<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

નિધિ સ્‍કૂલ દ્વારા પ્રજાસત્તાક પર્વે ‘વિરાંજલી યાત્રા'

૧૧ કારમાં બાળકો દેશભક્‍તોની વેશભૂષા સાથે જોડાશે : સવારે ધ્‍વજવંદન બાદ પ્રસ્‍થાન

રાજકોટ, તા. ર૪ : શહેરમાં આવેલ નિધિ સ્‍કુલમાં આગામી ર૬મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે પરીન કિયા મોટર્સના ઉપક્રમે કાર રેલી ‘‘વિરાંજલી યાત્રા'' સ્‍કુલ તરફથી વિસરાયેલા વીરોને યાદ કરવા માટે સવારે ૯:૩૦ કલાકે રાખવામાં આવેલ છે.

આ પૂર્વે સૌ પ્રથમ સવારે ૯ કલાકે સ્‍કુલના ચેરમેન શ્રીમતી સજ્જનબા સિંધુભા ચુડાસમાના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવશે. ત્‍યારબાદ ભારત માતાનું પૂજન કરવામાં આવશે. ત્‍યારબાદ દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદ વીરો જેમકે મહાત્‍મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, ડો. ભીમરાવ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, શહીદ વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રાણી લક્ષ્મીબાઇ, વીર સાવરકર, ડો. કેશવ બલિરામ, હેડગેવારજી, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, લાલ બહાદુર શાષાી, સરદારસિંહ રાણા, શ્‍યામજીકૃષ્‍ણ વર્મા વિગેરે દેશભકતોએ આપેલ બલિદાન વિસરાય ન જાય તેના અનુસંધાને એક કાર રેલી પરિન કિયા મોટર્સના સહયોગથી એટલે કે ‘‘વિરાંજલી યાત્રા'' સ્‍કુલના વિદ્યાર્થી ભાઇ બહેનો દ્વારા આ દેશભકતોના પહેરવેશ પહેરી તેઓની યાદ અપાવશે.

આ યાત્રા નિધિ સ્‍કુલથી પ્રસ્‍થાન કરી ભારતી નગર, મોચી નગર, શ્‍યામ નગર, અક્ષર નગર મેઇન રોડ, ૮૦ ફૂટ રોડ, સત્‍યનારાયણ નગર મેઇન રોડ, શાહ નગર, જીવંતિકા ચોક, એસ.કે. ચોક, ગોકુલ પાન  ચોક, નાણાંવટી ચોક, સંતોષ પાર્ક મેઇન રોડ, શાંતિનગર, રૈયાધાર મેઇન રોડ, શાષાી નગર, અયોધ્‍યા ચોક, શીતલપાર્ક ચોક, શીતલ પાર્ક મેઇન રોડ થઇ પરત સ્‍કુલ પર આવશે.

વોર્ડ નં. ૧ ના ગાંધીગ્રામ વિસ્‍તારમાં આશરે ૯ કિલોમીટરમાં કાર રેલી યોજવામાં આવશે. તેમાં સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ ધાર્મિક સંસ્‍થાના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી આ રેલીને પ્રસ્‍થાન કરાવશે. આ કાર રેલીમાં કાર માટેનો સહયોગ પરીન કિયા મોટર્સના રાજદીપસિંહ જાડેજા દ્વારા મળેલ છે.

આ વીરાંજલી યાત્રાને સફળ બનાવવા સ્‍કુલના મેનેજીંગ ટ્રસ્‍ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્‍ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્‍સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્‍કુલનો સમગ્ર શિક્ષકગણ જહેમત ઉઠાવી રહેલ છે. આ મુલાકાતમાં અભિષેક કુમાર, અવિનાશ કુમાર, સુનાર રેશનલ, વિશ્વરાજસિંહ તોમાર ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(3:31 PM IST)