News of Saturday, 24th January 2026
શું આપે મિલ્કત વેરો ભરપાઇ કર્યો? મનપાએ ઠેર ઠેર હોર્ડીંગ બોર્ડ લગાવ્યા : જુઓ વિડિયો
મિલ્કત વેરો ભરો નહી તો નળ કટ, સિલીંગ, હરરાજી, જપ્તી સહિતની કાર્યવાહી થશેઃ ૧૧૧૭૧ બાકી મિલ્કત ધારકોને નોટીસ આપતું તંત્ર

રાજકોટ, તા.,૨૪ : મુખ્ય આવકનોસ્ત્રોત એવી વેરા વિભાગ દ્વારા વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવામાં હવે બે માસનો સમય હોય બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહીની સાથોસાથ વેરો ન ભરપાઇ કરનાર શહેરમાં ર્હોડિંગ્સ બોર્ડસ લગાવી વેરો ભરપાઇ નહીં થાય તો નળ કનેકશન કપાઇ જશે તેવી ચેતવણી ઉચ્ચારી બાકીદારોને ઢંઢોળવાનો પ્રયાસ ફરી વખત કરવામાં આવ્યો છે અને સાથોસાથ ૧૧૧૭૧ મિલ્કત ધારકોને સીલીંગ અને જપ્તી સહિતની નોટિસ ફટકારી આગામી દિવસોમાં તેમની વિરૂધ્ધ પગલા લેવામાં આવશે. તેમ મનપાના સુત્રોએ જણાવ્યું હતું.
મનપાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો ચાલુ વર્ષનો રૂા.૪૫૪ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બાકી દારો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૧ લાખથી વધુ જૂના બાકી દારોને નોટિસ આપવાનુ પ્રારંભ કરી અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ રકમ બાકી હોય તેવા ૧૧૧૭૧ મિલ્કત ધારકો રૂબરૂ નોટીસ આપી સમય મર્યાદામાં વેરો ભરપાઇ કરવાની સૂચના આપી છે. જે પૈકી ૬૬૫ બાકી દારોને મિલકત જપ્તી અંગે નોટીસ ફટકારવામાં આવી હોવાનું અને બાકીદારોના નામ વેબસાઇટ ઉપર મુકી જાહેરમાં બોર્ડ ઉપર છેલી ચેતવણી આપવામાં આવી છે.
મનપાના વેરા વિભાગ દ્વારા વર્ષના પ્રારંભે વળતર યોજના અતર્ગત બે લાખથી વધુ પ્રમાણિક કરદાઓ પાસેથી વેરા વસુલાત કરી છે. ત્યાર બાદ બાકી રહી ગયેલા ૩૦ હજારથી વધુ કરદાતાઓએ વેરો ભરપાઇ કરતા મનપાની આજ સુધીની આવક રૂા.૩૦૦ કરોડને પાર થઇ ગઇ છે. મનપાની હદમાં આવતી અંદાજે ૫.૩૦ લાખ મિલકતો પૈકી અડધોઅડધ મિલકત ધારકોનો વેરો બાકી હોય વેરા વિભાગે પોસ્ટ મારફતે બિલ-કમ-ડિમાન્ડ નોટીસ પાઠવ્યા બાદ હવે મિલકત જપ્તી તેમજ સીલીંગ સહિતની કામગીરી હાથ ધરવા બાકી દારોનુ લીસ્ટ તૈયાર કરી તમામને ઘરે જઇને નોટીસની બજવણી કરવામાં આવી છે. ત્રણેયઝોનના ૧૮ વોર્ડમાં આવેલ કોમર્શિયલ અને રહેણાંકની મિલકતો કે, જેમનો રૂા.૫૦ હજારથી વધુ વેરો બાકી હોય તેવા ૧૧૧૭૧ મિલકત ધારકોને નોટીસ આપવામાં આવી છે. તેવી જ રીતે અગાઉ ડિમાન્ડ નોટીસ અપાઇ ચૂકી હોય અને આજસુધી વેરો ભરપાઇ ન કર્યો હોય તેવા ૬૬૫ મિલકત ધારકોને જપ્તીની નોટીસ આપવામાં આવી છે.
(3:02 PM IST)










