<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

રાજકોટમાં ધોળકિયા સ્‍કૂલ્‍સ દ્વારા વિશ્વના સૌથી મોટા ‘બિઝનેસ ફેર - ૨૦૨૬'નો શાનદાર પ્રારંભ : વિદ્યાર્થીઓના વ્‍યાવસાયિક સપનાઓને મળી પાંખ

૧૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ૩૫૦ સ્‍ટોલ્‍સનું સંચાલન : ૧.૨૫ કરોડના રોકાણ સાથે સ્‍કૂલ દ્વારા આયોજિત બિઝનેસ ફેરમાં સર્જાશે નવો વર્લ્‍ડ રેકોર્ડ : અમૂલના વાઈસ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના વરદ હસ્‍તે મંગલ પ્રારંભ

રાજકોટ, તા. ૨૩ : સમગ્ર ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે આગવું નામ ધરાવતી રાજકોટની ધોળકિયા સ્‍કૂલ્‍સ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વ્‍યાવસાયિક કૌશલ્‍યને ખીલવવાના હેતુથી આજથી ચાર દિવસીય ભવ્‍ય ‘બિઝનેસ ફેર - ૨૦૨૬'નો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. માત્ર પુસ્‍તકિયા જ્ઞાનને બદલે વિદ્યાર્થીઓને વેપાર-વાણિજ્‍યનું પ્રેક્‍ટિકલ નોલેજ મળે તેવા શુભ આશયથી ૧૫૦ ફૂટ રીંગ રોડ, શીતલ પાર્ક પાસે આવેલા ‘પારિજાત પાર્ટી પ્‍લોટ' ખાતે આ જાજરમાન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઇન્‍ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્‍સમાં સ્‍થાન પામશે આ બિઝનેસ ફેર : વર્ષ ૨૦૦૫ થી શરૂ થયેલી ધોળકિયા સ્‍કૂલ્‍સની આ પહેલ હવે એક વટવૃક્ષ બની ચૂકી છે. અગાઉ વર્ષ ૨૦૨૩માં ‘ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સ' અને ૨૦૨૪માં ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્‍સ'માં સ્‍થાન મેળવ્‍યા બાદ, હવે બિઝનેસ ફેર - ૨૦૨૬ એ પોતાના જ જૂના રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે.

દુનિયાભરમાં વર્લ્‍ડ રેકોર્ડ માટે પ્રખ્‍યાત સંસ્‍થા ‘ઇન્‍ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્‍સ' દ્વારા આ ઇવેન્‍ટને સ્‍કૂલ દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા બિઝનેસ ફેર તરીકેનું અપ્રુવલ મળેલ છે. આ મેળામાં અંદાજિત ૭૫,૦૦૦ થી વધુ લોકો મુલાકાત લેશે તેવી આયોજકોને ધારણા છે.

૧.૨૫ કરોડનું રોકાણ અને વિદ્યાર્થીઓ દ્વારા જ સંપૂર્ણ સંચાલન : આ બિઝનેસ ફેરની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનું સમગ્ર સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે. આ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા ૧.૨૫ કરોડ રૂપિયાથી વધુ રકમનું રોકાણ કરવામાં આવ્‍યું છે. કુલ ૧૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ૩૫૦ થી વધુ સ્‍ટોલ્‍સનું સંચાલન સંભાળશે. આ દ્વારા વિદ્યાર્થીઓને માર્કેટની માંગ, વસ્‍તુઓની ખરીદી, ગુણવત્તાની ચકાસણી, નફાની ગણતરી અને સેલ્‍સમેનશીપ જેવા વ્‍યાવસાયિક પાસાઓનું જીવંત શિક્ષણ મળશે. મહેનત કરીને કમાયેલા રૂપિયાનું મૂલ્‍ય અને માતા-પિતાની કમાણીની અહેમિયત વિદ્યાર્થીઓને સમજાય તે આ મેળાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય છે.

સ્‍ટોલ્‍સમાં વિવિધતા અને મનોરંજનનો ખજાનો : ચાર દિવસ ચાલનારા આ બિઝનેસ ફેરમાં ઘરવપરાશની ચીજવસ્‍તુઓ, કપડાં, ફૂટવેર, સ્‍ટેશનરી, મોબાઈલ એસેસરીઝ, ઘર સજાવટની વસ્‍તુઓ, હેન્‍ડીક્રાફટ, હેલ્‍થકેર પ્રોડક્‍ટ્‍સ અને ઓર્ગેનિક ફ્રૂટ-વેજીટેબલ્‍સ જેવી અનેક વસ્‍તુઓનું વેચાણ થશે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે ફૂડઝોનમાં આઈસ્‍ક્રીમ, લાઈવ ચોકલેટ, સ્‍નેક્‍સ અને ક્રન્‍ચી બાઈટ્‍સ જેવી વાનગીઓ ઉપલબ્‍ધ રહેશે.

બાળકોના મનોરંજન માટે ગેમઝોનમાં વિવિધ રાઈડ્‍સ, ચક્કરડી અને જામ્‍પિંગના સાધનો રાખવામાં આવ્‍યા છે. સાથે જ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, લાઈવ સ્‍ટેજ પરફોર્મન્‍સ અને સેલ્‍ફી ઝોન જેવા આકર્ષણો પણ મેળાની રોનક વધારશે.

અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા દ્વારા ઉદ્ધાટન : આ ‘બિગેસ્‍ટ બિઝનેસ ફેર'નું ભવ્‍ય ઉદ્ધાટન અમૂલ મિલ્‍ક ફેડરેશનના વાઇસ ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે ધોળકિયા સ્‍કૂલ્‍સના મેનેજિગ ટ્રસ્‍ટી શ્રી કૃષ્‍ણકાંતભાઈ ધોળકિયા અને શ્રી જીતુભાઈ ધોળકિયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.

આત્‍મનિર્ભર ભારત અને વિકસિત ભારતનું સ્‍વપ્‍ન

શાળા સંચાલકોના જણાવ્‍યા મુજબ, જેમ અંબાણી અને અદાણી જૂથ પોતાની નવી પેઢીને વ્‍યવસાયની ધુરા સોંપી રહ્યા છે, તેમ સામાન્‍ય વાલીઓ પણ પોતાના સંતાનોને ભવિષ્‍યમાં વ્‍યવસાયિક જવાબદારીઓ સોંપી શકે તે માટે અત્‍યારથી જ તેમનું ઘડતર કરવું જરૂરી છે. આ બિઝનેસ ફેર ‘સ્‍કિલ ઈન્‍ડિયા', ‘મેક ઈન ઈન્‍ડિયા' અને ‘આત્‍મનિર્ભર ભારત'ના સ્‍વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્‍વનું પગલું છે.

તારીખ અને સમયઃ ધોળકિયા સ્‍કૂલ્‍સ દ્વારા આયોજિત આ મેળો તારીખ ૨૩, ૨૪, ૨૫ અને ૨૬ જાન્‍યુઆરી સુધી ચાલશે. રાજકોટના નગરજનોને આ બાળ સાહસિકોને પ્રોત્‍સાહિત કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

બિઝનેસ ફેરના આયોજન અથવા સેલ્‍સ પ્રમોશન સ્‍કીમ અંગે વધુ માહિતી માટે નીચેના મોબાઇલ નંબરો પર સંપર્ક કરી શકાય છે : ૯૬૨૪૩ ૫૩૬૧૧ અને ૯૮૨૪૮ ૪૪૩૫૬.

(2:25 PM IST)