News of Friday, 23rd January 2026
સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના પ્રશ્નો અને કરવેરાના સરળીકરણ માટે કેન્દ્રીય નાણામંત્રીને ગ્રેટર રાજકોટ ચેમ્બરની રજૂઆત
આવકવેરા કાયદામાં સુધારા, ટી.ડી.એસ. માં રાહત અને રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવા સહિતના મહત્વના મુદ્દાઓ સાથેનું પ્રી-બજેટ મેમોરેન્ડમ પાઠવાયું

રાજકોટ : ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાની વર્ષો જૂની પરંપરા મુજબ આગામી કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને દેશના નાણામંત્રીને વેપાર-ઉદ્યોગના વિકાસલક્ષી સૂચનો મોકલવામાં આવ્યા છે. આ પ્રી-બજેટ મેમોરેન્ડમમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોને નડતી સમસ્યાઓ અને તેના નિરાકરણ માટેના મહત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે, જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
ડાયરેક્ટ ટેક્સ (પ્રત્યક્ષ કર) અંગેના મહત્વના સૂચનો
૧. જમીન સંપાદન પર
વળતર અને કર મુક્તિ
આર.એફ઼સી.ટી.એલ.એ.આર.આર. કાયદા હેઠળ જમીનના ફરજિયાત સંપાદન પર મળતું વળતર આવકવેરા મુક્ત છે, પરંતુ આવકવેરા અધિનિયમ-૨૦૨૫ માં તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. માત્ર ટી.ડી.એસ. ને કલમ ૩૯૩ હેઠળ મુક્તિ અપાયેલ છે. ચેમ્બરે સૂચન કર્યું છે કે ૨૦૧૬ ના પરિપત્ર મુજબ આવકવેરા કાયદાની કલમ ૧૧ (આવક મુક્તિ) માં આ જોગવાઈનો સ્પષ્ટ સમાવેશ કરવો જોઈએ.
૨. સુધારણા અને ફરિયાદ નિવારણ માટે સમયમર્યાદા
હાલમાં ઓનલાઈન સુધારણા અને ફરિયાદ નિવારણની પ્રક્રિયા ખૂબ લાંબી છે. ચેમ્બરે સૂચન કર્યું છે કે, તમામ ઓનલાઈન સુધારણા અરજીઓનો નિકાલ ૩ મહિનાની અંદર થવો જોઈએ. જો તેમ ન થાય તો અંકગણિતની ભૂલો, વ્યાજની ગણતરી કે ટી.ડી.એસ./ટી.સી.એસ. ક્રેડિટ જેવી બાબતોમાં સુધારા આપોઆપ મંજૂર ગણવા જોઈએ, જેથી મુકદ્દમાનું ભારણ ઘટે.
૩. અપીલ બાદ રિફંડ
પ્રક્રિયામાં ઝડપ
સી.આઈ.ટી. (અપીલ), આઈ.ટી.એ.ટી., હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના આદેશો કરદાતાની તરફેણમાં આવ્યા બાદ પણ તેનો અમલ કરાવવા માટે ફરી અરજીઓ કરવી પડે છે. સૂચન મુજબ, ઓર્ડર અપલોડ થયાના ૬૦ દિવસમાં અપીલની અસર આપવી ફરજિયાત બનાવવી જોઈએ અને રિફંડની રકમ અલગ અરજી વગર વ્યાજ સહિત જમા થવી જોઈએ.
૪. વિભાગીય વિલંબ
પર વ્યાજ વળતર
કરદાતા જો મોડું કરે તો વ્યાજ ચૂકવે છે, પરંતુ વિભાગ રિફંડ આપવામાં મોડું કરે તો કોઈ વળતર મળતું નથી. સમાનતા જળવાય તે માટે ચેમ્બરે સૂચન કર્યું છે કે, જો રિફંડ કે અપીલની અસરોમાં નિર્ધારિત સમય કરતાં વધુ વિલંબ થાય, તો સરકાર દ્વારા કરદાતાને વધારાનું વળતર વ્યાજ ચૂકવવાની જોગવાઈ દાખલ કરવી જોઈએ.
મૂડી લાભ (કેપિટલ ગેઈન) અને
ટી.ડી.એસ. માળખામાં સુધારા
૧. કેપિટલ ગેઈનનું સરળીકરણઃ
લાંબા ગાળાની સંપત્તિ માટે હોલ્ડિંગનો સમયગાળો સમાન રાખવો જોઈએ. અલગ-અલગ મુક્તિ વિભાગોને મર્જ કરીને એક સંકલિત પુનઃરોકાણ વિભાગ બનાવવો અને 'કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમ' ને બદલે 'ઈન્ડેક્સ્ડ રોલઓવર એકાઉન્ટ' ને મંજૂરી આપવી જોઈએ.
૨. ભાગીદારી પેઢી માટે ટી.ડી.એસ. માં રાહત
ભાગીદારોને ચૂકવવામાં આવતા વ્યાજ અને મહેનતાણા પર ટી.ડી.એસ. ની જોગવાઈ દૂર કરવી જોઈએ. કારણ કે હિસાબો પૂરા થયા પછી (જુલાઈ/ઓક્ટોબરમાં) જ રકમ નક્કી થાય છે, જ્યારે ટી.ડી.એસ. મે મહિના સુધીમાં ભરવાનો હોય છે. ભાગીદારોની વિગતો આવકવેરા વિભાગ પાસે હોવાથી કરચોરીની શક્યતા રહેતી નથી.
પરોક્ષ કરમાં પારદર્શિતા
પરોક્ષ કરમાં ઓડિટ અને અપીલ પ્રક્રિયાને ‘ફેસલેસ' બનાવી પારદર્શિતા લાવવી જોઈએ. ઉપરાંત, વિવાદિત માંગ સામે કરદાતાએ જે ટેક્સ ભર્યો હોય અને જો તે અપીલ જીતી જાય, તો રિફંડ મળતી વખતે તે રકમ પર વ્યાજ ચૂકવવાની પણ ચોક્કસ જોગવાઈ કરવી જોઈએ.
આ ઉપરાંત પણ અનેક મહત્વના સૂચનો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તેમ એક અખબારી યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્બરના માનદ સહમંત્રીશ્રી જગદીશભાઈ સોની તથા નિયામકશ્રી અશોકભાઈ સુરેલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
(2:47 PM IST)










