તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd January 2026
પોલીસ ભરતીની શારીરિક કસોટી માત્ર દોડની નહીં, પણ આત્મવિશ્વાસની પરીક્ષા છેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ ગુજરાત પોલીસમાં ભરતી માટે ચાલી રહેલી શારીરિક કસોટી સંદર્ભે રાજકોટના રેસકોર્સ ખાતે ઉમેદવારોને માર્ગદર્શન આપતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, આ પરીક્ષા માત્ર દોડ કે શારીરિક ક્ષમતાની નથી, પરંતુ આત્મવિશ્વાસ અને મનોબળની પણ કસોટી છે.
રેસકોર્સ સ્થિત એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે ભાવિક એકેડેમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજુભાઈ ધ્રુવ અને કોચ ભાવિકભાઈ અગ્રાવતે યુવાનોને સંકલ્પ, સંયમ અને સખત પરિશ્રમ સાથે શારીરિક સજ્જતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા રાજુભાઈ ધ્રુવે કહ્યું કે, ‘જે યુવાન મનમાં હાર માને છે તે પહેલા હારી જાય છે. આ કસોટીમાં ઝડપ અને સ્ટેમિનાની સાથે ધૈર્યની પણ જરૂર છે. તમારા માતા-પિતાના સપના અને ત્યાગને યાદ રાખી, કોઈપણ માનસિક દબાણ વગર આખરી ક્ષણ સુધી મજબૂત રહી પ્રયાસ કરનાર જ સાચો વિજેતા બને છે.'
તેમણે ઉમેર્યું કે પોલીસ ભરતી માત્ર નોકરી નથી, પણ શિસ્ત અને રાષ્ટ્રસેવાનો માર્ગ છે.
આ તકે ભાવિક એકેડેમીના કોચ ભાવિકભાઈ અગ્રાવતે ઉમેદવારોને દોડ, શ્વાસ નિયંત્રણ, શરીરની સ્થિતિ અને માનસિક સંતુલન જાળવવા અંગે તકનીકી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં શશીભાઈ કડીવાર અને લલિતભાઈ પાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તમામ યુવાનોને ‘વિજય ભવ'ના આશીર્વાદ સાથે દેશસેવા માટે તત્પર રહેવા પ્રેરણા આપવામાં આવી હતી
(2:24 PM IST)










