તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
તમારુ મકાન દબાણમાં આવે છે, અમને વેંચી દો નહિતર પચાવી પાડશું: દક્ષાબેનને પાડોશી નયનાબેનની ધમકી!
પુષ્કરધામ પાસે ભવાનીનગરમાં રહેતાં મહિલાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૪: યુનિવર્સિટી રોડ પર આવેલા પુષ્કરધામ વિસ્તારમાં રહેતાં એક મધ્યમવર્ગીય મહિલાને તેનું પોતાનું મકાન વેચી દેવા માટે મજબુર કરી, ધાકધમકી આપવા મામલે પાડોશી મહિલા વિરૂધ્ધ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાઈ છે.
આ બારામાં યુનિવર્સિટી પોલીસે ભવાનીનગર-૨ રાજધાની બિલ્ડીંગ પાછળ ચામુંડા કૃપા ખાતે રહેતાં ાદક્ષાબેન નીતિનભાઈ જેઠવા (ઉ.વ. ૪૩)ની ફરિયાદ પરથી તેના પડાોશી નયનાબા કરણસિંહ સોલંકી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. દક્ષાબેન પોતાના પતિ અને બે પુત્રો સાથે છેલ્લા ૧૭ વર્ષથી આ મકાનમાં રહે છે. આ મકાન તેમણે વર્ષ ૨૦૦૮માં કાયદેસર દસ્તાવેજથી ખરીદ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૪માં નયનાબા સોલંકીએ દક્ષાબેનના ઘરની બાજુમાં આવેલું ગોપાલભાઈનું મકાન ખરીદ્યું હતું. ત્યારબાદ નયનાબાએ દક્ષાબેનના ઘરે આવીને કહ્યું હતું કે-તમારું મકાન અમારા દબાણમાં આવે છે, એટલે આ મકાન અમને વેચાણથી આપી દો. પરંતુ દક્ષાબેને અમારે અહિ જ રહેવું છે અને અમારે મકાન વેંચવું નથી તેમ કહેતાં નયનાબાએ ઉશ્કેરાઇ જઇ-તમે મકાન વેચી દો નહીંતર અમે આ મકાન પચાવી પાડીશું. અમારી મોટી ઓળખાણો છે, તમે અમારું કંઈ બગાડી શકશો નહીં. તેમ કહી ધમકી દીધી હતી.
આ વિવાદને પગલે અગાઉ નયનાબાએ દક્ષાબેન વિરૂધ્ધ જમીન પચાવી પાડવા બાબતની ખોટી અરજી પોલીસમાં કરી હતી. પણ દક્ષાબેને પોતાના મકાનના અસલ દસ્તાવેજો રજૂ કરતા સત્ય સામે આવ્યું હતું અને બંને પક્ષો વચ્ચે ભવિષ્યમાં અરજીઓ ન કરવા બાબતે સમાધાન થયું હતું. તેમ છતાં, નયનાબાએ ફરીથી ઝઘડાની અરજીઓ કરી અને અવારનવાર દક્ષાબેનના પરિવારને માનસિક રીતે હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.
દક્ષાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી મહેનત કરી પોતાના પરિવાર સાથે આ મકાનમાં શાંતિથી રહે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નયનાબા દ્વારા આપવામાં આવતી ધમકીઓને કારણે તેમનો આખો પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવીને અને 'મોટી પહોંચ ધરાવતા વ્યકિત' હોવાનો રોફ જમાવીને નયનાબા મકાન ખાલી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. દક્ષાબેને સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે વર્ષ ૨૦૦૮ના ખરીદ વેચાણના પાકા દસ્તાવેજો હોવા છતાં માત્ર મકાન પડાવી લેવાના ઈરાદે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં પીએસઆઇ બી. એસ. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:51 PM IST)










