<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

રેલવે સ્‍ટેશન પર ટ્રેનમાંથી મુસાફરની ૨૭,૩૦૦ની મત્તા સાથેની બેગ ચોરાઇ

પરિવારના સભ્‍યો સુતા હતા અને પ્રૌઢ વોશરૂમ જતા ગઠીયો બેગ ઉઠાવી ગયો

રાજકોટ, તા. ર૪ :  રેલવે સ્‍ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારના સામાનમાંથી કોઈ અજાણ્‍યો શખસ બેગ ચોરી કરી ગયો હતો. જે બેગમાં રોકડ રૂપિયા ૨૦,૦૦૦, ઘડિયાળ અને કપડાં સહિત કુલ રૂપિયા ૨૭,૩૦૦ હોય જે ચોરી કરી ગયા અંગે રેલવે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કેશોદમાં માંગરોળ રોડ પર પીપળીયાનગરમાં રહેતા મહેન્‍દ્રભાઈ શામજીભાઈ વણપરિયા (ઉ.વ. ૫૮) નામના પ્રૌઢે રેલવે પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેઓ ગત તા. ૨૦/૧/૨૦૨૬ ના સૌરાષ્‍ટ્ર જનતા એક્‍સપ્રેસ ટ્રેનમાં પરિવાર સાથે કોચ નંબર એ-ટુ માં સુરતથી કેશોદ આવવા માટે સુરત રેલ્‍વે સ્‍ટેશન પરથી સાંજના ૦૫:૪૫ વાગ્‍યા આસપાસ ટ્રેનમાં બેસી મુસાફરી કરતા હતા. તા. ૨૧/૧ ના સવારે ૧૦ વાગ્‍યા આસપાસ રાજકોટ રેલવે સ્‍ટેશન ખાતે ટ્રેન પહોંચતા તેમના પરિવારના સભ્‍યો સુતા હોય અને તેઓ રાજકોટ રેલવે સ્‍ટેશન આવતા વોશરૂમ માટે ગયા હતા અને થોડીવારમાં પરત આવીને મુસાફરી દરમિયાન સાથે રહેલા તેમનો સામાન જે રિઝર્વેશન સીટ નીચે રાખ્‍યો હતો તે ચેક કરતા એક લાલ કલરની બેગ જોવા મળી નહીં.

બાદમાં ટ્રેનના કોચમાં તપાસ કરતા અને અન્‍ય મુસાફરોને આ બેગ બાબતે પૂછતા એક મુસાફરે જણાવ્‍યું હતું કે, હમણાં જ એક શખસ તમે કહો છો તેવું બેગ લઈને જતાં મેં જોયો હતો તેવું જણાવ્‍યું હતું. આ બેગમાં લેડીઝ કપડા તથા ટાઇટન કંપનીની કાંડા ઘડિયાળ કિં.રૂ. ૨૮૦૦ અને બેગમાં રાખેલ રોકડ રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨૭,૩૦૦ ની મત્તા સાથેની આ બે ટ્રેનમાંથી કોઈ અજાણ્‍યો શખસ ચોરી કરી ગયો હતો. જે અંગે તેમણે રેલવે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:41 PM IST)