તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 27th January 2026
જંગલેશ્વરની ૧ લાખ ચો.મી. જમીન સરકારી સાબીતઃ મામલતદાર અજમેરા
દ્વારા કલમ ૬૧ના હુકમોઃ ઇતિહાસના મોટા મેગા ડિમોલીશનની તૈયારી મામલતદાર ઉપરાંત સર્કલ સત્યમ શેરસીયા-અન્ય ર૦ કર્મચારીઓ તથા પ૦ના પોલીસ સ્ટાફ દ્વારા સવારથી ઘરે ઘરે હુકમો અપાયા કલમ ર૦ર હેઠળ નોટીસો આપી ૭ દિ'માં મકાનો ખાલી કરવા અલ્ટીમેટમઃ ૪ હજાર ઘરો ઉપર બૂલડોઝર ફરી વળશે

રાજકોટ તા. ર૭: રાજકોટ શહેરમાં સરકારી જમીનો પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઇતિહાસની સૌથી મોટી મેગા ડિમોલિશન ડ્રાઇવની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તંત્ર દ્વારા મળતી વિગતો મુજબ, કરોડો રૂપિયાની કિંમત ધરાવતી આશરે ૧ લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવા માટે આગામી દિવસોમાં મોટાપાયે કાર્યવાહી હાથ ધરાશે.
પૂર્વ મામલતદાર કચેરીના સૂત્રોએ ઉમેર્યું હતું કે ૧૩પ૮ લોકોની સૂનાવણી બાદ ૧ લાખ ચો.મી. જમીન સરકારી સાબીત થઇ છે, ૭ દિવસમાં જમીન ખાલી કરવા આદેશ આપી વહીવટી તંત્ર દ્વારા કલમ ૬૧ મુજબ ૨૦૨ હેઠળ નોટિસો ફટકારી દેવામાં આવી છે. તંત્રએ કડક શબ્દોમાં સૂચના આપી છે કે સરકારી જમીન પર જે દબાણો છે તે આગામી ૭ દિવસમાં સ્વેચ્છાએ ખાલી કરી દેવામાં આવે, અન્યથા તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં અંદાજે ૧૩૫૮ જેટલા મકાનો અને અન્ય દબાણોનો સફાયો બોલાવવામાં આવે તેવી શકયતા છે, કૂલ ૪ હજાર ઘરો ઉપર બૂલડોઝર ફરી વળશે.
બીજી તરફ, રાજકોટ મહાનગરપાલિકા એ પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૧,૦૦૦થી વધુ દબાણો આઈડેન્ટીફાઈ કર્યા છે અને તેમને નોટિસ આપવાની તજવીજ શરૂ કરી દીધી છે.
આમ, કુલ મળીને ૧.૮૫ લાખ ચોરસ મીટર જેટલી વિશાળ અને બજાર કિંમતની દ્રષ્ટિએ કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર દબાણ હોવાનું ચોપડે નોંધાયું છે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં તંત્રના બુલડોઝર ગરજે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.
આજે સવારથી જંગલેશ્વરની વિવિધ સોસાયટીઓમાં પૂર્વ વિસ્તારના મામલતદાર અજમેરા, સર્કલ ઓફીસર શ્રી સત્યમ શેરસીયા, અન્ય ર૦ કર્મચારીઓની ટીમો તથા પ૦ જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે કલમ-૬૧ હેઠળ હુકમો આપી દરેકને કલમ-ર૦ર હેઠળ નોટીસો આપી ૭ દિવસમાં મકાનો ખાલી કરી દેવા અલ્ટીમેટમ આપતા સન્નાટો પ્રસરી ગયો છે
(3:31 PM IST)










