<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

મારવાડી યુનિવર્સિટીમાં 'યંગ ઇનોવેટર્સ એક્સ્પો ૨૦૨૬' સંપન્ન: ૨૬૯ વિદ્યાર્થીઓએ ૧૪૦ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા

રાજકોટ, મોરબી, ગોંડલના વિદ્યાર્થીઓએ સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો

રાજકોટ: તાજેતરમાં મારવાડી યુનિવર્સિટી ખાતે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીએસટી)ના સહયોગથી ‘યંગ ઇનોવેટર્સ એક્સ્પો ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સ્પોનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા, નવોચ્ચ વિચારધારા અને વૈજ્ઞાનિક અભિગમને એક સશક્ત મંચ પૂરો પાડવાનો હતો. આ મેગા ઈવેન્ટમાં રાજકોટ, મોરબી અને ગોંડલ પંથકની આશરે ૨૫ જેટલી નામાંકિત શાળાઓના ૨૬૯ વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. બાળ વૈજ્ઞાનિકો દ્વારા સમાજ અને પર્યાવરણને સ્પર્શતી વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ સ્વરૂપે ૧૪૦થી વધુ અનોખા અને સર્જનાત્મક મોડેલ્સ તથા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) શ્રી દીક્ષિત એચ. પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મારવાડી યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર ડૉ. આર. બી. જાડેજા, પ્રો-વીસી ડૉ. સંજીત સિંઘ તથા એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શ્રી નરેશ જાડેજા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

 

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ જ્ઞાનસત્રનું પણ આયોજન કરાયું હતું. જેમાં એનોબલ આઈપીના એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી કરણ પુરીએ "આઈપીઆર  મારફતે ટેકનોલોજીનો ઉપયોગ" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આ ઉપરાંત સાયન્સ કોમ્યુનિકેટર શ્રી છત્રશાલ બારોટે ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતોને રમતા-રમતા શીખવતું રસપ્રદ પ્રદર્શન રજૂ કર્યું હતું.

નિષ્ણાત જ્યુરી દ્વારા પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેના અંતે નીચે મુજબના વિજેતાઓ જાહેર કરાયા હતા:

 * પ્રથમ ક્રમ: સાકેત ગણાત્રા અને રોહન પિનારા (સેન્ટ પોલ્સ સ્કૂલ) * દ્વિતીય ક્રમ: ઉત્સવ પટેલ (સેન્ટ પોલ્સ સ્કૂલ) * તૃતીય ક્રમ: વિશ્વ જાલુ અને પરમ મહેતા (ધોળકિયા સ્કૂલ). આ ઉપરાંત સોશિયલ ઈમ્પેક્ટ, સસ્ટેનેબિલિટી, ગ્રીન ઇનોવેશન, ફ્રુગલ એન્જિનિયરિંગ અને ડિજિટલ સોલ્યુશન્સ જેવી ૧૦ અલગ-અલગ કેટેગરીમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા.

સમાપન સમારોહમાં રાજકોટ રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત વ્યાસ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે આ એક્સ્પો હવે સૌરાષ્ટ્રમાં સ્કૂલ લેવલે ઇનોવેશન માટેનું ટ્રેન્ડ-સેટિંગ પ્લેટફોર્મ બની ગયું છે. અંતમાં યુનિવર્સિટીના ટ્રસ્ટી શ્રી ધ્રુવ મારવાડી અને ભારત સરકારના ડીએસટી વિભાગનો આર્થિક સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉદ્ઘાટન રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) દિક્ષિત એચ. પટેલના હસ્તે થયું: રાજકોટ રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત વ્યાસ, મારવાડી યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર ડૉ. આર. બી. જાડેજા, પ્રો-વીસી ડૉ. સંજીત સિંઘ તથા એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શ્રી નરેશ જાડેજાની ઉપસ્થિતી

(11:56 AM IST)