<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

દિકરીની જાન વળાવે અને દિકરાની જાન જોડીને જાય એ પહેલા પિતા દાનાભાઇ મેઘાણીનું હૃદય બેસી જતાં મોત

જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઇ સમજા નહિ કોઇ જાના નહિ... : કુવાડવાના સાતડા ગામની કરૂણ ઘટનાઃ લગ્નપ્રસંગની ખુશી શોકમાં પરિણમીઃ સાદાઇથી પ્રસંગ આટોપી લેવાયો

રાજકોટ તા. ૨૪: જિંદગીની સફરનો અંત ગમે ત્‍યારે ગમે ત્‍યાં અને ગમે તે રીતે આવી જતો હોય છે. આવી જ એક ઘટના બની છે. જેમાં કુવાડવા તાબેના સાતડા ગામે એક ખેડુત પ્રોૈઢનું હૃદય બેસી જવાથી મૃત્‍યુ થયું છે. કરૂણતા એ છે કે દિકરીની જાનનું સ્‍વાગત કરી લગ્નવિધી બાદ જાન વળાવે અને બીજા દિવસે દિકરાની જાન જોડીને તેઓ જાય એના આગલા દિવસે જ આ ઘટના બની હતી. પરિવારજનોની લગ્નની ખુશી શોકમાં પલ્‍ટાઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ સાતડા ગામે રહેતાં દાનાભાઇ નાથાભાઇ મેઘાણી (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ રાતે ઘરમાં હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ચાલુ થતાં બેભાન થઇ ઢળી પડતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરતુ તેમનું મૃત્‍યુ થતાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ મારફત એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ જી. કે. રાઠવા સહિતે હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર દાનાભાઇ ચા રભાઇ અને ત્રણ બહેનમાં પાંચમા ક્રમે હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્રી છે. કરૂણતા એ છે કે તેમના દિકરા-દિકરીના લગ્નના આગલા દિવસે જ તેમનું મૃત્‍યુ થયું છે. આજે એટલે કે શનીવારે દિકરીની જાન આવવાની હતી, અને રવિવારે દિકરાની જાન પરણવા જવાની હતી. આ માટેની તમામ તૈયારીઓ થઇ ચુકી હતી અને પરિવારમાં દિકરા-દિકરીના લગ્નને લઇને અત્‍યંત ખુશીનો માહોલ હતો. પરંતુ કુદરતે કંઇક જુદુ જ વિચાર્યુ હોય તેમ દિકરીની જાનને વળાવે અને દિકરાની જાન જોડીને જાય એ પહેલા જ ખેડુત પ્રોૈઢનું હૃદય બેસી જવાથી મોત થતાં પરિવારમાં અને ગામમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(2:34 PM IST)