હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી એઇમ્સ રાજકોટની ઐતિહાસિક સિદ્ધિઃ હાડકાના દુર્લભ કેન્સરની જટિલ સર્જરી દ્વારા ૭૩ વર્ષીય વૃદ્ધનો પગ બચાવ્યો
જામનગરના દર્દી પર લિમ્બ-સેલ્વેજ મેગા પ્રોસ્ટેસિસ સર્જરી સફળઃ ૧૦ નિષ્ણાત ડોક્ટરોની ટીમે જહેમત ઉઠાવી : એઇમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર ડો. એલ. એન. દોરૈરાજન, ડેપ્યુટી ડાયરેક્ટર લેફટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહ અને મેડિકલ સુપ્રિડેન્ટ પ્રોફેસર ડો. પિંકી સાહુએ સમગ્ર ટીમનો વાંસો થાબડયો

રાજકોટઃ એઇમ્સ રાજકોટે તબીબી ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. હોસ્પિટલની નિષ્ણાત ટીમે હાડકાના અત્યંત દુર્લભ ગણાતા કેન્સરની સફળ સર્જરી કરીને ૭૩ વર્ષીય વૃદ્ધને નવું જીવન બક્ષ્યું છે. એઇમ્સ રાજકોટ ખાતે કરવામાં આવેલી આ પ્રથમ મેગા પ્રોસ્ટેસિસ રિપ્લેસમેન્ટ સર્જરી છે, જે સામાન્ય રીતે દેશના પસંદગીના કેન્સર કેન્દ્રોમાં જ થતી હોય છે.
જામનગરના રહેવાસી એક ૭૩ વર્ષીય દર્દી ઘૂંટણમાં અસહ્ય દુખાવો અને પગ પર વજન ન મૂકી શકવાની તકલીફ સાથે એઇમ્સ રાજકોટની ઓ.પી.ડી.માં આવ્યા હતા. તપાસ દરમિયાન નિદાન થયું હતું કે તેમને પગના હાડકાનું અત્યંત દુર્લભ કેન્સર છે. તેમને પ્રોક્સિમલ ટિબિયા (પગનું ઉપરનું હાડકું)નું 'પ્રાઇમરી નોન-હોજાકિન્સ લિમ્ફોમા' હતું અને તેના કારણે પેથોલોજિકલ ફ્રેક્ચર પણ થયું હતું.
સારવાર અને જટિલ સર્જરીઃ નિદાન બાદ પ્રથમ તબક્કામાં દર્દીને કીમોથેરાપી આપવામાં આવી હતી. કીમોથેરાપી પૂર્ણ થયા બાદ, તારીખ ૧૬ જાન્યુઆરીના રોજ ૧૦ ડોક્ટરો અને સ્ટાફની ટીમ દ્વારા લિમ્બ-સેલ્વેજ સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ સર્જરીમાં કેન્સરગ્રસ્ત હાડકાનો ભાગ દૂર કરી તેની જગ્યાએ મેગા પ્રોસ્ટેસિસ મૂકવામાં આવ્યું હતું. આ પદ્ધતિ સામાન્ય ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરતા તદ્દન અલગ અને પડકારજનક હોય છે. સર્જરી બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.
સર્જરી કરનાર નિષ્ણાત ટીમઃ આ સફળ ઓપરેશનમાં ઓર્થોપેડિક ઓન્કો સર્જન ડો. અક્ષત ગુપ્તા, ઓર્થોપેડિક સર્જન ડો. રવિ કુમાર અને ડો. અભિષેક કુમાર મિશ્રા, પ્લાસ્ટિક સર્જન ડો. નૂપુર અગ્રવાલ તથા એનેસ્થેટિસ્ટ ડો. સુમિત બંસલ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ જટિલ કેસમાં સફળતા બદલ એઇમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર ડો. એલ. એન. દોરૈરાજન, ડેપ્યુટી ડાયરેક્ટર લેફટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિહ અને મેડિકલ સુપ્રિડેન્ટ પ્રોફેસર ડો. પિકી સાહુએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.










