તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
રાજકોટમાં ત્રણ બેંક ખાતામાં ફ્રોડના ૭૨ કરોડના ટ્રાન્જેક્શન!
ગાંધીગ્રામ મોચીનગરમાં રહેતાં ‘જોગીકૃપા એન્ટરપ્રાઇઝ' નામની પેઢીના સંચાલક મેૈશરૂ ધ્રાંગીયા વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો : ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અરજીની તપાસમાં બહાર આવી વિગતોઃ મૈશરૂની ‘જોગીકૃપા એન્ટરપ્રાઇઝ' નામની પેઢીના બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, એચડીએફસી બેંકના ખાતાઓમાં થયા હતાં ટ્રાન્જેકશનઃ ૧૯૩૦ પર કુલ ૨૩૯ ફરિયાદો મળી હતીઃ પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ જી. કે. રાઠોડ, કિશોરભાઇ રંગાણીએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૭: શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં અને જોગીકૃપા નામે કોમોડીટીના નામે પેઢી ચલાવતાં શખ્સે કરોડોના સાયબર ક્રાઇમના નાણાની હેરફેર પોતાની પેઢીના એકાઉન્ટ્સ મારફત કરતાં તપાસ શરૂ થઇ છે. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંના મોટા પાયે વ્યવહારો કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રકમ ૭૨ કરોડથી વધુની છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પેઢી દ્વારા વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરી ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું.
આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કોન્સ. કિશોરભાઇ કે. રંગાણીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ મોચીનગર-૬માં રહેતાં જોગીકૃપા એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલક મેૈશરૂ/મૈસુર હીરાભાઇ ધ્રાંગીયા વિરૂધ્ધ બીએનએસની કલમ હેઠળ પોતાની પેઢીના બેંક ઓફ બરોડાના એકાન્ટ, એક્સીસ બેંકના એકાઉન્ટ અને એચડીએફસી બેંકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂા. ૧,૧૭,૧૪૬,૫૧૬ મેળવી આ રૂપિયા સાયબર ફ્રોડના હોવાનું જાણવા છતાં ચેક, એટીએમથી વીડ્રો કરી નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવવાનો ગુનો દાખલ કર્યો છે. આ રકમની ફરિયાદો સાયબર ક્રાઇમના પોર્ટલ પર છે. જ્યારે મશરૂની પેઢીમાં ચાર મહિનાના ગાળામાં અધધધ ૭૨ કરોડ ૯ લાખ ૭૭ હજાર ૩૭૦ના ટ્રાન્જેકશન થયા છે. હાલ આ શખ્સની સાયબર ક્રાઇમ પોલીસે શોધખોળ શરૂ કરી છે.
કિશોરભાઇ રગાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી ફરજમાં અમારે સાયબર ક્રાઇમના ગુના બનતા અટકાવવા તથા સાયબર ફ્રોડથી મેળવેલા નાણાના ટ્રાન્જેક્શન બાબતે તપાસ કરી આવા કોઇ ટ્રાન્જેક્શન થયા હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે. ગત ૧/૯/૨૫ના રોજ જાગૃત નાગરીક દ્વારા એક અરજી આવી હતી. તેની સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તપાસ કરવામાં આવી હતી. જેમાં માલુમ પડયું હતું કે મશરૂ-મૈસુર ધ્રાંગીયાની પેઢીના ત્રણ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જે ટ્રાન્જેક્શન થયા તેની ૨૩૯ ફરીયાદો સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર થઇ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં મુખ્યત્વે ત્રણ બેંકોના ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં એક્સિસ બેંકમાં આશરે રૂા.૨૩.૬૨ કરોડ, બેંક ઓફ બરોડામાં રૂા. ૩૧.૧૮ કરોડ અને એચડીએફસી બેંકમાં રૂા. ૧૭.૨૮ કરોડ મળી કુલ રૂા. ૭૨,૦૯,૭૭,૩૭૦થી વધુના ક્રેડિટ વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ નાણાં સાયબર ફ્રોડ અથવા ચોરી દ્વારા મેળવીને ખાતામાં જમા કરાવ્યા બાદ તેને રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવતા હતા. પોલીસ સ્ટેટમેન્ટ મુજબ, આ તમામ રકમ એપ્રિલ ૨૦૨૫ થી ઓગસ્ટ ૨૦૨૫ ના ગાળા દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. ૭૨ કરોડ ૯ લાખથી વધુના ટ્રાન્જેક્શન આ પેઢીના ત્રણ ખાતામાં થયા હતાં, બાદમાં કેશ વીડ્રો કરવામાં આવ્યાનું બેંક સ્ટેટમેન્ટ પરથી જણાયું હતું. આ નાણા સાયબર ફ્રોડ-ચોરીના હોવા છતાં પેઢી સંચાલકે ઉપાડી લઇ આર્થિક લાભ મેળવ્યો હોઇ ગુનો દાખલ કરાયો છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જોગી કળપા એન્ટરપ્રાઇઝ દ્વારા આચરવામાં આવેલુ આ કૌભાંડ માત્ર રાજકોટ પુરતું મર્યાદિત ન હોઈ શકે.
જે રીતે અલગ-અલગ બેંકોના ખાતામાં ટૂંકા સમયમાં કરોડો રૂપિયા જમા થયા અને તુરંત ઉપાડી લેવામાં આવ્યા તે જોતા આ એક સુવ્યવસ્થિત સાયબર સિન્ડિકેટ હોવાની શંકા છે. પોલીસ હવે આ પેઢી સાથે જોડાયેલા અન્ય નાણાકીય વ્યવહારો, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને જે જે ખાતાઓમાંથી રકમ જમા થઈ છે તેની કડીઓ જોડી રહી છે. સાયબર એક્સપર્ટ્સની મદદથી આરોપીઓના મોબાઈલ ડેટા અને આઈ.પી. એડ્રેસની તપાસ કરી આ નેટવર્કના મુળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ જી.કે. રાઠોડ, કોન્સ. કિશોરભાઇ કે. રંગાણી વધુ તપાસ કરે છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હાલ આરોપી ફરાર છે. તેને નોટીસ બજવણી કર્યા બાદ આગળની કાર્યવાહી થશે. તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે.
(2:37 PM IST)










