તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 27th January 2026
એસ્ટ્રોનના નાલે ફ્રુટ સાથે ૧૦ થડા આગમાં ખાખ
૨૬મી જાન્યુઆરીની વહેલી સવારે ઘટનાઃ મલયભાઇ પોબારી નામના ગ્રાહક પસાર થતાં આગ જોઇ ફ્રુટવાળા રાજેશભાઇને અને ફાયર બ્રિગેડને જાણ કરી : લાખોની નુકસાનીઃ આગ તાપણાના તણખાથી લાગી કે શોર્ટ સરકિટથી તે અંગે તપાસઃ અસામાજીક તત્વોએ આગ લગાડયાની વિગતો સામે આવી નથીઃ તપાસનીશ પીએસઆઇ આર. આર. કોઠીયાઃ ગોૈતમનગર, રૈયાધાર, છોટુનગર ઝૂપડપટ્ટીના દેવીપૂજક પરિવારના લોકો ૨૦ વર્ષથી અહિ ફ્રુટ વેંચે છેઃ આગ કઇ રીતે લાગી તેનાથી અજાણઃ રાજેશભાઇ વઢીયારાની અરજી પરથી પોલીસ તપાસ

એસ્ટ્રોન ચોકના નાલા પાસે ફ્રુટના થડા- લારીઓમાં ૨૬મીઁ જાન્યુઆરીની વહેલી સવારે આગ ભભૂકતાં લાખોની નુકસાની થઇ હતી. આગમાં ૧૦ લારી-થડાઓ સાથે ફ્રુટનો જથ્થો પણ બળીને ખાખ થઇ ગયો હતો. આગથી પંદરેક લાખની નુકસાની થયાનું ફ્રુટના ધંધાર્થીઓએ કહ્યું હતું. તસ્વીરમાં બળીને ખાખ થઇ ગયેલી લારીઓ, થડા, ફ્રુટનો જથ્થો, આગ લાગી તે દ્રશ્ય (સોૈથી નીચે છેલ્લે) તથા ઘટના સ્થળે પહોંચેલા માલવીયાનગરના પીઆઇ આર. આર. કોઠીયા અને સ્ટાફ ધંધાર્થીઓ પાસેથી માહિતી મેળવતા જોઇ શકાય છે. નીચેની પ્રથમ તસ્વીરમાં વિગતો જણાવતાં ફ્રુટના ધંધાર્થી નજરે પડે છે. આગથી કેટલી નુકસાની થઇ તે અન્ય તસ્વીરો પરથી જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૭: શહેરના એસ્ટ્રોન ચોકના નાલા પાસે સરાજા બેકરી નજીક ફ્રુટના થડા- લારીઓમાં ૨૬મી જાન્યુઆરીની વહેલી સવારે આગ ભભૂકી ઉઠતાં ૧૦ ફ્રુટના થડા-લારીઓ બળીને ખાખ થઇ ગયા હતાં અને સાથે ફ્રુટનો મોટો જથ્થો પણ બળી ગયો હતો. બે દાયકાથી અહિ ફ્રુટનો ધંધો કરતાં ગોૈતમનગર, રૈયાધાર, છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં દેવીપૂજક પરિવારના લોકો આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આગથી પંદરેક લાખની નુકસાની થયાનું તેમણે કહ્યું હતું. આગ અસમાજીક તત્વોએ લગાડયાની વાતો વહેતી થઇ હતી. પરંતુ માલવીયાનગર પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ આવુ કંઇ બન્યાનું સામે આવ્યું નથી. આગ તાપણાના તણખાથી લાગી કે વિજ શોર્ટ સરકીટથી લાગી? તેની તપાસ થઇ રહી છે. સીસીટીવી ફૂટેજમાં પણ કંઇ શંકાસ્પદ જોવા મળ્યું નથી.
જાણવા મળ્યા મુજબ એસ્ટ્રોનના નાલા સોમવારે છવ્વીસમીએ વહેલી સવારે ફ્રુટની લારીઓ-થડામાં આગ લાગતાં ફાયર બ્રિગેડના બંબા પહોંચ્યા હતાં અને આગને કાબુમાં લીધી હતી. આગથી લારીઓ, ફ્રુટનો જથ્થો બળી જતાં મોટી નુકસાની થઇ હતી. આગમાં જે ૧૦ ફ્રુટના ધંધાર્થીઓના થડા-લારીઓ અને સાથે ફ્રુટનો જથ્થો બળી ગયા છે તેમાં અક્ષર માર્ગ પાસે મોદી સ્કૂલ નજીક ગોૈતમનગરમાં રહેતાં રાજેશભાઇ રમેશભાઇ વઢીયારા, શોભનાબેન રાજશેભાઇ વઢીયારા, અશોકભાઇ છગનભાઇ વઢીયારા, આશાબેન અશોકભાઇ વઢીયારા, છોટુનગર પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં ભરતભાઇ રાજુભાઇ કુંવરીયા, સોનાબેન ભરતભાઇ કુંવરીયા, રાજુભાઇ શંકરભાઇ વઢીયારા, અશોકભાઇ રાજુભાઇ કુંવરીયા, રૈયાધારના ભરતભાઇ ડાયાભાઇ ગુજરવાડીયા અને વિજયભાઇ તુલસીભાઇ વઢીયારાનો સમાવેશ થાય છે.
