News of Tuesday, 27th January 2026
રાજકોટના આશિષ વૈષ્ણવે લવમેરેજ કરતાં જામનગર સ્થિત સસરાની મારી નાંખવાની, તેની બહેનને ઉપાડી જવાની ધમકી
કુરીયર કંપનીમાં કામ કરતાં આશિષે પાંચ વર્ષની રિલેશનશીપ બાદ અંકિતા સાથે લગ્ન કર્યા છેઃ પિતા મિતેશભાઇ ભટ્ટ સાથે તેણીએ જવાની ના પાડતાં મિતેશભાઇએ અલગ અલગ નંબરો પરથી ધમકીઓ ચાલુ કર્યાનો આરોપઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૭: શહેરના મોટા મવા વિસ્તારમાં રહેતાં યુવાને જામનગરની યુવતિ સાથે પાંચ વર્ષની રિલેશનશીપ બાદ રજીસ્ટર મેરેજ કરી લીધા હોઇ જામનગર રહેતાં તેના સસરા તેને સતત અલગ અલગ નંબર પરથી ફોન કરી તેને મારી નાંખવાની અને તેની બહેનનું અપહરણ કરી જવાની ધમકી આપતાં હોઇ તેમજ તેના માતા-ભાઇને પણ ફોન કરી પતાવી દેવાની ધમકી આપતાં હોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ રઘુવીર પાર્ક-૨ મોટા મવા ખાતે રહેતાં આશિષ અલ્પાબેન વૈષ્ણવ (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી જામનગરના મિતેશભાઇ કિશોરભાઇ ભટ્ટ અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે.
આશિષે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પત્નિ અંકિત, ભાઇ સુનિલ, બહેન હેતલ અને માતા અલ્પાબેન સાથે રહુ છું. મારા મમ્મીના મારા પિતા સાથે પંદર વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા છે. હું માધાપર ચોકડી ખાતે બ્લુડાર્ટ કુરીયર કંપનીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરુ છું. છેલ્લા પાંચ વર્ષથી મારે અંકિતા સાથે રીલેશનશીપ હોઇ અમે તા. ૧૫/૧/૨૬ના રોજ નાગપુર ગ્રામ પંચાયત તા. કાલાવડ ખાતે રજીસ્ટર મેરેજ કર્યા છે. લગ્ન બાદ સાતેક દિવસ હું અને અંકિતા સાપુતારા જતા રહ્યા હતાં. ૨૧/૧/૨૬થી અમે પરિવાર સાથે રાજકોટમાં રહીએ છીએ.
આશિષે વધુમાં જણાવ્યું છે કે ૨૦/૧૨ના રોજ હું અંકિતાના ઘરે જામનગર તેના પિતા મિતેશભાઇ કિશોરભાઇ ભટ્ટને મળવા ગયો હતો અને મારા તથા અંકિતાના પ્રેમસંબંધની વાત કરી અમારા લગ્ન માટે સમજાવ્યા હતાં. પણ તેણે મારી સાથે ગાળાગાળી કરી હતી જેથી હું પરત આવી ગયો હતો. એ પછી તે મને અવાર-નવાર ફોન કરી મારી બહેન હેતલને ઘરેથી ઉપાડી અપહરણ કરી જવાની ધમકી આપતાં હતાં. અંકિતાનો ફોન પણ તેણે લઇ લીધો હતો. બાદ અંકિતાએ મારો સંપર્ક કરતાં અને પોતાને લઇ જવાનું કહેતાં હું તેને જામનગરથી લઇ આવ્યો હતો અને નાગપુર ગ્રામ પંચાયત ખાતે રજીસ્ટર મેરેજ કરી સાપુતરા જતાં રહ્યા હતાં.
આ પછી મેં મારા મમ્મીને ફોન કરતાં તેણીએ મને કહેલું કે-તારા સસરા મિતેશભાઇ ઘરે આવી મારી નાખવાની ધમકી આપે છે, જેથી તમે બંને પરત રાજકોટ આવી જાવ. આથી અમે રાજકોટ આવી ગયા હતાં. એ પછી ૨૨/૧/૨૬ના રોજ મિતેશભાઇને હું અને અંકિતા રાજકોટ આવી ગયા છીએ તેની જાણ થતાં તેણે ફરીથી મારા મમ્મી અને મારા ભાઇને ફોન કરી વારંવાર ધમકી આપી હતી કે અંકિતાને પાછી જામનગર મોકલી દો નહિતર આશિષને મારી નાંખશું અને તેની બહેનનું અપહરણ કરી જઇશું. આ પછી ૨૪/૧ના મિતશેભાઇ ભટ્ટ, સાગર માડમ, લાલભાઇ આહિર, રામભાઇ અને તેના ઓળખીતા અંકિતાને મનાવવા રાજકોટ આવ્યા હતાં. પરંતુ અંકિતાએ તેમની સાથે જવાની ના પાડી દીધી હતી. આ પછી મિતેશભાઇ અલગ અલગ નંબર પરથી ફોન કરી મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકી આપે છે. આથી મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં આશિષે કહેતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં એએસઆઇ ડી. સી. જોષીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:40 AM IST)










