન અને બે ભાઇમાં નાનો હતો. તેને સંતાનમાં એક દિકરો છે. તે મુળ યુપીનો વતની હતો. તેના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
(2:22 PM IST)