આ પૈકીના ગોૈતમનગરમાં રહેતાં ફ્રુટના ધંધાર્થી રાજેશભાઇ વઢીયારાએ જણાવ્યું હતું કે અમે એસ્ટ્રોનના નાલા નજીક વીસેક વર્ષથી થડા-લારી રાખી ફ્રુટનો ધંધો કરીએ છીએ. દરરોજ સવારે નવેક વાગ્યે ફ્રુટ વેંચવાનું ચાલુ કરીએ છીએ અને રાતે દસ-અગીયાર સુધી ધંધો કરી પછી ફ્રુટ સહિતનો માલ થડા-લારીઓમાં જ મુકીને પેક કરીને ઘરે જતા રહીએ છીએ. ૨૬મી જાન્યુઆરીની સવારે પાંચેક વાગ્યે અમારા ગ્રાહક મલયભાઇ પોબારી કે જે અમારે ત્યાં ફ્રુટ લેવા આવે છે અને મારા ફોન નંબર પણ તેની પાસે છે તેઓ અમારા થડાના રસ્તેથી નીકળ્યા ત્યારે આગ જોતાં જ મને ફોનથી જાણ કરતાં હું તથા બીજા ધંધાર્થીઓ તુરત જ પહોંચી ગયા હતાં.
અમે જોતાં મારા સહિત બીજા નવ લોકોના ફ્રુટના થડા, લારી સળગી ગયા હતાં. સાથે સાથે બધુ ફ્રુટ પણ બળી ગયું હતું. મલયભાઇએ જાણ કરી હોઇ ફાયર બ્રિગેડના બંબા પણ પહોંચી ગયા હતાં અને આગ ઓલવી હતી. આગમાં અમારા બધાની લારીઓ-થડા-ફ્રુટનો મોટો જથ્થો બળી ગયા હતાં. આગ કઇ રીતે લાગી તેની અમને ખબર નથી. અમે આ મામલે માલવીયાનગર પોલીસમાં જાણ કરી અમારી અરજી આપી હતી. આગથી દસથી પંદર લાખની નુકસાની થઇ છે.
દરમિયાન માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. આર. કોઠીયા સહિતે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. એફએસએલની પણ મદદ લીધી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કંઇ શંકાસ્પદ સામે આવ્યું નથી. અહિ દરરોજ તાપણા કરવામાં આવતાં હોઇ બાદમાં તાપણા ઓલવીને જે તે લોકો જતાં રહે છે. કદાચ એકાદ તાપણુ ઓલવવાનું રહી ગયું હોઇ તેમાંથી તણખા ઉડીને નીકળ્યા બાદ આગ લાગી હોઇ શકે. જો કે આ મામલે તપાસ હજુ થઇ રહી છે. કોઇ અસામાજીક તત્વોએ આગ લગાડી હોવાની વિગતો હાલ સામે આવી નથી.
ફાયર બ્રિેગેડ સુત્રોના કહેવા મુજબ મલયભાઇ નામના નાગરિકે એસ્ટ્રોનના નાલા પાસે ફ્રુટના થડાઓમાં આગ લાગી હોવાની જાણ કરતાં બે ફાયર ફાઇટર તાકીદે પહોંચી ગયા હતાં અને લારીઓ, થડાઓમાં લાગેલી આગ બુઝાવી હતી. આગને ગણતરીના સમયમાં કાબુમાં લઇ લીધી હતી. આગમાં કોઇ જાનહાની થઇ નથી. સળગી ગયેલી ફ્રુટની લારી ઉપર ઇલેક્ટ્રીકનો થાંભલો પડયો હતો. આગ એકાદ કલાકે કાબુમાં આવી હતી. આગ બુઝાવવાની કામગીરી ઇમિત્યાઝભાઇ, શક્તિસિંહ, યોગીરાજભાઇ, સાદીકભાઇ, રાહુલભાઇ, દુષ્યંતસિંહ, નરેશભાઇ, શેખરદાન સહિતના સ્ટાફે કરી હતી. (૧૪.૮)
(2:55 PM IST)










