<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

કુબલીયાપરામાં ૧૫ ઝૂપડા આગમાં બળી ગયા

પ્રજાસત્તાક પર્વના દિવસે સવારે આઠેક વાગ્‍યે બનાવથી વિસ્‍તારમાં નાસભાગ મચીઃ જોતજોતામાં આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લીધું : મુખ્‍ય ફાયર સ્‍ટેશન, બેડીપરા, કોઠારીયાનો સ્‍ટાફ આગ ઓલવવામાં કામે લાગ્‍યોઃ તમામ ઘરવખરી, રસોઇની સામગ્રી, કપડા, ગાદલા ગોદડા, ડોક્‍યુમેન્‍ટ બળી ગયાઃ મોટા ભાગના ઝૂપડામાં લોકો હાજર નહોતા

ઝૂપડાઓમાં આગ ભભૂકતાં નાસભાગ મચી ગઇ હતી. બનાવ સ્‍થળે આગના લબકારા, આગ બુઝાવી રહેલા ફાયર બ્રિગેડના જવાનો, લોકોના ટોળા જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭: શહેરના ભાવનગર રોડ પર કુબલીયાપરામાં પ્રજાસત્તાક પર્વની સવારે ઝૂપડાઓમાં આગ ભભૂકતાં નાસભાગ મચી ગઇ હતી. આગમાં ૧૫ ઝૂપડા બળીને ખાખ થઇ ગયા હતાં. મુખ્‍ય ફાયર સ્‍ટેશન તથા અન્‍ય ફાયર સ્‍ટેશનોના જવાનોએ આગને કાબુમાં લીધી હતી. આગમાં ઝૂપડાઓ સાથે ઘરવખરી, કપડા, ગાદલા, ગોદડા, ડોક્‍યુમેન્‍ટ સહિત બળી ગયા હતાં. આગ લાગી ત્‍યારે સદ્‌નસિબે મોટા ભાગના ઝૂપડામાં રહેવાસીઓ હાજર નહોતાં. સુત્રોના કહેવા મુજબ આ ઝૂપડાઓમાં માટે ભાગે સામાન, કપડાઓ રખાય છે. જ્‍યારે લોકો રહેતાં અન્‍ય સ્‍થળે હોય છે. આગનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ કુબલીયાપરામાં સોમવારે સવારે આઠ વાગ્‍યા પછી ભાણજીબાપાના પુલથી કુઇવાળા ચોકની વચ્‍ચે નવા થોરાળા મેઇન રોડ પર આવેલ કુબલીયાપરા ઝૂપડપટ્ટી વિસ્‍તારમાં આગ લાગ્‍યાની જાણ રમેશભાઇ રામજીભાઇ કડસાગરીયાએ કરતાં મુખ્‍ય ફાયર સ્‍ટેશન, બેડીપરા ફાયર સ્‍ટેશન, કોઠારીયા ફાયર સ્‍ટેશનના બંબા સાથે ફાયર બ્રિગેડના અધિકારીઓ, જવાનો તુરત જ પહોંચી ગયા હતાં અને ૯:૩૦ કલાકે આગ કાબુમાં લઇ લીધી હતી. પાંચ ફાયર ટેન્‍કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હતી.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ તમામ ઝૂપડામાં પતરા લાગેલા હોઇ તે દૂર કરીને આગ બુઝાવવાની કામગીરી કરવી પડી હતી. આગમાં ઘરવખરી જેમ કે ગાદલા, ગોદડા, રસોઇ માટેની સામગ્રી, કપડા, ડોક્‍યુમેન્‍ટ સહિત બળી ગયું હતું. આગમાં કોઇ જાનહાની થઇ નથી. આગ લાગવાનું કારણ કે નુકસાની પણ જાણવા મળી નથી. આગમાં ૧૫ ઝૂપડા બળી ગયા છે. આજુબાજુના બીજા ઝૂપડા બચાવી લેવાયા હતાં.

જે ૧૫ ઝૂપડા બળી ગયા છે તેના માલિકોના નામ ગડીબેન અમરભાઇ ચારોલીયા, સાગરભાઇ કડવાભાઇ વાહનેકીયા, કરીબેન જયંતિભાઇ શિહોરીયા, સુનિલભાઇ દિનેશભાઇ વાઘરોલીયા, રવિભાઇ રાજુભાઇ ઉધરેજીયા, જગદીશભાઇ ગોવિંદભાઇ બાલાસરીયા, અશોકભાઇ શીશાભાઇ વાઘરોલીયા, હરેશભાઇ ટીલીભાઇ વાહનેકીયા, સુનિલભાઇ ગોવિંદભાઇ ગુલાબ, લાલજીભાઇ ભીખાભાઇ વાઘરોલીયા, રાજભાઇ જેન્‍તીભાઇ ઉધરેજીયા, મંગીબેન કડવાભાઇ વાહનેકીયા, ભાવનાબેન નરેશભાઇ બરાડીયા, આનંદભાઇ રમેશભાઇ સારોલીયા અને વીર બંસીભાઇ સારોલીયાનો સમાવેશ થાય છે. આગ ઓલવવાની આ કામગીરીમાં બેડીપરા ફાયર સ્‍ટેશનના પંકજભાઇ ટાંક, વિશાલભાઇ પરમાર, કેતન માલકીયા, શૈલેષ ચોૈધરી, મયુર નાકીયા, દર્શન ગોહિલ, ભીખાભાઇ સોલંકી, સુનિલ પટેલ, હિરેન રેથાળીયા, કોઠારીયા સ્‍ટેશનના પી. પી. ચુડાસમા, સંદિપભાઇ કાલીયા, ભરત વંશ, અનિલ સોલંકી, દશરથ લોલાણી, બળદેવ પાધરીયા, સુનિલ સાપરા, યોગેશ સાપરા, અલ્‍પેશ ગોહિલ, પિયુષ વાડલીયા, મુખ્‍ય ફાયર સ્‍ટેશનના દિનેશભાઇ ચાંચીયા, અરવિંદભાઇ ધરજીયા, દેવાભાઇ કરમટા, સંજયભાઇ મકવાણા, હેમતભાઇ ડાંગર, વિશાલ બારૈયા, કાનજી મકવાણા, ધવલસિંહ રાજપૂત, કેતનભાઇ સેનવા, મેહુલ અણીયારા, અશોક કામળીયા સહિત ૩૧નો સ્‍ટાફ જોડાયો હતો.

આગની ઘટનાને પગલે થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ મોહનભાઇ મહેશ્વરી સહિતનો સ્‍ટાફ પણ પહોંચ્‍યો હતો. આગ કઇ રીતે લાગી તે જાણવા તપાસ થઇ રહી છે. કોઇ જાનહાની થઇ નથી. જ્‍યાં આગ લાગી ત્‍યાં એ વખતે મોટે ભાગે કોઇ લોકો હાજર નહોતાં. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્‍તારમાંથી પણ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. (૧૪.૧૦)

 

 

(2:56 PM IST)