<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

રાજકોટના જંગલેશ્વરમાં ૨૦,૦૦૦ નાગરિકોના આવાસ અને રોજીરોટી પર સંકટઃ તોડફોડની .

કાર્યવાહી અટકાવવા ‘ન્‍યાયની પુકાર' ૬ દાયકાથી વસતા ૪,૦૦૦ પરિવારોને પુનઃવસન વગર બેઘર કરવાના પ્રયાસ સામે ઉગ્ર રોષઃ હાઈકોર્ટના આદેશ છતાં તંત્રની ઉદાસીનતા સામે હિન્દુ-મુસ્લિમ ઍકતા સમિતિની ધારદાર રજૂઆત આર્થિક નબળા પરિવારોની વહારે ડો.પુરુષોત્તમ પીપરીયા અને એડવોકેટ રવિ બી. ગોગીયાઃ વિનાસ્‍વાર્થ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્‍ટ આ જટિલ કાનૂની લડત લડી રહ્યા છે

રાજકોટ, તા. ર૭: અહીંના જંગલેશ્વર સોસાયટી, હરિજનવાસ, રાધાકળષ્‍ણ નગર, બુદ્ધ નગર, આહિર વાસ અને નાડોદા સહિતના વિસ્‍તારોમાં છેલ્લા ૬૦ વર્ષથી રહેતા ૨૦,૦૦૦ થી વધુ નાગરિકોના અસ્‍તિત્‍વ પર હાલ ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. પેઢીઓથી અહીં વસવાટ કરતા આશરે ૪,૦૦૦ શ્રમજીવી પરિવારોના આવાસ અને રોજીરોટી છીનવી લેવા માટે તંત્ર દ્વારા શરૂ કરાયેલી તોડફોડની કાર્યવાહી સામે રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવી, પોતાના બંધારણીય હક્કોની રક્ષા માટે સરકાર પાસે ગુહાર લગાવી છે.

પુનઃવસન નીતિ અને હાઈકોર્ટના આદેશનો હવાલોઃ રહેવાસીઓએ કાનૂની પક્ષ રજૂ કરતા જણાવ્‍યું છે કે, નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ પિટિશનોમાં (પીઆઈએલ નંબર ૬૫૨૪/૨૪, એસસીએ નંબર ૧૪૫૧૯/૨૪, એસસીએ નંબર ૯૪/૨૬ અને ૩૬૩/૨૬) સ્‍પષ્ટ આદેશો આપવામાં આવ્‍યા છે. કોર્ટે સરકારની ‘ઝુંપડપટ્ટી પુનઃવસવાટ યોજના' હેઠળ આ કેસને વિચારણામાં લેવા સૂચના આપી છે. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા પુનઃવસન અંગે કોઈ નક્કર નિર્ણય લીધા વિના જ તોડફોડ શરૂ કરવી તે કોર્ટના આદેશની અવજ્ઞા સમાન છે. રહેવાસીઓએ ૧૮-૦૭-૨૦૧૩ ના સરકારી પરિપત્ર મુજબ વૈકલ્‍પિક આવાસ પૂરા પાડવા માંગ કરી છે.

ગરીબોના હક્ક માટે નિઃસ્‍વાર્થ કાનૂની લડતઃ આ કપરા સમયમાં આર્થિક રીતે નબળા પરિવારોની વહારે ડો. પુરુષોત્તમ પીપરીયા અને ખ્‍યાતનામ એડવોકેટ રવિ બી. ગોગીયા આવ્‍યા છે. તેઓ કોઈપણ સ્‍વાર્થ વગર સંપૂર્ણપણે ‘વિનામૂલ્‍યે' (ફ્રી ઓફ કોસ્‍ટ) આ જટિલ કાનૂની લડત લડી રહ્યા છે. આ મહાનુભાવોની મહેનતને કારણે જ હજારો ગરીબોમાં ન્‍યાયની આશા જીવંત રહી છે, જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

સામાજિક એકતા અને શિક્ષણ પર જોખમઃ જંગલેશ્વર વિસ્‍તાર ૬૫ ટકા હિન્‍દુ અને ૩૫ ટકા મુસ્‍લિમ પરિવારોના સહ-અસ્‍તિત્‍વ સાથેનું વિશિષ્ટ માળખું ધરાવે છે. રહેવાસીઓએ જણાવ્‍યું છે કે, જો વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા વગર મકાનો તોડવામાં આવશે તો બાળકોનું શિક્ષણ અટકી જશે અને હજારો લોકો નિરાધાર બની રસ્‍તા પર આવી જશે. મોટાભાગના લોકો છૂટક મજૂરી અને સફાઈ કામ કરીને ગુજરાન ચલાવે છે, જેમના માટે અન્‍ય સ્‍થળે ભાડે રહેવું આર્થિક રીતે અશકય છે.

તંત્રને આખરી રજૂઆત અને માંગણીઓઃ તાજી રજૂઆતમાં રહેવાસીઓએ મુખ્‍ય બે માંગણીઓ મૂકી છે.

૧. જ્‍યાં સુધી માલિકી હક્કનો આખરી નિર્ણય ન આવે ત્‍યાં સુધી કલમ ૬૧ અને ૨૦૨ હેઠળની તોડફોડની કાર્યવાહી તાત્‍કાલિક મોકૂફ રાખવામાં આવે.

૨. સરકારની ‘રહેઠાણ પોલીસી' અને ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) ખરડો-૨૦૨૫' હેઠળ તમામ ૨૦,૦૦૦ લોકોને પુનઃવસન યોજનાનો લાભ આપી આવાસની ફાળવણી કરવામાં આવે.

આઝાદીના ૭૮ વર્ષે પણ ગરીબોને ઘર માટે સંઘર્ષ કરવો પડે તે લોકશાહી માટે ચિંતાનો વિષય છે. રહેવાસીઓએ માનવીય અભિગમ અપનાવી ગરિમાપૂર્ણ જીવન જીવવાના અધિકારની રક્ષા કરવા કલેક્‍ટર અને કોર્પોરેશન તંત્રને નમ્ર વિનંતી કરી છે.

(3:05 PM IST)