News of Friday, 23rd January 2026
પેડક રોડ પ્રમુખ આર્કેડ પાસે ‘હિટ એન્ડ રન': મુંબઇથી આવેલા કલ્પેશ નેપાળીનું મોત
રાજકોટ ભાઇના ઘરે આવ્યો હતોઃ રાતે ભાઇ જ્યાં કામ કરે છે ત્યાંથી ચાલીને જતો હતો ત્યારે બાઇકચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ માસુમ દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૩: સામા કાંઠે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં નેપાળથી ચાર દિવસ પહેલા જ રાજકોટ રહેતાં નાના ભાઇના ઘરે તેને મળવા આવેલો નેપાળી યુવાન ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો બાઇકચાલક ઠોકરે લઇઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મુળ નેપાળનો અને હાલ મુંબઇ હોટેલમાં રહી નોકરી કરતો કલ્પેશભાઇ હિમ્મતભાઇ વિશ્વકર્મા (ઉ.વ.૩૦) નામનો યુવાન રાતે પેડક રોડ પ્રમુખ સ્વામી આર્કેડ પાસે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો બાઇકચાલક ઠોકર મારી ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર કલ્પેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. ચારેક દિવસ પહેલા તે મુંબઇથી રાજકોટ આવ્યો હતો. તેનો ભાઇ રણછોડનગર વિસ્તારમાં રહેતો હોઇ તેને મળવા આવ્યો હતો. રાતે તેનો ભાઇ અરૂણ પેડક રોડ પર પંજાબી ચાઇનીઝના ફૂડ સ્ટોલ પર હતો તેને મળીને ચાલીને રણછોડનગરમાં ભાઇના ઘરે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
ઘટનાની જાણ થતાં નેપાળી સમાજના રાજકોટના સામાજીક કાર્યકર સંજભાઇ કારકી સહિતના હોસ્પિટલે પહોંચ્યા હતાં અને મૃતકના પરિવારજનોને મદદરૂપ થયા હતાં. મૃત્યુ પામનાર કલ્પેશભાઇ પણ નેપાળી સમાજમાં કાર્યકર તરીકે નામના ધરાવતો હતો. આ બનાવથી પરિવારજનો, સમાજનમાં શોક છવાઇ ગયો છે.
(3:38 PM IST)










