<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

'પેન્શન નિવૃતી કાર્ડ' બનાવી દેવાના નામે બેંક ઓફ બરોડાના નિવૃત ઓફિસર સાથેે ૧૫.૯૯ લાખની ઠગાઇ

યુનિવર્સિટી રોડ પર રહેતાં ૭૨ વર્ષિય હસમુખભાઇએ ફેસબૂકમાં બીઓબીની લિંક જોઇ ઓપન કરી ને ફસાયા લિંક પર એપ્લાય કરતાં જ વિડીયો કોલ આવ્યો અને ગઠીયાએ કળા કરી લીધીઃ નકલી ફેસબૂક લિંકના ધારક અને જેમાં પૈસા ગયા તે એકાઉન્ટસના ધારકો સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો નોંધાયોઃ પીઆઇ બી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૪: સાયબર ફ્રોડની વધુ એક ઘટના શહેરમાં બની છે. જેમાં યુનિવર્સિટી રોડ પર રહેતાં નિવૃત બેંક અધિકારીને ફેસબૂક પર બેંક ઓફ બરોડાની નકલી લિંક થકી પેન્શન રીટાયર્ડમેન્ટ કાર્ડ બનાવી આપવાના નામે તેમને વિડીયો કોલ કરી બેંકની, એકાઉન્ટ્સની વિગતો મેળવી તેમનો ફોન બ્લોક કરી દઇ અલગ અલગ  ટ્રાન્જેકશન મારફત રૂ. ૧૫,૯૯,૦૦૮ ઉપાડી લેવાયા છે.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે યુનિવર્સિટી રોડ પર પદ્મનાભ ટાવરની પાછળ મિલાપનગર પાસે ગુલમહોર સોસાયટી-૧માં રહેતાં દેનાબેંક (હાલ બેંક ઓફ બરોડા)ના નિવૃત સ્કેલ વન ઓફિસર હસમુખભાઇ ભગવાનજીભાઇ ગણાત્રા (ઉ.વ.૭૨)ની ફરિયાદ પરથી ફેસબૂકની આઇડીના એક ધારક, ઇન્ડસલેન્ડ બેંકના ખાતાધારક અને અન્ય એક રેઝરપે એકાઉન્ટના ધારક સામે ગુનો નોંધ્યો છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું  પરીવાર સાથે રહુ છુ અને નિવૃત જીવન જીવુ છું. તા. ૬/૧૧/૨૫ના રોજ હું મારા ફેસબુક ઉપર સર્ફીંગ કરી રહ્યો હતો ત્યારે મને ફેસબુક પર બેન્ક ઓફ બરોડાના નામથી એક પેઇજ જોવા મળતાં મેં તેની યુઆરએલ લિંક ઓપન કરી હતી. જેમા બેંક ઓફ બરોડા-પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવા માટેનું ફોર્મ હતું. હું દેના બેંકમાં નોકરી કરી નીવૃત થયેલ એ પછી દેનાબેંક બેંક ઓફ બરોડા બેંકમાં મર્જ થયેલ હોઇ મેં તેમાં આવેલા એપ્લાઇ બટન પર કલીક કર્યુ હતું.

આ પછી આશરે એકાદ કલાક પછી મને અજાણ્યા મોબાઇલ નંબર પરથી વ્હોટ્સએપમાં વિડીયો કોલ આવ્યો હતો. જે મેં રિસીવ કર્યો હતો. જો કે આ વિડીયો કોલમાં સામેવાળાનો માત્ર બેંક ોઅફ બરોડોનો લોગો જ દેખાતો હતો.

તેણે મને કાર્ડ બનાવવા માટે મેં  ફેસબૂકની લિંકમાં એપ્લાય કરેલું તેની વિગતો આપવાનું કહેતાં મેં મારું પેન્જશ જે બેંકમાં જમા થાય છે તે બેંકના એકાઉન્ટ નંબર, તે બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર આપ્યા હતાં. તેમજ મારું એડ્રેસ વેરીફાય કરાયું હતું. આ દરમિયાન લગભગ અડધો કલાક જેટલો સમય સુધી વિડીયો કોલ ચાલુ રહ્યો હતો. આ પછી મને કહેલું કે-તમારું કાર્ડ જનરેટ થઇ રહ્યું છે. ત્યારબાદ ફોન કટ થઇ ગયેલ અને મે મારો ફોન ચેક કરતા તે લોક થઇ ગયો હતો અને ઓપન થતો નહોતો.

આથી હું  મારો ફોન લઇને સેમસંગ કેરમાં ગયો હતો અને ફોન ફોર્મેટ કરાવ્યો હતો. જેથી અન્ય તમામ માહીતી મારા ફોનમાથી ડીલીટ થઇ ગઇ હતી. ત્યારબાદ મને બીજા દિવસે જાણવા મળેલ કે મારા બે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્જેકશન થઇ ગયા છે. જેમાં નીચે મુજબના ટ્રાન્જેકશન મારી જાણ વગર થયેલ હતા. જેમાં એક ટ્રાન્ઝેકશન રૂપિયા ૧,૯૯,૦૦૮નું અને અન્ય બે ટ્રાન્ઝેકશન ૧૦ લાખ તથા ૪ લાખના રેઝર-પેમારફતે થયા હતા. આમ કુલ મળી રૂ. ૧૫,૯૯,૦૦૮ રૂપિયા મારા બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતાં.

આથી મારી સાથે સાયબર ફ્રોડ થયાની ખબર પડતાં જ મેં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી વિગત આપી હતી. એ પછી હવે મેં ફયિરાદ દાખલ કરાવી છે. ગઠીયાઓએ બનાવટી લિંક મોકલી પેન્શન રીટાયર્ડ કાર્ડ બનાવડાવવા માટે બેંક ઓફ બરોડાના કર્મચારીની ખોટી ઓળખ આપી મારી જાણ બહાર મારા એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતાં. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. બી. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

(2:48 PM IST)