<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

પ્રજાસત્તાક પર્વ પર રાજકોટ પોલીસનું ગૌરવ વધ્યું: રાજકોટ શહેર સાયબર સેલ પીએસઆઇ ક્રિપાલસિંહ રાણાને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત

​રાજકોટ:  પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોલીસ દળમાં નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર પોલીસના સાયબર સેલમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. ક્રિપાલસિંહ જીલુભા રાણાના નામની જાહેરાત થતા રાજકોટ પોલીસનું ગૌરવ વધ્યું છે.

​વતન અને કારકિર્દીની સફર

​મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ભેસજાળ ગામના વતની ક્રિપાલસિંહ રાણા વર્ષ ૧૯૯૬માં પોલીસ દળમાં ભરતી થયા હતા. તેમની અત્યાર સુધીની કારકિર્દી શિસ્ત અને સમર્પણનો પર્યાય રહી છે. શરૂઆતના વર્ષોમાં રાજકોટ રૂરલના કોમ્પ્યુટર સેલમાં મહત્વની ટેકનિકલ જવાબદારીઓ સંભાળી હતી.

 રાજકોટ આર.આર. સેલમાં પી.એસ.આઈ. એન.એન. ઝાલા સાથે સતત દસ વર્ષ સુધી પ્રશંસનીય ફરજ બજાવી છે. હાલ તેઓ રાજકોટ શહેર પોલીસમાં સાયબર સેલ પી.એસ.આઈ. તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

​માત્ર પોલીસ ફરજમાં જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ તેઓ જાણીતું નામ છે. તેઓ હોકીના અચ્છા ખેલાડી છે. રાજકોટમાં યોજાયેલી પોલીસ હોકી ટૂર્નામેન્ટના સફળ આયોજન પાછળ તેમની આયોજન શક્તિ અને મહેનતનો મોટો ફાળો રહ્યો હતો.

​રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત થતા જ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સાથી કર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમની આ સિદ્ધિથી પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(2:21 PM IST)